Dakshin Gujarat

આમોદ નજીક પરપુરૂષ સાથે રહેતી મહિલાને દારૂ ઢીંચીને માર મારતાં મહિલાનું મોત

સુરત: આમોદના (Amod) ઘમણાદ ગામે પરપુરુષ સાથે રહેતી મહિલાનું રહસ્યમયી મોત (Death) થતાં તેના પુત્રએ આમોદ પોલીસને ફરિયાદ કરી હતી. આમોદ પોલીસે તપાસ આદરતાં આખરે બંને જણા દારૂ પીધેલા હોવાથી તકરારમાં મહિલાને મારતાં છેલ્લો શ્વાસ લીધો હતો. આમોદ પોલીસે પરપુરુષ સામે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી ધરપકડ (Arrest) કરી લીધી હતી.

આમોદના ઘમણાદમાં રહેતા સંજય જયંતી વસાવાની માતા જીવીબેન (ઉં.વ.૫૦)ને તેના પિતા સાથે અણબનાવ રહેતો હતો. જેના કારણે જીવીબેન ગામમાં જ રહેતા પરપુરુષ ભરત છોટુ વસાવાના ઘરે લગભગ એક વર્ષથી રહેતી હતી. જીવીબેનના પુત્રને ગામલોકોના કહેવાથી તા.૮/૩/૨૦૨૨ના રોજ મધરાત્રે અવસાન થયું હતું. ઘટના સ્થળે જઈ જોતાં શરીર ઉપર લોહીના ડાઘ જેવા નિશાન જોવા મળતાં આખરે આમોદ પોલીસને ફરિયાદ કરી હતી, જેમાં જીવીબેન વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પોલીસે સઘન પૂછપરછ કરતાં ભરત વસાવા અને જીવીબેન તા.૮મી રાત્રે દારૂ પીધેલા હોવાથી બંને વચ્ચે અણબનાવ થયો હતો. ભરત વસાવાએ જીવીબેનને મારતાં તેનું મોત નીપજ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમોદ પોલીસે ભરત વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

બલેશ્વર ગામે ફાર્મહાઉસમાંથી ૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પલસાણા: બલેશ્વરની સીમમાં આવેલા મુકેશ બાબુ કાનાણીના બ્લોક નં.૪૧૭ના ફાર્મહાઉસમાં આવેલા એક રૂમમાં મિશ્રીમલ કેશારામ રબારી (રહે., કામરેજ) તથા મુકેશ બાબુ કાનાણીએ દારૂનો જથ્થાનો સંગ્રહ કર્યાની બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં દારૂ કિંમત ૧૭,૬૨,૮૦૦, બાઇક નં.(જીજે ૦૫ ઇજે ૯૭૫૧) કિંમત રૂ.૨૫ હજાર તથા કાર નં.(જીજે ૦૫ સીએચ ૬૫૪૪) કિંમત રૂ.૧ લાખ મળી કુલ ૧૮,૮૭,૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી બાઇકચાલક, કારચાલક તેમજ મીશ્રીમલ કેશારામ રબારી (રહે.,કામરેજ), મુકેશ બાબુ કાનાણી (રહે.,બલેશ્વર) મળી ચાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસમથકે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

તરસાડી નજીક રૂ.43,000નો દારૂ ઝડપાયો
હથોડા: કોસંબા બ્રિજ થઈને તરસાડી ખાતે ઇંગ્લિશ દારૂ ભરેલી ફોરવ્હીલ કાર આવનાર હોવાની કોસંબા પોલીસને બાતમી મળતાં તરસાડી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ડીડી 03 ઈ 0૨૭૯ નંબરની કાર આવતાં પોલીસને જોઇને ચાલક તેમજ કારમાં સવાર એક અજાણ્યો બુટલેગર કાર છોડીને ભાગી છૂટ્યા હતા. પોલીસે તપાસ કરતાં કારમાંથી રૂ.૪૩,૦૦૦ હજારનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. કોસંબા પોલીસે દારૂ સહિત રૂપિયા ત્રણ લાખની કાર કબજે કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top