Entertainment

સલમાન ખાન ફરી બનશે પ્રેક્ષકોની જાન?

ફિલ્મના બજારને એવી ફિલ્મ ગમતી હોય છે જે રજૂ થવા પહેલાં મોટી ગણી લેવામાં આવે. એવી ફિલ્મ કેટલાક બ્લાન્ડ ધંધો કરી લેતી હોય છે. રજૂ થયા પછી મોટી પુરવાર થતી (જેમ કે કાશ્મીર ફાઈલ્સ) ફિલ્મોનો ધંધો ટોસ ઉછાળવા જેવો હોય છે. બ્લાઇન્ડ ધંધો કરનારી ફિલ્મ ટોપ સ્ટાર્સ ધરાવતી હોય છે. જો કે ફિલ્મ સારી નહીં નીકળે તો પ્રેક્ષકો છેતરાયાની લાગણી અનુભવે છે અને તેવું એકથી વધુ વાર બને તો એવું સમજી લેવાય છે કે હવે આ સ્ટાર્સના દિવસો પૂરા થયા. હમણાં અક્ષયકુમાર વિશે એવી જ દહેશત વ્યાપેલી છે. શાહરૂખ વિશે પણ હતી પણ તેણે પઠાણથી પોતાની પોઝીશન પાછી મેળવી છે. હવે આવી કસોટીનો વારો સલમાનનો છે. છેલ્લે તેની દબંગ-3 સફળ રહેલી, પણ રાધે માર ખાઈ ગયેલી. અંતિમ ધ ફાઇનલ ટ્રુથ પણ નહોતી ચાલી.

સલમાન હંમેશા મિડીયાની સામે રહે છે એટલે લોકો સામે તેની નિષ્ફળતા ઢંકાઇ જાય છે પણ એવું હંમેશ ન ચાલે. કિસીકા ભાઇ કિસીકી જાન પાસે મોટી અપેક્ષા રાખવામાં આવી છે. સલમાને તેની બિઝનેસ ટ્રીક મુજબ તેને ઇદ પર રજૂ કરી છે. આમાં પણ પહેલાં ત્રણ-ચાર દિવસ તો બ્લાઇન્ડ સક્સેસ મળશે. સવાલ ત્યાર પછીનો છે. દબંગ, ટાઇગરની સિક્વલ રજૂ થતી હોય તો આગલી સફળતાનો લાભ મળે. કિસીકા ભાઇ કિસીકી જાન એક ફેમિલી સ્ટોરી છે પણ સલમાન હોય તો બધા જ મનોરંજક મસાલા હશે. રોમાન્સ અને એક્શન પણ છે. આ વખતે સાઉથના સ્ટાર્સ અને હિન્દી ફિલ્મોની કેટલીક અભિનેત્રીઓનો ઝમેલો પણ કરવામાં આવ્યો છે. સલમાનનો ઇરાદો હવે સાઉથનાં રાજ્યોમાં પણ સફળતા મેળવવાનો છે. હકીકતે તે એવી બધી જ સંભવિત સફળતામાં પગ મૂકેલો રાખવા માંગે છે કે જે તેને ફાયદો કરે. પઠાણમાં એ રીતે જ તેણે મહેમાન ભૂમિકા ભજવેલી.

કિસીકા ભાઇ કિસીકા જાનનું ટ્રેલર 10 એપ્રિલ રજૂ થયું. ત્યારે તેને 50 લાખ જેટલાં પ્રેક્ષકો તરત મળી ગયેલાં. હવે રમઝાન છે તો તેનાં પ્રેક્ષકો તૈયાર જ હશે. સલમાને આ ફિલ્મ બનાવવામાં ઘણો સમય પણ લીધો છે. એટલું જ નહીં તેણે શીર્ષક પણ બદલી કાઢ્યું છે. અત્યારે તેનું બધું ધ્યાન આ ફિલ્મની સફળતા પર જ છે અને તે કારણે જ તેની હવે પછીની ફિલ્મનાં શૂટિંગ બહુ ધીમાં ચાલે છે. એ ફિલ્મોમાં તે હીરો તરીકે ય નથી, ફક્ત નિર્માતા જ છે. તે જાણે છે કે આ કાંઇ હમ આપકે હૈ કૌનના દિવસો નથી. દબંગની સફળતા ય બહુ વટાવી ખાધી અને ટાઇગરને હજુ કમાણી માટે આગળ ઘર છે. સલમાનમાં ટોપ સ્ટાર્સ તરીકેનો આત્મવિશ્વાસ હોય તો નવા નવા વિષયો સાથે આગળ વધવું જોઈએ પણ તે હવે સલામત રમત રમે છે.

તે શું તેને લઇને ફિલ્મ બનાવતાં તેના બંને ભાઇઓ પણ ધીમા પડી ગયા છે. તેની કેટરીના કૈફ સાથેની જોડી પણ હવે આગળ વધે એમ નથી. આ સંજોગોમાં તે એક પ્રકારની કટોકટી અનુભવી રહ્યો છે. 57 વર્ષનો થયો છે એટલે અગાઉ જેવી ક્ષમતા પણ નથી રહી. પણ છતાં તેની લોકપ્રિયતા હજુ ઓછી નથી થઇ. તેના વિકલ્પે મોટા થવા જોઇતા હતા એવા સ્ટાર પણ જણાતા નથી. રણવીર પણ પછડાટ અનુભવે છે અને રણબીર હજુ પણ એટલો મોટો પુરવાર નથી થયો કે તેની ફિલ્મો જસ્ટ નામ પર ચાલી જાય. ઋતિક પણ ધીમો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં ફિલ્મ બજાર પાસે આજેય શાહરૂખ, સલમાન જ છે. શાહરૂખે સફળ કરવા ખૂબ પ્રયત્ન થયા તેમ સલમાનની નિષ્ફળતા પણ આ બજારને પોષાય એમ નથી. એટલે જ ઇંતેજાર  છે કે સલમાનની આ ફિલ્મ ખરેખરા અર્થમાં રમઝાનની ઉજવણી બને છે કે નહીં.

Most Popular

To Top