Entertainment

પૂજા હેગડેનીપૂજા ફળશે?

પૂજા હેગડે પોતાને હિન્દી ફિલ્મોની ટોપ સ્ટાર તરીકે જોવા માંગે છે પણ કોઇક કારણથી એવું બની રહ્યું નથી. દીપિકા પાદુકોણે, આલિયા ભટ્ટ તો છે પણ કેટરી કૈફે, પ્રિયંકા ચોપરાએ જે જગ્યાએ ખાલી કરી છે તે ભરાઇ નથી. કિયારા અડવાણીથી પણ નહીં. શું છે કે કેટરીના, પ્રિયંકા વગેરે ટોપ પર ગઇ ત્યારે તેમના સ્ટાર્સમાં સલમાન, શાહરૂખ, આમીર, ઋતિક વગેરે હતા અને તેમનો દબદબો હતો. હવે આ સ્ટાર્સ ઝાંખા પડી રહ્યા છે ને કોઇ સાથે લાંબા સમયની જોડી બનાવી શકે એમ નથી. સલમાને કેટરીના સાથે પાંચથી વધારે ફિલ્મો કરી એવું તે પૂજા હેગડે સાથે નહીં કરી શકે.

પણ પૂજા પાસે વિકલ્પો ઓછા છે. તે રણબીર, રણવીર, વરુણ, શાહીદ, ટાઇગર વગેરે સાથે કામ તો કરી શકે પણ તેને સફળ જોડીમાં ફેરવવું તેના હાથની વાત નથી. પૂજા રસ્તાઓ શોધી રહી છે. સાઉથમાં તેને ફિલ્મો મળે છે. કારણ કે ત્યાંથી જ તેણે શરૂઆત કરેલી. મોહે-જો-દરો તો તેની ચોથી ફિલ્મ હતી અને તે સ્વયં તેને ભૂલી ગઇ છે. હકીકતે તો તે ઇચ્છે છે કે લોકો પણ ભૂલી જાય. પહેલી જ હિન્દી ફિલ્મ સાવ નિષ્ફળ રહેલી એવું યાદ કરવું કોને ગમે? પણ તેની સામે એવી ય ફિલ્મો નથી જેની મોટી સફળતાના કારણમાં પૂજાને કોઇ યાદ કરી શકે.

એક વાત એવી જરૂર છે કે તેનામાં સ્ટાર ક્વોલિટી છે. સાઉથમાં તેની બીજી જ ફિલ્મ નાગ ચૈતન્ય સાથે હતી. હિન્દીમાં પણ ઋતિક સાથે શરૂઆત કરેલી અને એ ફિલ્મ તેમણે મણી રત્નમની ફિલ્મ છોડી દીધેલી. ખેર તે અલ્લુ અર્જૂન સાથે મહેશબાબુ સાથે અને પ્રભાસ સાથે ય ફિલ્મ આપી ચૂકી છે. સાઉથના ટોપ સ્ટાર્સ સાથે તે ટોપ પર છે. બસ, હિન્દીમાં જ જરા વાંધો છે. હાઉસફૂલ-4 કે રાધેશ્યામ અને હમણાં સરકસ પણ તેને ખાસ આપી શકી નથી. તો હવે કિસીકા ભાઇ કિસી કી જાન વડે તે પ્રક્ષકોની જાન બનશે. આ ફિલ્મ સલમાન માટે બની છે અને ફેમિલી ફિલ્મ સાથે એક્શન ફિલ્મનું મિશ્રણ રચાયું છે તો પૂજા શું કરશે? ફિલ્મમાં બીજી ય અભનેત્રીઓ છે.

અલબત્ત સલમાન સાથેની ફિલ્મ છે એટલે તે અનેકની નજરે જરૂર ચડશે અને  એવું જ ઇચ્છે છે. બાકી સલમાન તો તેની હીરોઇનો સાથે ફિલ્મ પછી અંગત રોમાન્સથી જાણીતો થતો હતો અને પેલી હીરોઇન ચર્ચામાં આવી જતી. પૂજા સાથે તો તેવું નથી તે સલમાન સાથે બીજી ફિલ્મ પણ નથી કરી રહી. તેની ફિલ્મોમાં જે છે તે સાઉથની જ છે ચાહે આઇકન મિત્રા હોય, ઉસ્તાદ ભગતસીંઘ, એએ-21, જનગનમન સફળ જાય તો પણ હિન્દીમાં લાભ ન કરે.

પણ હા, ફિલ્મ રજૂ થઇ રહી છે ત્યારે તેના પ્રચારકોએ એવી અફવા વહેતી મૂકી છે કે તે સલમાન ખાનને ડેટ કરી રહી છે. પૂજા સ્વયં આ વિશે અત્યારે કશું કહેશે નહીં કારણ કે ફિલ્મના પ્રમોશન માટે અફવાને આધાર આપવો પડે એમ છે. ફિલ્મની સફળતા માટે તે કાંઇ કરવા ઉત્સુક છે કારણ કે હિન્દીમાં તેને નવી ફિલ્મો ત્યારે જ મળશે જયારે આ ફિલ્મ સફળ જશે. બાકી સલમાન સાથે તેની કાંઇ જોડી તો બનવાની નથી. પૂજા વિચારે છે કે તેને ટોપ સ્ટાર્સ સાથે ફિલ્મો મળે છે પણ આ ફિલ્મો કેમ તેને ટોપ પર લઈ જતી નથી?

Most Popular

To Top