Business

શું હવે જિયોના યુઝર્સે હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન નહીં લેવું પડે?, રિલાયન્સ-ડિઝનીની ડીલથી શું થશે ફાયદો જાણો..

નવી દિલ્હી: રિલાયન્સ અને ડિઝની વચ્ચે એક મોટો સોદો (Reliance-Disney Deal) થયો છે. બંને કંપનીઓ ભારતના મનોરંજન ક્ષેત્રે એક સંયુક્ત સાહસ લાવી રહ્યા છે. રિલાયન્સની જિયો અને ડિઝનીની હોટસ્ટાર એક થયા છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું હવે એક એપમાં બધું મનોરંજન ઉપલબ્ધ થશે. શું જિયો સિનેમા અને હોટસ્ટાર માટે અલગ અલગ સબસ્ક્રિપ્શન લેવા નહીં પડે? ચાલો જાણીએ…

ખરેખર, Jio Cinema Premium અને Disney Plus Hotstar બંને હાલમાં અલગ-અલગ પ્લેટફોર્મ છે. બંને પ્લેટફોર્મ માટે અલગ-અલગ સબસ્ક્રિપ્શન પ્લાન પણ છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસના મનમાં અનેક સવાલો છે. રિલાયન્સ અને ડિઝની મળીને ભારતમાં એક નવું જોઈન્ટ વેન્ચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ સાહસ ભારતના મનોરંજન ઉદ્યોગ સાથે જોડાણ કરશે. સામાન્ય યુઝર્સમાં આ કરારથી તેમની એન્ટરટેઈનમેન્ટ એપના વપરાશમાં શું ફરક પડશે તે જાણવા માટે ઉત્સુકતા છે.

રિલાયન્સ અને ડિઝની ડીલ લાંબા સમયથી ચાલી રહી હતી. ડિઝની તેની ભારતીય અસ્કયામતો વેચીને બહાર નીકળવા માંગતી હતી. જો કે, ડીઝનીના સીઈઓ બોબ ઈગરે બાદમાં એવું જાહેર કર્યું કે તેઓ ભારતમાં જ રહેવા માંગે છે કારણ કે તે એક ઉભરતું બજાર છે. તેથી ડિઝનીએ ભારતની બહાર જવાને બદલે ભારતમાં રહીને નવી ભાગીદારી કરી. આ ભાગીદારી રિલાયન્સ ગ્રુપ સાથે કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેની આ ભાગીદારીની કિંમત 70 હજાર કરોડ રૂપિયા છે.

આ નવા કરાર હેઠળ નવી ભાગીદારીમાં સ્ટાર ટીવી નેટવર્ક, સ્પોર્ટ્સ 18 ટીવી, હોટસ્ટાર અને જિયો સિનેમાને એક રૂફ હેઠળ આવરી લેવામાં આવશે. રિલાયન્સ આ ભાગીદારીમાં મોટો હિસ્સો જાળવી રાખશે. કંપની હવે ભારતમાં જ રહેશે. આ ભાગીદારીમાં રિલાયન્સની પેટાકંપની Viacom18 પાસે 46.82% અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે 16.34% હિસ્સો છે. આ સિવાય ડિઝનીની ભાગીદારી 36.84 ટકા છે. આ ભાગીદારીના વિકાસ માટે રિલાયન્સ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે.

શું JioCinema અને Hotstar એક એપમાં સામેલ થશે?
હવે યુઝર્સનો મોટો પ્રશ્ન એ છે કે શું જિયો સિનેમા અને હોટસ્ટારના પ્રોગ્રામ્સ એક જ એપમાં જોઈ શકાશે. તો રિલાયન્સ અને ડિઝનીએ કહ્યું કે નવી ભાગીદારી સ્ટાર ટીવી નેટવર્ક, હોટસ્ટાર, સ્પોર્ટ્સ18 અને JioCinemaના પ્રોગ્રામને એકસાથે લાવશે. જો કે, અત્યાર સુધી કંપનીઓએ આગામી પ્લેટફોર્મના નામ વિશે માહિતી આપી નથી, જ્યાં આ બધી સામગ્રી એક સાથે જોઈ શકાશે.

ખરેખર, અત્યારે Jio સિનેમા અને Disney+ Hotstar બે અલગ-અલગ પ્લેટફોર્મ છે. હાલમાં બંને એપ્લિકેશન અલગ-અલગ સબ્સ્ક્રિપ્શન પ્લાન ધરાવે છે. જો કે, બંને એપ ક્યારે મર્જ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top