SURAT

કેમ સુરત કોંગ્રેસ પોલીસ કમિશ્નરની બદલીની કરી રહી છે માંગ

સુરત: ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થવાનો ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વચ્ચે સુરત(Surat) શહેર કોંગ્રેસ(Congress) સમિતિ ધ્વારા સુરત પોલીસ કમિશ્નર(Commissioner of Police) અજયકુમાર તોમર(Ajaykumar Tomar)ની તાત્કાલિક બદલી(Transfer) કરવામાં માટે માંગ કરી છે. આ મામલે કોંગ્રેસ સમિતિએ ગુજરાત રાજ્યનાં ચીક ઇલેકટોરલ ઓફિસરને પત્ર લખ્યો છે. જેમાં સુરત પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

કોંગ્રેસનાં આગેવાનો સામે ખોટા કેસો કર્યાનો આરોપ
સુરત કોંગ્રેસે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર ગુજરાતમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર.પાટીલ અને ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના આદેશથી સુરત શહેર કોંગ્રેસના આગેવાનો સામે ચૂંટણી પહેલા ખોટા કેસો કરી ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. તાજેતરમાં સુરતમાં કોંગ્રેસના ચાર આગેવાનો સામે એક જ દિવસમાં બે ખોટા કેસો ઊભા કરી પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. આ મામલાને કોંગ્રેસ પક્ષના લીગલ સેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. છેલ્લા અઢી વર્ષથી સુરત શહેરમાં કાર્યરત પોલીસ કમિશ્નર અજય તોમરે વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમમાં સરકારની પ્રજા વિરોધી નીતિઓનું કાળા વાવટા બતાવી વિરોધ કરતા કોંગ્રેસનાં સક્રિય અગ્રણી કાર્યકર આશિષ રાય (મંત્રી,ગુજરાત કોંગ્રેસ) તેમજ શહેર કોંગ્રેસ સમિતિનાં હોદેદાર ગુલાબ યાદવ,કિશોર શિંદે અને સંતોષ શુક્લા સામે સીઆર.પાટીલ, હર્ષ સંઘવી,સંગીતા પાટીલ સહિતના સત્તાધારી પક્ષના આગેવાનોનાં સીધા આદેશથી પોલીસ કમિશનર તોમરના તાબા હેઠળનાં લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા દ્વારા જુદા જુદા સાવ ઉપજાવી કાઢેલા બે ગુના બાબતે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી હતી. જેઓને તા. 30/09/2022 નાં રોજ કોર્ટ માંથી જામીન મળ્યા હતા પરંતુ પોલીસ દ્વારા આયોજનબધ્ધ રીતે કોર્ટમાંથી જ CRPC 151 માં અટકાયત કરીને ફરી પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માત્ર ને માત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ અને ગૃહરાજ્ય મંત્રી તથા લીંબાયતના ધારાસભ્યના આદેશથી રાજકીય દબાણમાં લીંબાયત પોલીસ દ્વારા મોડી રાત્રે જાણે આ ચારેય કોઈ રીઢા ગુનેગાર હોય કે,રાજકીય પક્ષ નહીં પણ કોઈ અસામાજીક ગેંગ સાથે સંકળાયેલા હોય એ રીતે જેલમાં “પાસા” હેઠળ કાર્યવાહી કરી મોકલી આપવામાં આવ્યાં હતાં.

બે પોલીસ મથકના પી.આઈની પણ બદલીની માંગ કરી
આ કેસમાં નોંધનીય બાબત એ છે કે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનના ઇસ્પેક્ટરશ્રી એચ.બી.ઝાલાના સગા ભાઈ રાજવીરસિંહ ઉર્ફે રાજેશ ઝાલા સત્તાધારી પક્ષ ભાજપના ગીર-સોમનાથ જિલ્લાના અગ્રણી અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે.એટલેકે પીઆઈનો પરિવાર સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલો હોવાથી મતદારો સાથે સીધા સંપર્કમાં આવે એવા સ્થાનેથી ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનું પોસ્ટિંગ ન હોવું જોઈએ.એમની પણ સુરત શહેરમાંથી તત્કાલિક બદલી થવી જોઈએ. એવી જ રીતે બીજી ઘટનામાં મોંઘવારી સામેના કોંગ્રેસ સમિતિના દેખાવો દરમ્યાન સુરત મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની કચેરી બહાર દેખાવો કરનાર સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો એડ્વોકેટ ભુપેન્દ્ર સોલંકી,માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા,માજી કોર્પોરેટર શૈલેષ રાયકા ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના સેક્રેટરી પ્રદીપ સિંધવ સહિત 4 કોંગ્રેસી આગેવાનો સામે ખોટી રીતે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે રાયોટિંગ જેવો ગંભીર ગુનો દાખલ કરનાર લાલગેટ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવી અનિવાર્ય બને છે. સુરતના પોલીસ કમિશનર, લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર અને લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી લાકતાંત્રિક રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટે તાત્કાલિક અસરથી કરવા માંગ કરી છે.

Most Popular

To Top