Sports

ઋષભ પંતને શું થયું છે? બાંગ્લાદેશ ટુરમાંથી અચાનક ખસી જવા બાબતે મોટો ખુલાસો

નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામે ચાલી રહેલી વન-ડે સિરીઝમાંથી (India Bangladesh Odi Series) વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનું (Rishabh Pant) અચાનક હટી જવું દરેક માટે ચિંતાનો વિષય બની ગયો છે. રવિવારના રોજ બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ વનડે રમાવાની હતી તેના થોડા સમય પહેલા જ ઋષભ પંતના વનડે સિરીઝમાંથી બહાર થવાનો મામલો સામે આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે પંતના નહીં રમવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે મેડિકલ ટીમની સલાહ પર પંત નથી રમી રહ્યો. જો કે, હવે જે બાબતો સામે આવી રહી છે તેનાથી મૂંઝવણ ઊભી થાય છે.

એક અહેવાલમાં દાવો કરાયો છે કે ઋષભ પંતે પોતે બાંગ્લાદેશની વનડે સિરીઝમાંથી ખસી જવાની અપીલ કરી હતી. આ ટુરમાંથી પંતે રજા માંગી હતી. પંતે આ અંગે કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી. રિપોર્ટ અનુસાર, ઋષભ પંત બાંગ્લાદેશ છોડતા પહેલા ઢાકામાં હતો અને તેણે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઋષભ પંત કોરોના અથવા અન્ય કોઈ તબીબી કારણોસર પ્રવાસમાંથી ખસ્યો નથી. વાત બીજી જ કંઈક છે.

ટીમ મેનેજમેન્ટે ઋષભ માટે રિપ્લેસમેન્ટ પણ રાખ્યું નથી. જ્યારે પ્રથમ વન-ડેમાં ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહેલા વાઈસ કેપ્ટન કેએલ રાહુલને ઋષભ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેનો જવાબ એવો હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેએલ રાહુલે કહ્યું હતું કે મને તે અંગે જાણ નથી. પંત નહીં રમવાનો હોવા અંગે અમને ડ્રેસિંગ રૂમમાં જ ખબર પડી હતી. કદાચ મેડિકલ ટીમ જ આ મામલે યોગ્ય જવાબ આપી શકશે.

BCCIએ શું આપ્યું નિવેદન?
BCCIના નિવેદન પર નજર કરીએ તો બોર્ડે ઋષભ પંતને બહાર રાખવાનું કારણ ફિટનેસ ગણાવ્યું હતું. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે BCCIની મેડિકલ ટીમની સલાહ પર ઋષભ પંતને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે.

તમને જણાવી દઈએ કે વ્હાઇટ બોલ ક્રિકેટના ફોર્મેટમાં ઋષભ પંતનું પ્રદર્શન સતત નિરાશાજનક રહ્યું છે. તાજેતરમાં જ તેને ODI અથવા T20 ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠી હતી. આ દરમિયાન તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી ખસી ગયો છે. તેની જગ્યાએ કેએલ રાહુલ વિકેટકીપિંગ કરી રહ્યો છે, રાહુલે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે તેને વિકેટકીપિંગ માટે તૈયાર રહેવા કહ્યું છે.

Most Popular

To Top