Editorial

ભારતમાં પ્રતિબંધિત તૂર્કિએ બનાવટની 6 લાખની કિંમતની પિસ્ટલ અતિકના હત્યારાઓને કોણે પહોંચાડી?

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતા અજાણ્યા હુમલાખોરો દ્વારા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓ અને એડિશનલ પોલીસ મહાનિર્દેશકને તાત્કાલિક બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા.

આ બેઠક લખનઉમાં મુખ્યમંત્રી નિવાસ્થાને યોજાઈ હતી. સુત્રોમાંથી મળતી મુજબ પોલીસનો ચુસ્ત બદોબસ્ત હોવા છતા અતીક અને અશરફની હત્યાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નારાજ હોવાનું જાણવા મળ્યુ છે. જીડીપીએ વિશ્વકર્માએ સીએમને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. સીએમ દ્વારા આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની જ્યુડિશિયલ કમિશનની રચના કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ પોલીસે પત્રકાર સાથે માહિતી આપતા જણાવ્યુ હતું કે ત્રણ શખ્સો મીડિયામેન તરીકે ઉભા હતા તેમણે અચાનક અતીક અહમદ અને તેના ભાઈ અશરફ પર ગોળીબાર કર્યો હતો. આ બંને પર ગોળીબાર કરીને મારી નાખવામાં આવ્યો હતો.

આ ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ હતું કે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હોવાથી અતીક અને અશરફના મૃતદેહને ઘટનાસ્થળેથી દૂર લઈ જવામાં આવ્યા હતા. આ હત્યાકાંડ સર્જીને હાહાકાર મચાવનારા ત્રણેય આરોપીઓ પકડાયા છે તેમાં એકનું નામ શનિસિંગ છે, બીજાનું અરૂણ મોર્ય અને ત્રીજાનું લવલેશ કુમાર છે. આ ત્રણેય ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાના રહેવાસી છે. જે પૈકી એક કાસગંજનો રહેવાસી છે. બીજો હમીરપુરનો છે અને ત્રીજો બાંદા જિલ્લાનો છે આમ ત્રણેય એક જિલ્લાના પણ નથી. ત્રણેય સામે અનેક ગુના નોંધાયા છે પરંતુ તેમણે જે રીતે એક ઝાટકે ઉત્તર પ્રદેશમાં વર્ષોથી ગુંડાગીરી કરતાં અતિક અહેમદ અને તેના ભાઇ અશરફને પોલીસ અને પત્રકારોની હાજરીમાં ઉડાવી દીધા તેના કારણે સમગ્ર દેશમાં સનસનાટી ફેલાઇ ગઇ છે.

બીજી તરફ 19 રાઉન્ડ ફાયરિંગ કરીને બંને માફિયા બંધુઓને મોતને ઘાટ ઉતાર્યા પછી ત્રણેય હુમલાખોરોએ જયશ્રી રામના નારા લગાવતા લગાવતા પોલીસ સમક્ષ સરન્ડર કરી દીધું હતું. તો બીજી તરફ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, તેઓ કોઇ હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા નથી પરંતુ પંકાયેલા બદમાશ છે જેમાં એક ઉપર તો હત્યાનો ગુનો પણ નોંધાયો છે. તો શ્રીરામના નારા લગાડવાની સૂચના તેમને કોણે આપી તે પણ હવે તપાસનો વિષય બની જાય છે કે, ઉત્તર પ્રદેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો ઇરાદો કોણ ધરાવે છે. એક સૌથી મહત્વનું કારણ એ પણ છે કે, હત્યામાં જે પિસ્ટલ વાપરવામાં આવી છે તે તુર્કીએની બનાવટની છે.

તે જિગાના તરીકે ઓળખાઇ છે અને તેના ઇમ્પોર્ટ પર ભારતમાં પ્રતિબંધ છે અને તેની કિંમત રૂપિયા 6 થી 7 લાખ છે તો આટલી મોંઘી કિંમતની પિસ્ટલ આ નાના ગજાના હુમલાખોરો પાસે આવી કઇ રીતે? જો કે, અતિકના પુત્ર અસદનું એનકાઉન્ટર અને અતિક અને અશરફની પોલીસની હાજરીમાં હત્યાની જે ઘટના બની છે તેનો વિપક્ષ જેટલો વિરોધ કરશે ભલે તે વિરોધ સાચો અને તર્કબદ્ધ હોય તેમ છતાં તેનો સીધો લાભ તો માત્રને માત્ર સત્તા પક્ષને જ મળશે. આ જ કારણ છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગી અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલા છે એટલું જ નહીં અનેક યુવાનોના મોબાઇલના ડીપીમાં પણ તેઓ જોવા મળી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ પર હુમલો કરનાર ત્રણ યુવકો મીડિયા કર્મીઓ તરીકે પહોંચી ગયા હતા. આ સ્થિતિમાં હવે ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં પત્રકારોની સુરક્ષા માટે SOP તૈયાર કરશે. પત્રકારોને સુરક્ષા આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

અતિક અહેમદના રાજકીય અને ગુનાઇત ઇતિહાસ પર નજર કરીએ તો સમાજવાદી પાર્ટીના સાંસદ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના એક પૂર્વ ધારાસભ્ય રહેલા અતીક અહમદ અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભામાંથી સતત પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પોલીસ રેકોર્ડ અનુસાર 2013 IANSની રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશમાં ‘ગેંગસ્ટર એક્ટર’ હેઠળ અતિક સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. અહેમદ 1979માં પ્રથમ વખત ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાનું કહેવાય છે જ્યારે તેના પર હત્યાનો આરોપ હતો. હાલમાં તેની સામે 100 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યામાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અતીક અહેમદની રાજકીય સફરની વાત કરીએ તો, તેમણે તેમની રાજકીય સફર 1989માં શરૂ કરી હતી, જ્યારે તેમણે અલ્હાબાદ પશ્ચિમથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે MLA બેઠક જીતી હતી. વર્ષ 1999-2003 દરમિયાન તે સોનેલાલ પટેલ દ્વારા સ્થાપિત અપના દળના પ્રમુખ હતા. અતીક આગામી બે વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે પોતાની સીટ જાળવી રાખ્યા બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયો અને વર્ષ 1996માં સતત ચોથી વખત ચૂંટણી જીતી હતી. ત્રણ વર્ષ બાદ તેણે ફરીથી વર્ષ 2002માં અપના દળમાંથી પોતાની સીટ જીતી.

Most Popular

To Top