Entertainment

અલ્લુના રાઇઝ સામે કયો ખાન, કપૂર ટકશે?

હિન્દી ફિલ્મો અત્યારે જાણે સ્ટાર્સ વિનાની થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મ ચાલી ગઈ તે ખરું અને કદાચ ‘જવાન’અને ‘ડંકી’ પર ચાલી જશે તોય તેનો સ્ટાર તરીકેનો સમય પૂરો થઈ ગયો છે. એ જ હાલત સલમાનની છે અને આમીર ખાન તો બબ્બે ફિલ્મોની નિષ્ફળતા પછી ગુંચવાયો છે કે ફરી પ્રેક્ષક સામે સફળ કેવી રીતે થઈશ. અત્યારે અક્ષયકુમાર પણ હાંફી ગયો છે અને રણવીર સીંઘ પણ ચાલી નથી રહ્યો. ઋત્વિક રોશન બે-અઢી વર્ષે એકાદ ફિલ્મ પૂરતો મર્યાદિત થઈ ગયો છે અને તે પણ કાંઈ રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન તો નથી જ.

અત્યારે સાઉથની ફિલ્મો અને તેના સ્ટાર્સ જાણે હિન્દી ફિલ્મોના સ્ટાર્સના વિકલ્પે ઊભરી રહ્યા છે. પ્રાભાસથી શરૂ થયેલો સિલસિલો રામચરન, જૂનિયર એન.ટી.આર, યશ વગેરે થઈ આગળ વધી રહ્યો છે. આ બધામાં અલ્લુ અર્જુન કદાચ ટોપ પર છે. આમ તો ‘પુષ્પા:ધ રાઈઝ’થી જ તે હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો સામે સ્ટાર પદ પામ્યો છે પણ તેની સ્ટાઈલ અનેક લોકપ્રિય કાર્યક્રમોનો હિસ્સો બને છે. ‘પુષ્પા…’ની સિક્વલ ‘પુષ્પા: ધ રુલ’આવી રહી છે. હમણાં અલ્લુએ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે રશ્મિકા મંદાનાએ તેને શુભેચ્છા પાઠવતાં લખેલું કે ‘તમે પુષ્પા તરીકે ફરી આવો તેનું આખું જગત રાહ જુએ છે!’ રશ્મિકાની વાતમાં પ્રચાર જરૂર છે. પણ પ્રેક્ષકો આ ફિલ્મની રાહ જુએ છે તે પણ હકીકત છે.

સાઉથના સ્ટાર્સની આટલા વર્ષોમાં ક્યારેય નથી થઈ એટલી ચર્ચા અત્યારે થાય છે. સામાન્ય પણે અજાણ્યા સ્ટાર્સની ફિલ્મો માટે બોક્સ ઓફીસ પર ભીડ થતી નથી પણ સાઉથના સ્ટાર્સ અજાણ્યા જ છે છતાં તેઓના નામે ભીડ થાય છે. આમાં ખરેખર તો પેલા સ્ટારની જ વેલ્યુ નથી હોતી પણ દક્ષિણના નિર્માતા- દિગ્દર્શકો જે મનોંરંજકતા સર્જી શકે છે. તેની વેલ્યુ છે. ‘બાહુબલી’શ્રેણીની બે ફિલ્મો, ‘પુષ્પા’, ‘આર.આર.આર’, ‘કે.જી.એફ ચેપ્ટર’એક અને બે અને ‘પોન્નિયન સેલ્વન’ના બે ભાગોએ પ્રેક્ષકોમાં એવું ભરાવી દીધું છે કે ફિલ્મ તો સાઉથવાળા જ બનાવે. આ ફિલ્મોમાં અલ્લુ અર્જુન ટોપ સ્ટાર છે.

હમણાં સલમાનની ‘કિસીકા ભાઈ કિસીકી જાન’રજૂ થઈ પણ એમાં એવું કશું નહોતું કે લોકો ફીદા થઈ જાય. એકની એક ફિલ્મ બીજી વાર જોવા જાય. આની સામે ‘પુષ્પા-2’નું પોસ્ટર રિલીઝ થયું તેણે પણ આકર્ષણ જમાવ્યું છે. તેમાં જાણે તે મહાકાલી જેવો દેખાય છે. ગળામાં એકદમ મોટી માળા, લાલ કપાળ, કાન અને નાકમાં ઘરેણાં. આવી હિંમત કોઈ હિન્દી ફિલ્મનો સ્ટાર ન કરી શકે પણ સાઉથવાળા કરે. સાઉથવાળા સ્ટારની ઈમેજ સાથે જબરદસ્ત પ્રયોગો કરે છે.

શરીર આખું પેઈન્ટ કરેલું હોય, પટ્ટુ સાડી પહેરી હોય, કાનમાં એરીંગ, નાકે પીન્સ, નેકલેસ, બંગડી વગેરે શાહરૂખ કે સલમાન કે ઋત્વિક કે રણબીર કપૂર કે અક્ષયકુમાર પહેરે ખરા? પ્રભાસ અને અલ્લુ અર્જુનની ફિલ્મે જ વીએફએક્સના નવા ધોરણ સ્થાપી આપ્યા છે. હિન્દી ફિલ્મવાળાઓએ સાઉથમાં જઈ ટ્રેનિંગ લેવી પડે એવી દશા છે. તે લોકો ફેન્ટસી અને રિયાલિટીનું જબરદસ્ત મિશ્રણ કરે છે. અલ્લુ અર્જુન તો સ્ટાઈલીશ પણ ઘણો છે. એવું કહેવાય છે કે આવનારા સમયમાં ‘આદિપુરુષ’ ગેમ ચેન્જર પુરવાર થશે તો ‘પુષ્પા:ધ રુલ’નવા રેકોર્ડ સ્થાપશે. •

Most Popular

To Top