Columns

શિક્ષણના આંતરરાષ્ટ્રિય બજારમાં ભારત ક્યાં?

રૂપિયો ગગડી રહ્યો છે. ભારતીયો દ્વારા વિદેશી વસ્તુઓ, વિદેશી સેવાઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે ક્રુડ ઓઈલની આયાત પાછળ મોટો ખર્ચ કરીએ છીએ, પછી શસ્ત્રોની ખરીદી પાછળ મોટો ખર્ચ કરીએ છીએ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર્સની આયાત પાછળ જંગી ખર્ચ કરીએ છીએ. આ મોટી આયાતોની ચૂકવણી ડૉલરમાં થાય છે એટલે ડૉલરની માંગમાં વધારો થાય છે. ડૉલરનું મૂલ્ય વધે છે. રૂપિયાનું ઘટે છે. આથી જ ડોલર કે વિદેશી હુંડિયામણની માંગ થાય છે. ભારતમાંથી વિદેશ જતાં નાગરિકો દ્વારા અને એમાંય છેલ્લાં વર્ષોમાં ભારતમાંથી યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઈંગ્લેન્ડમાં ભણવા માટે કે ભણવાના નામે ત્યાં સેટ થવા માટે જનારાં ભારતીય યુવાનોની સંખ્યા વધી છે. આ બધા જ વિદેશી હુંડિયામણની માંગ કરે છે.

ભારત વિશ્વગુરુ થવાનાં રાજકીય સપનાં જુએ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે શિક્ષણના આંતરરાષ્ટ્રિય બજારમાં ભારતનું સ્થાન ક્યાં છે? જેવી રીતે ભારતીય યુવાનો ભણવા માટે વિદેશ જાય છે તે રીતે વિદેશી યુવકો ભારત આવવા તરસે છે? ભારતની એવી કઈ યુનિવર્સિટી છે, જેમાં ભણવા માટે આંતર રાષ્ટ્રિયસ્તરે ઉત્કંઠા હોય? એવો કોઈ અભ્યાસક્રમ, કોર્ષ, તાલીમ ભારતમાં આવી છે કે જેનો દુનિયાભરમાં વિકલ્પ ન હોય!

આપણાં વિદ્યાર્થીઓ આમ તો ભણવા માટે નહીં, પણ આર્થિક નિશ્ચિતતા સાથેના ભવિષ્ય માટે પરદેશ જાય છે. પણ જેઓ ખરેખર ભણવા માંગે છે વિશિષ્ટતા સાથે કારકિર્દી ઘડવા માંગે છે તેઓ પણ ચોક્કસ અભ્યાસ માટે વિદેશ જાય છે! એન્જીનિયરીંગ માટે જર્મની, બાયોલોજી માટે ફ્રાન્સ, ફિલ્મ મેકીંગ માટે ઈંગ્લેન્ડ, અમેરિકા, પરંપરાગત અભ્યાસક્રમ માટે ઈંગ્લેન્ડ અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીઓ એનીમેશન માટે ન્યુઝીલેન્ડ દુનિયાભરમાં વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર છે. જે વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયમાં મહારથ હાંસલ કરવા માંગે છે તેઓ તે પ્રકારના કોર્ષ જ્યાં પ્રખ્યાત હોય ત્યાં જ ભણવા જાય છે. મેડીકલના અભ્યાસક્રમમાં પ્રવેશની સરળતા માટે યુક્રેન રશિયામાં ભારતીયો પ્રવેશ મેળવે છે. હવે વિચારો, ભારત શિક્ષણના આ આંતરરાષ્ટ્રિય બજારમાં ક્યાં છે! કઈ ભારતીય યુનિવર્સિટી કે કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવે! હાથમાં ડીગ્રી હોય તો નોકરી અપાવે! અને વિદેશી વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય રૂપિયાની માંગ વધારે?

ભારતે આંતરરાષ્ટ્રિય સ્તરે વર્ષો પહેલાં જ્ઞાનની પાઠશાળાઓ માટે નામના મેળવી હતી. સંપૂર્ણ ભાષા સંસ્કૃત અને ભાષાના વૈજ્ઞાનિક બંધારણ શીખવા લોકો ભારત આવતા. ખગોળવિદ્યા એન ગણિતશાસ્ત્ર જે મૂળ તો તર્કશાસ્ત્ર છે તેનાં મૂળ ભારતમાં હતાં અને જ્ઞાન અહીંથી દુનિયામાં વહેંચાયું. પણ ભવ્ય ભૂતકાળને યાદ કરીને રાજી ક્યાં સુધી થવાનું? અત્યારે આપણી યુનિવર્સિટીની માર્કશીટ કે ડીગ્રી પર આપણી સરકારો જ નોકરી નથી આપતી. ડિગ્રીનો એવો ફુગાવો થયો છે, મૂલ્યાંકનની ગુણવત્તા એ હદે ખાડે ગઈ છે કે નોકરી માટે વિશેષ પરીક્ષાઓ લેવી પડે છે. આપણી થોડીક યુનિવર્સિટી ખાસ તો કેમ્પસ બાદ કરતાં વિદેશી યુવાનો ભણતાં હોય તેવું ઓછું છે. ભારતમાં જે વિદેશી યુવાનો ભણવા આવે છે તે પણ ભારત કરતાં નાના અને નબળા દેશના આવે છે. ભારતીયોને જેનું ઘેલું છે તેવા દેશના યુવાનો ભારતમાં ભણવા આવતા નથી.

ભારતમાં વિદ્યાર્થીઓ તો નથી આવતા વિદ્વાનો, સંશોધકો અને યુનિવર્સિટીઓ પણ નથી આવતી. આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં કેમ્બ્રીજ, હાવર્ડ જેવી નામાંકિત યુનિવર્સિટીનાં નામ સાથે જોડાયેલા અંગ્રેજી વિષયના સર્ટીફિકેટ કોર્ષનું ચલણ વધ્યું હતું પણ તે માત્ર ફેન્ચાઈઝી સિસ્ટમ હતી. નામ વાપરવાના પૈસા ચૂકવવાના હતા. ભણાવનારા, ભણનારા બધા ભારતના જ હતા, કાગળ ઉપર એમ.ઓ.યુ. નું ચલણ શિક્ષણક્ષેત્રમાં વધ્યું છે. ગુજરાતની એન્જિનિયરીંગ કોલેજોના કોર્ષ ચલાવતી કોલેજોમાં આંતરરાષ્ટ્રિય તો જવા દો, રાષ્ટ્રિય કક્ષાના તજજ્ઞો પણ માત્ર મહેમાન કલાકાર તરીકે આવે છે. ભારતમાં શિક્ષણ જ્યારે સાવ સરકારી હતું ત્યારે તેની થોડી પણ ગુણવત્તા હતી.

ભારતને મોટા ગજાના સાહિત્યકારો, એન્જિનિયરો, ચિત્રકારો, કલાકારો, વૈજ્ઞાનિકો તેમાંથી મળ્યા, જેઓ વિદેશોમાં જઈને પણ ભણ્યા અને ત્યાં પણ નામ ઉજજવળ કર્યું! ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. એ. થયેલ વિદ્યાર્થી શિકાગો યુનિવર્સિટીમાંથી પણ સરળ રીતે સફળ થયાના દાખલા છે. આજે ખાનગીકરણ પછી ખાનગી કોલેજો યુનિવર્સિટીઓનો રાફડો ફાટ્યો છે. પણ ગુણવત્તાના ધોરણ આ સંસ્થાઓને રાષ્ટ્રિય સ્તરે પણ નામના નથી અપાવતી! આપણે ચૂંટણીના રાજકારણમાંથી નવરા પડીએ એટલે આપણા શિક્ષણની ગુણવત્તા વિષે ચિંતા કરવાની જરૂર છે. કોઈ આદર્શની રીતે, આધ્યાત્મિક રીતે નહીં! આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય અને મહત્ત્વની દૃષ્ટિએ! ગુરુ તો પછી બનીશું, પહેલાં સારા શિષ્ય, જિજ્ઞાસુ વિદ્યાર્થી બનીએ!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top