Comments

મધરાતે પંખા-યુદ્ધ ફાટી નીકળે ત્યારે..!

માણસ-માણસ કે દેશ-દેશ વચ્ચે જ બબાલ/યુદ્ધ થાય કે ફાટે,એ અંધશ્રધ્ધા છે. સત્યને પામવું હોય તો, મરઘાએ ટોપલામાંથી બહાર નીકળવું પડે એમ, ઘરના ઉંબરા ત્યાગવા પડે. તો જ પરખાય કે, હવે તો એક ઋતુ ઉપર બીજી ઋતુના પણ હુમલા થાય છે..! તંઈઈઈઈ..! સવારે સ્વેટર ચઢાવો, બપોરે રેઇન-કોટ કાઢો ને સાંજે બરમૂડા ચઢાવી “વસ્ત્ર-બંધી”નાં પ્રદર્શનધારીની માફક લટાર મારવા નીકળો એવું પણ બને. સાલી શું આજકાલ મોસમ ફાટી છે..? વેલેન્ટાઈન ડે પછી તો બેફામ બની ગઈ. રોજ રાતે ઠંડી-ગરમીની બબાલમાં રોજ બેડરૂમમાં પંખા-યુદ્ધ શરૂ થાય છે બોલ્લો..! દિવસે ગરમી, સાંજે મંદ-મંદ ઠંડી, ને અધરાત-મધરાત થાય ત્યારે ગોદડી ઓઢવી કે દાનમાં આપી દેવી એની ખબર જ નહિ પડે..! ગરમી તો ગરમી, પણ નખરાળી સાળીની માફક ટાઈઢ પણ ફરી વળે..!

આવું થાય ત્યારે પંખો ચાલુ રાખો, બંધ કરોની બબાલમાં જ રાત પૂરી થઇ જાય..! સાલા સરસ મઝાનાં સ્વપ્નાં પણ મેદાન છોડીને ભાગી જાય..! ને સારિકાને બદલે સામે શુર્પણખા દેખાય..! અગમચેતી રાખીને જ વડીલોએ મારા લગન ગાંધી જયંતીએ રાખેલા, જેથી કાયમનો હું અહિંસક રહું. ફાયદો એ થયો કે, પરણ્યા પછી હું ક્યારેય હિંસક બન્યો નથી. પંખા-યુદ્ધ થાય તો, બાવો બનીને હરિદ્વાર જવાને બદલે, બેડરૂમ દ્વારે જ અનશન ઉપર બેસી જાઉં..! લડવા ઝઘડવાનું ઉપડે જ નહિ. ત્યારે ચમનિયાએ ‘હિરણ્યકશ્યપ જયંતી’ના દિવસે વરઘોડો કાઢેલો.

ચમન અને ચમની એવા બાઝે કે, છત પર લટકેલો પંખો પણ ફરતો-ફરતો ધ્રૂજે..! બેડરૂમ કુરુક્ષેત્રમાં CONVERT થવા માંડે..! ગુજરાતના ૧૨,૭૨,૩૪૭ ફેમીલીયુંમાં (વધતા-ઓછા હોય તો ચલાવી લેવાનું-આંદોલન નહિ કરવાનું..! ) આવું યુદ્ધ ફાટતું હશે. જે લોકો લગન પછી ઝઘડ્યા જ નહિ હોય, એમને ત્યાં ઝઘડવાની પ્રાણ-પ્રતિષ્ઠા શિયાળામાં જ થાય..! સ્વાભાવિક છે કે, આવી વાતના ઝંડા લઈને કોઈ શેરીમાં નહિ નીકળે. ને આવી નજીવી વાતમાં ED જેવી રેડ પણ નહિ પડાય, એટલે વાત તો બહાર ક્યાંથી ફેલાવાની..? બાકી ઘણાની કમાન આ ઋતુમાં જ વધારે છટકે. એવા ઝઘડે કે કુંડળી પણ કુંડાળું થવા માંડે.

એક બાજુ ‘પંખા-યુદ્ધ’ચાલતું હોય, બીજી બાજુ માથા ઉપરનો પંખો કિચુડ..કિચુડ કરતો હોય, ગરમી આખા શરીરે કઈડતી હોય, ને ઠંડી ગોદડીમાં ભરાવા હલ્લા-બોલ કરતી હોય, ત્યારે ઉઘાડા દિલે તેજાબી ચાબુકના સટાકા પડતા હોય એવું લાગે.! એમાં પંખો જો પિયરથી કન્યાદાનમાં આવેલો હોય તો ખલ્લાસ..! ડબલ સરકારની માફક ડબલ-યુદ્ધ થાય..! ભારે શુરાતન ચઢે..! પંખાનો કિચુડ..કિચુડ અવાજ રણશિંગું ફૂંકતું હોય એવો લાગે, વાતાવરણ ઔર ભયાવહ બનાવી દે..!
પતિઓનો ફાંકો ભલે ઊંચી લેવલનો હોય, પણ છેવટે ધારેલું તો નમણી નાર જ કરી જાય બોસ..! ચમનિયો ઘણી વાર મને કહે કે, અસ્સલ HUSBAND ની સ્પેલિંગમાં ૭ અક્ષર આવતા, એટલે ૭ મંગલફેરા ફરાતા. પછી કોણે એવી સળી કરી કે, WIFE ની સ્પેલિંગમાં ચાર અક્ષર આવે એટલે ચાર ફેરા થઇ ગયા.

ધર્મ-અર્થ-કામ અને મોક્ષ..! ફેરા ચાર ફરો કે સાત ફરો, પણ પહેલાંના ફેરા જીવે ત્યાં સુધી ટકતા. ઉતરતા નહિ. ભમરડામાં જેટલી વીંટ વધારે ભેરવો, એટલો ભમરડો વધારે ચાકે ચઢતો, એમ સંસાર ચાકે ચઢેલો રહેતો. આજે તો કોઈ પણ ત્રિકાળ જ્ઞાની પાસે લગનની કુંડળી કઢાવો, ભાઈડાના ગુણ ભલે અમિતાભ જેટલા ઊંચા હોય, પણ પીઠીનો રંગ ઉતરવા માંડે એટલે જયા ભાદુડીની ‘હાઈટ’ પકડવા માંડે..! છેલ્લે..! ભાઈડા ની હાલત અંગ્રેજી આંઠડા જેવી થઇ જાય..! સાપના માથે દેડકી ચઢી ગઈ હોય એમ, વાઈફના ગુણ જ જમાવટ કરવા માંડે. એનું જ નામ સંસાર-ચક્ર..!

એના કપાળમાં કાંદા ફોડું, વર-કન્યાના સંબંધોની હાલત ક્રિકેટની બદલાતી ચાલ જેવી થવા માંડી. અસ્સલ તો ટેસ્ટ મેચની માફક લગન પણ લાંબા ચાલતા. બંધ બાજીમાંથી ત્રણ એક્કા નીકળતા ને એક વાર છેડાગાંઠી થઇ, એટલે થઇ, મરે ત્યાં સુધી ફીટતી નહિ. ધીરે ધીરે એમાં બદલાવ આવ્યો, લગન ‘ટવેન્ટી-ટવેન્ટી’મેચ જવા થઇ થયા. ટૂંકી ઓવરમાં રન ઝાઝા કરવાના..! પછી ચાલ્યું તો ચાલ્યું નહિ તો ડખા શરૂ..! આગળ જતાં એવું નહિ આવે તો સારું કે, “સવારે વિવાહ બપોરે લગન ને સાંજે છૂટાછેડા..! NO રીસેપ્શન, NO સુહાગરાત..!”

ધીરજ રાખવાની..! વાઈફ છે યાર..! ક્યારેક બે વાસણ ખખડે પણ ખરા..! યાદ રાખવાનું કે, વાઈફ બગડી એટલે મરચાનો વઘાર દૂધપાકમાં થઇ ગયો હોય, એમ છોભીલા જ પડી જવાય. શક્તિમાન પણ અશક્તિમાન થઇ જાય. વાઈફ સાથે ‘સેલ્ફી’લેવી સહેલી છે, પણ સહન કરવાની આવે ત્યારે તમામ ‘સ્ટેટસ’ ધોવાઈ જાય..! લગનવારુ લફરું બાવન વર્ષ સુધી મેં પણ ખેંચી નાંખ્યું. પણ લગન-બાવની સુધીમાં, મને ઠેકાણે પાડવા આવેલો એક પણ જાનૈયો હાલ-હવાલ પૂછવા આવ્યો નથી કે, ‘ભાઈ તને કેમ છે..?’સામે મળે તો “ભાભી કેમ છે” એમ પૂછે, પણ ભાભાના ભાવ કોઈ નહિ પૂછે..!

છોડો યાર..! ઊંઘવા માટે ‘શૈલી’મારા જ હાસ્ય લેખોનો ઉપચાર કરતી હોવાથી, ઝાઝી ચોપડા-ચોપડી કરવી નથી, પણ આ તો એક વાત કે, સંસારી જીવની હાલત પણ ભ્રષ્ટાચારમુક્ત ભારતની નીતિ જેવી છે..! મેડીટેશનના ગમે એટલા ‘ઓવર-ડોઝ’ લો, પણ સહનશક્તિ ઐસી ચીજ હૈ કી, શાંતિ અને સહનશક્તિની ‘ચેરીટી’કરવા કોઈ નહિ આવે, ને સુપર માર્કેટમાં વેચાતી પણ નહિ મળે. ચમનાની આજે એ હાલત છે કે, લોકો સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરતા હોય, ત્યારે ચમનિયો ઓસરીમાં બેસીને કોર્ટના સમન્સ વાંચતો હોય ને ફિલમનું ગીત લલકારતો હોય કે…

કિસી રાહ મેં કિસી મોડ પર
કહીં ચલ ના દેના તું છોડ કર, મેરે હમસફર મેરે હમ સફર…….
તેરા સાથ હૈ તો હૈ જિંદગી, તેરા પ્યાર હૈ તો હૈ રોશની
કહાં દિન યે ઢલ જાયે ક્યા પતા, કહાં રાત હો જાયે
ક્યા પતા
મેરે હમ સફર મેરે હમસફર (૨)
જે કહો તે, સંસાર માંડ્યો એટલે, ખેડૂત આંદોલન જેવી બબાલો તો રહેવાની..! પતિ અને પત્ની એક સિક્કાની બે બાજુ છે, એવું સ્વીકારી હાર્યો જુગારી બમણું રમી શકે છે એવી ખુમારી રાખવાની. નાસીપાસ નહિ થવાનું મામૂ..!

લાસ્ટ ધ બોલ
એની જાત ને, આ તે કોઈ ગુગલ છે કે બ્યુગલ?
કેમ?
વાવાઝોડાની દિશા જાણવા લીંક ઓપન કરી તો બતાવ્યું કે…
“પિયરથી નીકળી ગયું છે..!”
તારા કપાળમાં કાંદા ફોડું..!!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top