Columns

હાર શું છે?

એક પંખીએ એક એક તણખલું શોધી શોધી જાળવીને માળો બાંધ્યો.સમય આવ્યે પંખીએ ઈંડાં મૂક્યાં.માદા પંખી સતત ઈંડાં સેવે અને નર પંખી માદા પંખીને ખોરાક લાવી આપે.થોડો વખત થયો, ઈંડાંમાંથી નાનાં નાનાં મુલાયમ બચ્ચાં બહાર આવ્યાં.હવે નર પંખી માળાની આજુબાજુ ઊડી બચ્ચાનું રક્ષણ કરે અને માદા પંખી સતત ખાવાનું શોધે અને બચ્ચાંઓને ચાંચ વાટે ખવડાવે.એક દિવસ નર પંખી થોડે દૂર દાણા ચણવા ગયું. તેની નજર માળા પર જ હતી.તેણે દૂરથી જોયું તો એક જંગલી બિલાડો ઝાડ પર ચઢી માળા સુધી પહોંચવાની તૈયારીમાં હતો.નર પંખીએ કલબલાટ કરી મૂક્યો.ભયને લીધે બચ્ચાં પણ ચીસો પાડવા લાગ્યાં.બીજાં ઘણાં પંખીઓ ભેગાં થઇ ગયાં.બિલાડો તો ભાગી ગયો.પણ એક બચ્ચું માળામાંથી નીચે પડી ગયું.માદા પંખી પણ આવી ગઈ.નર પંખી અને માદા પંખીએ નીચે પડેલા બચ્ચાને સાચવીને માળામાં મૂક્યું.પાણી પીવડાવ્યું.થોડો ખોરાક આપ્યો. બચ્ચું બચી ગયું પણ ઉપરથી નીચે પડ્યું અને જે બાજુ જમીન સાથે અથડાયું તે બાજુની પાંખનો તેનો વિકાસ ધીમો થઇ ગયો.

થોડો સમય પસાર થયો.નર અને માદા પંખી સાથે મળી પોતાનાં બચ્ચાંઓને ઊડવાનું શીખવવા લાગ્યાં.પંખીની જાત એટલે અન્ય બચ્ચાંઓ તો થોડા દિવસોમાં ઊડતાં શીખી ગયાં, જે બચ્ચાની એક પાંખનો વિકાસ નબળો હતો તે બચ્ચાને માદા પંખી ખૂબ ધીરજથી ઊડતાં શીખવતી.હિંમત આપતી.બચ્ચું ઊડવાની કોશિશ કરતું પણ એક નબળી પાંખના કારણે બીજી પાંખ પર વધારે જોર આવતું અને તે જરા વારમાં જ થાકી જઈ નીચે પડતું. માદા પંખી તેને જાળવી લેતી. નબળી પાંખ ધરાવતા બચ્ચાએ ઘણા દિવસ ઊડવાની કોશિશ કરી.તે જરા ઊડતું અને નબળું પડી નીચે પડતું.હવે તે થાક્યું.મનથી ભાંગ્યું.હવે તેણે માતાને કહી દીધું, ‘મા, મને ઊડવાનું શીખવવાનું રહેવા દે.હું રોજ જેટલી વાર કોશિશ કરું છું એટલી વાર પડું જ છું.હવે મારે ઊડવું નથી.નીચે પડી હારવું નથી.હવે હું ઊડીશ જ નહિ. હું અહીં જમીન પર ઠીક છું.’

માતા બોલી, ‘મારા બચ્ચા,પડી જવું એ હાર નથી પણ તું જયારે ફરી ઊઠવાની અને ઊડવાની ના પાડે છે તે ચોક્કસ તારી અને મારી હાર છે.તને ખબર નથી પણ તું રોજ સતત ઊડવાની કોશિશ કરે છે અને પડે છે.તને તું પડે છે તે દેખાય છે પણ તું રોજ આગલા દિવસ કરતાં વધારે સમય ઊડી શકે છે તે મને દેખાય છે.કોશિશ ચાલુ રાખ.જરૂર સફળતા મળશે.’માતાના શબ્દોએ બચ્ચાને હિંમત આપી. તે ફરી ઊડવા લાગ્યું અને જલ્દી નીચે ન પડ્યું.ઊડતું રહ્યું..– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top