Columns

સુભાષિત કે મિથ્યાભાષિત?

એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષામાં જેટલાં નાટકો અને મહાકાવ્યો છે એથી વધારે તો સુભાષિત-રત્ન ભંડારો છે. એનું કારણ એ છે કે એનું લેખન-ઉત્પાદન સતત થયા જ કરતું હતું. એક કવિ કે નાટકકાર થવામાં જેટલો વખત લાગે એનાથી અનેકગણો ઓછો સમય સુભાષિતકાર થવામાં લાગે. તમારા મસ્તકની ગહનતામાંથી ડહાપણનું એક ચમકદાર બુંદ બહાર ઊછળી આવે ને છંદના ઢાળમાં ઢળી જાય એટલે સુ-ભાષિત તૈયાર. પછી જો એની આદત પડી ગઇ તો સુભાષિત રત્નભંડાર થતાં શી વાર લાગવાની? અને મજાની વાત એ છે કે સંસ્કૃતનાં ઉત્તમ કાવ્યો ને નાટકો પ્રાચીનતામાં સ્થિર થઇ ગયેલાં છે પણ સુભાષિતો તો સમયને ન ગાંઠે એવાં હોય છે એટલે કે એ પ્રાચીન પણ હોઇ શકે ને અર્વાચીન પણ હોઇ શકે- પણ હંમેશાં લાગે પ્રાચીનતાના દબદબાવાળું.

આવું એક ઘણું પ્રચલિત સુભાષિત છાપામાં આવતા સેમ્પલ સર્વે જેવું છે. એટલે એના સંસ્કૃત વાઘા ઉતારીને એને ગુજરાતીમાં જ રજૂ કરવું ઠીક પડશે. શાણા સુભાષિત મહોદય અત્યંત આત્મવિશ્વાસપૂર્વક એમ કહે છે કે દર 100 માણસોએ એક શૂરવીર જડે, પંડિત કે વિદ્વાન દર 1000 એકાદ મળે અને વકતા તો 10 હજારે એક હોય તો હોય. ને છેલ્લે તો આંકડા છોડી દઇને એમ કહે છે કે ભાઇ દાનવીર તો શોધ્યો ય ન જડે- ‘દાતા ભવતિ વા ન વા.’ આવો સાહસિક સર્વે ઇસવીસનના કયા વર્ષમાં કરવામાં આવ્યો હશે એ તો આપણે કોઇ જાણતા નથી. પરંતુ અમને વહેમ પડે છે કે આમાં છેલ્લા નંબરનો નિસાસો કોઇ સાહિત્ય સંસ્થાના અગ્રણીનો હશે- કેમ કે હવે મોટા સમારંભો કે અધિવેશનો યોજવા માટે કોઇ દાતા મળતો નથી- ‘દાતા મિલતિ વા ન વા!’

પરંતુ એ નથી સમજાતું કે આ સુ-મહાશયને વકતાની બાબતમાં આવી ભીડ કેમ પડી હશે? કેમ કે દરેક સાહિત્યકાર વકતા હોવાનો દાવો કરી શકે છે ને વળી વાચકો કરતાંય સાહિત્યકારોની સંખ્યા તો મોટી જ રહેતી હોય છે એટલે મોજણીકાર સુભાષિતકારે ‘દર 10 હજારે એક જ વકતા’ એવું નિર્દય સ્ટેટમેન્ટ કરવા જેવું ન હતું. હા, દર 1000 પણ એકેય પંડિત કે વિદ્વાન ન મળે એ તો સમજી શકાય એવું છે. છેક પ્રાચીન કાળથી પંડિતોની ખોટ રહી છે ને એ હજુ પુરાઇ નથી. એટલે જ કોઇ મોટો સારસ્વત અવસાન પામે છે ત્યારે કહેવાય છે કે, એમની ખોટ પુરાશે નહીં, અર્થાત્ એમાં તો ખાડો પડતો જ જાય છે. હવે, સુભાષિતના પહેલા ચરણ પર કોઇ કોમેન્ટ કરી શકે કે ભાઇ, શૂરવીર-બૂરવીરની તો વાત જ ન કરશો, આજે એ બિલકુલ અપ્રસ્તુત છે. હા, જો કોઇની કોઇ પણ કારણે લાગણી દુભાઇ તો શૂરવીરો પાતાળમાંથી પણ ફૂટી નીકળવાના- ‘દર 100 જણે એક જ શૂરવીર’ એવા સર્વેની પણ એસીતેસી!

એટલે આવી મોં-માથા વિનાની એટલે કે મોં ખરું  પણ માથું નહીં, બોલી નાખ્યું પણ મગજમાં ઊતરે નહીં એવી મોજણીઓ બીજી પણ અનેક થતી રહી છે. એ અલબત્ત મનોરંજક હોય છે, શ્રધ્ધાળુ ભકતો તો એને રીતસર ગટગટાવી જાય છે. દા.ત. કોઇ એવો સર્વે કરી બતાડે કે સાહિત્યિક પ્રવચનની સભામાં દર 100 શ્રોતાએ 70 શ્રોતાઓ દર 10 મિનિટે અપ્રગટ બગાસાં ખાતાં હોય છે. અપ્રગટ એટલે આજુબાજુનાં 1-2 શ્રોતાઓને જ ખબર પડે એવી કુશળતાથી. હા, પ્રવચન બહુ લંબાય તો પાછલી હરોળમાં બેઠેલાઓ પૈકી કોઇ 1 (ને પછી 2, કયારેક 3) જણ પ્રગટ બગાસાં ખાતાં પણ નોંધાયાં છે.

હવે આ સર્વે સત્યની લગોલગ હોવા છતાં પ્રત્યક્ષ સર્વે નહીં પણ પરોક્ષ સર્વે હોઇ શકે- એટલે કે પ્રવચનમાં ગયેલા જ નહીં એવા કોઇ વધુ શાણા માણસે ઘરે બેસીને જ તૈયાર કર્યો હોય. તો પણ એની ઇમાનદારી વિશે શંકા ઉઠાવી શકાય? અને મૂળ વાત તો એ કે આ વાત કેટલા જણ શ્રધ્ધાપૂર્વક સ્વીકારી લેશે? કદાચ વકતા અને આયોજક સિવાયના બધા જ.

પણ હવે રહી રહીને મને આપણા પેલા મૂળ સુભાષિતકારની વાતનો મર્મ સમજાય છે. એમનું કહેવું એ જ હતું કે, ભાઇ, મારાં બગાસાં-ઉત્તેજક વકતાઓ તો અસંખ્ય મળવાના પણ એવો વકતા કે જેને સાંભળતાં બગાસાં ખાવાનું તો દૂર રહ્યું પણ આપણે શ્વાસ લેવાનું પણ ભૂલી જઇએ, એક શ્વાસે ને એક કાન થઇ સાંભળીએ એ તો 10 હજાર એક જ હોય ને! એટલે મોજણીઓનું પણ કોઇ ઉત્કૃષ્ટ કવિતા જેવું હોય છે- એનો મર્મ ન સમજાયો તો બધું ઉપર થઇને જતું રહે, શબ્દોનાં ફોતરાં જ ઊડયા કરે!

મોજણી સાથે એક ચમત્કારિક આંકડાશાસ્ત્રોની ઇંદ્રજાળ પણ છવાયેલી હોય છે. જેમ કે કોઈ સંશોધક એવી નમૂનેદાર મોજણી કરે ને એવું તારણ કાઢે કે વરસે દહાડે આપણે 40 હજાર છીંકો ખાતા હોઇએ છીએ- ઠંડીને લીધે, એલર્જીને લીધે, વઘાર થતો હોય ત્યારે આપણે રસોડાની આસપાસ હોઇએ તે વખતે, વગર કારણે કે પછી કોઇ વહેમીલાને અપશુકન કરાવવા માટે ને બીજાં અકલ્પ્ય કારણોસર, વિવિધ કારણે ખાધેલી છીંકોનો વાર્ષિક સરવાળો આટલો મોટો થતો હોય છે. હવે? આના પર આપણે વિશ્વાસ કરવો કે ન કરવો?

બિચારા શોધકે કેટલી છીંકો સાંભળવાની મહેનત લીધી હશે? એના પર ડાઉટ કરવો? વળી કોઇ ખિજાઇને એમ પણ બોલી ઊઠે કે કોણ એનો કાકાશ્રી  (કે બીજો વધુ નજીકનો સગો) આટલી છીંકો ગણવા ગયો હશે? પરંતુ જો સર્વે નિરર્થક છે તો શંકા કરવી એ પણ નિરર્થક છે. આખી વાતની સાર્થકતા જ એ છે. આમ પણ આંકડાશાસ્ત્ર એ એક શાસ્ત્ર હોવા છતાં એની મથરાવટી મેલી છે. અમારા આંકડાશાસ્ત્રના પ્રોફેસરે પહેલે જ દિવસે વર્ગમાં એક સૂત્ર કહેલું: Lie, damn lie and statistics પહેલું આવે જુઠ્ઠાણું, એ પછી આવે હડહડતું જુઠ્ઠાણું ને એથીય ચડિયાતું એ આંકડાશાસ્ત્ર. આજે અમને આંકડાશાસ્ત્રમાં બીજું શું ભણેલા તે કશું જ યાદ નથી, પણ આ સોનેરી સૂત્ર ભૂલ્યું ભુલાતું નથી!

આંકડા આપણી આંખો પહોળી કરી નાખે છે કારણ કે એ ગુણાકારોથી હૃષ્ટપુષ્ટ થયેલા હોય છે. સાદી ને સરેરાશ વિગતમાં આપણને રસ પડતો નથી. છાપાવાળા ને ટી.વી.વાળા ને સોશ્યલ મીડિયાવાળાને તો એમાં બિલકુલ રસ પડતો નથી. હું એમ કહું કે હું રોજની સરેરાશ અઢી રોટલી ખાઉં છું- કોઇ વાર 2 ખાઉં, કોઇ વાર 3 તો એ તતૂડી સાંભળવા કોણ નવરું હશે? પરંતુ આ જ સત્યને ગુણાકારની મદદથી બ્રહ્મસત્ય કરી શકાય કે હું બહુ જ ઓછું ખાનાર હોવા છતાં વરસે 900 ઉપરાંત રોટલી ઝાપટી જાઉં છું તો એમ કહેવાય, કેટલો મોટો પ્રભાવ ઊભો થાય! કોઇને વાંચવા પર જ અભાવો થઇ જાય એવી વાત એ છે કે રોજ કંઇક ને કંઇક લખતો લેખક એના જીવન દરમ્યાન કેટલાં પુસ્તકો કે કુલ કેટલાં પાનાં લખતો હશે એમ કહેવાને બદલે એ કુલ કેટલા લાખ શબ્દો લખતો હશે એવી મોજણી થાય તો? લેખક અમર થઇ જાય છે ને વાચક (વગર વાંકે) મરી જાય છે એનું કારણ આ જ છે.
– રમણ સોની

Most Popular

To Top