World

12 કલાકની ઉથલપાથલ બાદ વેગનર ગ્રુપ અને રશિયન સરકાર વચ્ચે સમાધાન

નવી દિલ્હી: રશિયામાં (Russia) જે ગૃહયુદ્ધ થવાના અણસારો હતા તેના પર પૂર્ણવિરામ મૂકાયું છે. શનિવારે મોડી રાત્રે વેગનર ગ્રુપના (Wagner Group) ચીફ યેવજેની પ્રિગોઝિન અને રશિયાની સરકાર વચ્ચે સમજૂતી થઈ હતી. યેવજેની પ્રિગોઝિને શનિવારે મોડી રાત્રે અચાનક જાહેરાત કરી કે તેમનો હિંસક, બળવોનો પ્રયાસ સમાપ્ત થઈ ગયો છે. 12 કલાકની ઉથલપાથલ બાદ વેગનર ગ્રુપ અને રશિયન સરકાર વચ્ચે બેલારુસના પ્રમુખે સમાધાન કરાવ્યું હતું. બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન સાથે રશિયાનો કરાર કર્યો હતો જે અંતર્ગત પ્રિગોઝિને તેના સૈનિકોને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો હતો. પુતિને યેવજેની સામે એટલી કડકતા બતાવી કે તે હવે રશિયા નહીં પણ બેલારુસ જશે.

લુકાશેન્કોએ મહત્વની ભૂમિકા ભજવી
પુતિનના મિત્ર અને બેલારુસનાં રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ આ બળવાને સમાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવતા લુકાશેન્કોએ રશિયા અને યેવજેની વચ્ચે એક કરાર કર્યો અને ત્યારબાદ યેવજેનીએ તેના સૈનિકોને પાછા ફરવાનું કહ્યું હતું. લુકાશેન્કોના કાર્યાલય ખાતેથી જાણકારી સામે આવી છે કે આ વાતચીત દરમિયાન પુતિન સાથે સતત તાલમેલ કરવામાં આવ્યો હતો જેના પછી કરાર પર બંને પક્ષોએ સહમતિ બતાવી હતી અને યેવજેની પીછેહઠ કરવા માટે સંમત થયા હતા. યેવજેની સામે પુતિને પણ કડક વલણ અપનાવ્યુ છે જેના કારણે હવે તે બેલારુસમાં રહેશે.

વિદ્રોહના કેસમાં યેવજેની પ્રિગોઝિન સામેના આરોપો પાછા ખેંચી લેવામાં આવશે: ક્રેમલિને
ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે વિદ્રોહના કેસમાં યેવજેની પ્રિગોઝિન સામેના આરોપો પાછા ખેંચી લેવામાં આવશે અને તેની સાથે જોડાયેલા સૈનિકો સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમજ તેમને રશિયન સૈન્યમાં જોડાવા માટેની તક આપવામાં આવશે. મળતી માહિતી મુજબ પુતિન બે દાયકા કરતા પણ વધુ સમયથી સત્તામાં છે. દેશમાં કટોકટી ઘટાડવા માટે સરકારે આ કરારનો સ્વીકાર કર્યો છે.

યેવગેનીને સમર્થન ન મળ્યું
રશિયામાં ગૃહયુદ્ધ આગળ વધે તે પહેલા પુતિને યેવગેનીની નબળી નસ પકડી લીધી હતી. વેગનર જૂથના સૈનિકો યુદ્ધ માટે આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે તેઓને જે પ્રકારનું જાહેર સમર્થન મળ્યું હતું તેટલું રોસ્ટોવમાં મળ્યું ન હતું. તે જ સમયે જ્યારે પુતિને તેમના સંબોધનમાં કહ્યું હતું કે બળવાખોરોને કચડી નાખવામાં આવશે, ત્યારે યેવજેનીએ પીછેહઠ કરી હતી. જો કે તે કહેતાં રહ્યાં કે વેગનરના સૈનિકો મોસ્કો તરફ કૂચ કરશે પરંતુ બીજી તરફ તેણે પીછેહેઠ કરવાનું શરૂ કર્યું હતું. પુતિને યેવગેનીની આ નબળી નસ પકડી લીધી અને યેવગેનીને એટલી હદે મજબૂર કરી દીધો હતો કે તે સમાધાન કરવા મજબૂર થઈ ગયો હતો.

મોસ્કોમાં કટોકટી જાહેર
રશિયામાં વૈગનર વિદ્રોહ બાદ હાલાત કંઈક વધારે પડતા ખરાબ થઈ ગયા હતા. મોસ્કોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. ત્યાં લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ અપાઈ છે. સોમવારે મોસ્કોમાં નોન વર્કિંગ ડે જાહેર કર્યો હતો. ખબરમાં કહેવાયું છે કે, વૈગનર ચીફે જાણી જોઈને વિદ્રોહ કર્યો છે. વૈગનરના વિદ્રોહ પર આખી દુનિયાની નજર છે. કેટલાય દેશો તેના પર નજર રાખીને બેઠા છે.

Most Popular

To Top