મહારાષ્ટ્રના જાહેર પરિવહન ક્ષેત્રમાં અચાનક એક નવો મોટો વિવાદ છેડાઈ ગયો છે. રાજ્યના પરિવહન વિભાગે ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાના વ્યવહારિક જ્ઞાનની તપાસ પ્રક્રિયાને અત્યંત કડક બનાવવાનો નિર્ણય લીધો છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી છે કે 20 ઓગસ્ટ 2026થી નવા બેજ અને પરમિટ આપવાની પ્રક્રિયા દરમિયાન ચાલકોની મરાઠી ભાષાની પરિક્ષાનું સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. આ નિર્ણય બાદ રાજ્યભરના ટ્રાન્સપોર્ટ યુનિયનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે અને તેમણે ચાલકોની આર્થિક પજવણી તથા ભ્રષ્ટાચારના વિરોધમાં મોટા આંદોલનની ચેતવણી આપી દીધી છે.
પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચાર રોકવા વિડિયોગ્રાફી
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના જણાવ્યા અનુસાર, મોટર વાહન નિયમોમાં થયેલા તાજેતરના સુધારાને પારદર્શક રીતે અમલમાં મૂકવા માટે વિડિયોગ્રાફીનો આદેશ આપવામાં આવ્યો છે.
- આરટીઓ અધિકારીઓને વિડિયો કોન્ફરન્સ અને ખાસ વિડિયો રેકોર્ડિંગ સાથે જ તપાસ કરવાના આદેશ અપાયા છે.
- બોગસ દસ્તાવેજો અને ખોટા ડોમિસાઈલ સર્ટિફિકેટના આધારે મેળવાતા બેજ અને પરમિટ પર લગામ કસાશે.
- ચાલકો સાથે સીધી વાતચીત કરીને જ ચકાસણી કરાશે કે તેમને દૈનિક બોલચાલની મરાઠી ભાષાનું જ્ઞાન છે કે નહીં.
નિયમ ભંગ પર લાયસન્સ અને પરમિટ રદ થઈ શકે
સુધારેલા મોટર વાહન નિયમો હેઠળ, જો કોઈ ચાલક પાસે મરાઠી ભાષાનું વ્યવહારિક જ્ઞાન નહીં હોય તો તેને તાત્કાલિક નોટિસ આપવામાં આવશે. નોટિસ મળ્યા બાદ ચાલકને મરાઠી શીખવા માટે 30 દિવસ એટલે કે 1 મહિનાનો સમય આપવામાં આવશે. જો 1 મહિના પછી પણ ચાલક નિયમ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે તો તેનો ડ્રાઇવિંગ લાયસન્સ અને બેજ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. 3 મહિના પછી પણ સુધારો ન થાય તો અંતે તેમની પરમિટ જ રદ કરવાની કડક જોગવાઈ રાખવામાં આવી છે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમનો હેતુ કોઈની રોજીરોટી છીનવવાનો નથી.
1.65 લાખ ચાલકોએ લીધી તાલીમ પણ યુનિયનોમાં આક્રોશ
સરકારે 105 દિવસના વિશેષ હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મરાઠી ભાષા અભિયાન હેઠળ રાજ્યના 1.65 લાખથી વધુ બિન-મરાઠી ચાલકોને તાલીમ આપી છે. જોકે, ટ્રાન્સપોર્ટ યુનિયનો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. મુંબઈ ટેક્સીમેન્સ એસોસિએશનના પ્રમુખ પ્રેમ સિંહે જણાવ્યું છે કે મુંબઈમાં મોટાભાગના બિન-મરાઠી ચાલકો ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ જેવા રાજ્યોમાંથી આવે છે. તેઓ મરાઠી સમજે છે પરંતુ બોલવામાં મુશ્કેલી પડે છે. જો આરટીઓ તપાસના નામે ચાલકોનું આર્થિક શોષણ કે સતામણી કરશે તો યુનિયન રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરશે.
આરટીઓનું કડક ચેકિંગ અભિયાન શરૂ
અતિરિક્ત પરિવહન કમિશનર રવિ ગાયકવાડના નેતૃત્વમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આ એક મહિનાનું ખાસ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આરટીઓની ફ્લાઈંગ સ્ક્વોડ રાજ્યભરમાં રસ્તાઓ પર ચાલકોનું ચેકિંગ કરશે. 1989થી કાગળ પર રહેલા આ મરાઠી ભાષાના નિયમને હવે 12 ઓગસ્ટે થયેલા કાનૂની સુધારા બાદ ચુસ્તપણે લાગુ કરવામાં આવી રહ્યો છે, જેનાથી આગામી દિવસોમાં રાજ્યના પરિવહન ક્ષેત્રે મોટો રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી શકે છે.