ગુજરાત ક્વિન-એક્સપ્રેસ અને ઈન્ટરસિટીમાં આ તારીખથી 7 અનરિઝર્વ કોચ લાગી જશે

વાપી: (Vapi) કોરોનાકાળમાં કેટલાય સમય સુધી વાહનવ્યવહાર સહિત અનેક એકમો અને ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. હવે ધીરે ધીરે કોરાના કેસમાં અંશત: ઘટાડો નોંધાતા બધુ રાબેતા મુજબ થઈ રહ્યું છે. ખાસ કરીને ધંધા-રોજગાર-નોકરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રોજિંદા મુસાફરોને કોરોનાકાળમાં ભારે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. રેલ વિભાગ (Railway Department) દ્વારા માત્ર ઓનલાઈન બુકિંગવાળી જ ટ્રેનો (Train) દોડાવાઈ રહી હતી. જેને લઈ રોજિંદા મુસાફરો (Passengers) ભારે પરેશાન રહેતા હતા. જોકે, હાલમાં રેલવે વિભાગ દ્વારા જારી કરપાયેલા એક પરિપત્ર મુજબ આગામી 25મી ઓક્ટો. સોમવારતી કેટલીક ટ્રેનોમાં અનરિઝર્વ કોચ જોડવામાં આવશે. જેથી વિન્ડો ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. રેલવે વિભાગના આ પ્રયાસથી દૈનિક મુસાફરોને ઓનલાઈન ટિકિટિ બુકિંગમાંથી છૂટકારો મળશે.

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ મુંબઈથી અમદાવાદ સુધીના રેલ મુસાફરો માટે વિવિધ ટ્રેનોમાં અનરિઝર્વના 5 થી 7 કોચ જોડવામાં આવશે. જેમાં મુસાફરો ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. જોકે, રોજિંદા મુસાફરો માટે આ પરિપત્રમાં એમએસટી પાસની કોઈ વિગત જાણવા મળી નથી. પાસહોલ્ડરોને પણ આ ટ્રેનોમાં સુવિધા આપવામાં આવે તેવું રોજિંદા મુસાફરો ઈચ્છી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 1લી નવે.થી એમએસટી પાસહોલ્ડરોને પણ પાસની સુવિધા કદાચ મળતી થઈ જશે, તેવું જાણવા મળી રહ્યું છે.

  • કંઈ કંઈ ટ્રેનોમાં કેટલા અનરિઝર્વ કોચ જોડાશે
  • વલસાડ – અમદાવાદ ગુજરાત ક્વિન-7 કોચ
  • વલસાડ – વડોદરા સુપરફાસ્ટ ઈન્ટરસિટી-5 કોચ
  • મુંબઈ – અમદાવાદ- ગુજરાત એક્સપ્રેસ-7 કોચ
  • સુરત – બાન્દ્રા સુપરફાસ્ટ ઈન્ટરસિટી-5 કોચ
  • વડોદરા- દહાણુરોડ સુપરફાસ્ટ ઈન્ટરસિટી-7 કોચ

વાપી નગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ૫૮૦ અરજીનો નિકાલ

વાપી: વાપી નગરપાલિકા દ્વારા શનિવારે ગીતાનગર સરદાર પટેલ સ્કૂલમાં સાતમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ૫૮૦ જેટલી અરજીઓ આવી હતી. જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ અરજીઓમાં હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી) માટે પાલિકાને ૨૨૮ જેટલી અરજી મળી હતી. જેનો નિકાલ કરવામાં આવ્યો હતો. વાપી પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, અજીતભાઇ મહેતા તેમજ હરિલાલભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમમાં વ્યવસાય વેરાની ૬૨ અરજી, શ્રવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશનની ૫૫ અરજી, આધારકાર્ડ માટેની ૪૫ તેમજ આવકના દાખલાની ૪૩ અરજી, જન્મ-મરણના પ્રમાણપત્રની ૩૩ અરજી અને પ્રોપર્ટી ટેક્ષની ૨૩ અરજી, રાશન કાર્ડમાં નામ કમી કલવવાની ૨૦ અરજી, જ્યારે રાશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે ૧૮ અરજી, રાશન કાર્ડમાં નામમાં સુધારો કરવાની ૧૨ અરજી અને ઘરેલું નવા વીજ જોડાણની ૮ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર તેમજ જાતિ પ્રમાણપત્ર, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર તેમજ વૃદ્ધ નિરાધાર સહાય અંગેની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Related Posts