Dakshin Gujarat

વાપીના બેંક કેશિયરને 786 નંબરવાળી નોટ શોધવાનું રૂપિયા 76 હજારમાં પડ્યું

વાપી: (Vapi) વાપીમાં બેંક કેશિયરને વિશ્વાસ કરવો ભારે પડ્યો હતો. બેંકમાં (Bank) એક આધેડ 786 નંબરવાળી નોટ માંગવા માટે આવ્યો હતો. જે નોટનો નંબર શોધવા માટે કેશિયર બહેને તેમને રૂ.2 હજારની નોટનું (Note) બંડલ એટલે કે રૂ.2 લાખ આપ્યા હતાં. જે નંબરવાળી નોટ શોધવાનું બહાનું કરી ગઠિયો 2 હજારની 38 નોટ એટલે કે 76 હજાર નજર ચૂકવી નવ દો ગ્યારા થઈ ગયો હતો. જ્યારે કેશિયરને શંકા ગઈ ત્યારે નોટ મશીનમાં ગણતા 38 નોટ ઓછી નીકળી હતી અને તે બાદ તેની શોધખોળ કરી હતી પણ ત્યાં સુધીમાં તો મોડું થઈ ચૂકયું હતું. આ બનાવ અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં (Police Station) નોંધાવા પામી હતી.

  • વાપીના બેંક કેશિયરને 786 નંબરવાળી નોટ શોધવાની રૂપિયા 76 હજારમાં પડી
  • વાપીમાં બેંક કેશિયરે 786 નંબરવાળી નોટ શોધવા 2 હજારનું બંડલ આપતા ગઠિયો 38 નોટ કાઢી ગયો

વાપી ઈમરાન નગર, સહારા માર્કેટમાં આવેલી આર.બી.એલ. બેંકમાં વાપી ચણોદ કોલોનીમાં રહેતા નેહાબેન રાધાવર ઉપાધ્યાય (ઉં.આ.36) કેશિયર તરીકે નોકરી કરે છે. રાબેતા મુજબ તેઓ બેંકમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બપોરે અજાણ્યો ઈસમ કાઉન્ટર પર આવ્યો હતો અને રૂ.500 ની ચાર નોટ આપી રૂ.2 હજારની ડીસી નંબરવાળી નોટની માંગણી કરી હતી. જેથી કેશિયરે આવી કોઈ નોટ નથીનું જણાવ્યું હતું. જે બાદ તેમણે 786 નંબરવાળી નોટની માંગણી કરી હતી. જેથી કેશિયરે રૂ.2 હજારની નોટના બંડલમાં 786 નંબરવાળી નોટની શોધખોળ કરતી હતી. ત્યારે તે ઈસમે કહ્યું કે લાવો બંડલ મને આપો હું શોધી આપું છું અને હું ઘરડો છું ભાગી નથી જવાનો કહી વિશ્વાસ જીત્યો હતો.

જેથી કેશિયર બહેને તેને રૂ.2 હજારનું બંડલ એટલે કે રૂ.2 લાખ આપ્યા હતાં. જે બાદ નંબર શોધવાના બહાને ગઠિયો 100 માંથી 38 નોટ નજર ચૂકવી કાઢી લીધી હતી. જો કે, કેશિયરે તરત જ નોટનું બંડલ માંગતા પરત કરી દીધું હતું અને તેને 500 ની ચાર નોટ સામે રૂ.2 હજારની નોટ આપી હતી. જે બાદ ઈસમ બેંકમાંથી નવ દો ગ્યારા થઈ ગયો હતો. બેંક કેશિયરને શંકા જતા તેમણે તરત જ રૂ.2 હજારની નોટનું બંડલ મશીનમાં ગણવા માટે મૂકયું હતું. જેમાં 38 નોટ એટલે કે રૂ.76 હજાર ઓછા થઈ ગયા હતાં. ત્યારબાદ બેંક સ્ટાફ તરત જ તે ઈસમને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ બેંક કેશિયર નેહાબેન ઉપાધ્યાયે વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી.

Most Popular

To Top