SURAT

સતત બીજા દિવસે સુરતની સ્કૂલમાં કોરોના દેખાયો કતારગામની શારદા સ્કૂલની બે વિદ્યાર્થિનીને કોરોના

સ્કૂલના તમામ 476 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, સ્કૂલ સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરી દેવામાં આવી

સુરત: કોરોનાનો કહેર સુરતમાં ભલે ઘટી ગયો હોય, પરંતુ દેશનાં ઘણાં રાજ્યોમાં અને વિદેશમાં તો અનેક જગ્યાએ કોરોનાનો કહેર ફરી માથું ઊંચકવા લાગ્યો છે. આવી સ્થિતિમાં સરકારે સ્કૂલો શરૂ કરવાનું જોખમ શિક્ષણના હિતને ધ્યાને રાખીને લીધો છે. પરંતુ સુરતમાં સ્કૂલો શરૂ થયા બાદ મનપા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિતના સ્ટાફનાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયાં છે. ત્યારે મંગળવારે લિંબાયત ઝોનની એક શાળામાં ધોરણ-10નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળ્યા બાદ હવે કતારગામ ઝોનની શારદા સ્કુલમાં બે વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં મનપાનું તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમજ આ શાળાને સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં ટીમ બનાવી હાલમાં જે શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, ત્યાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓના રેપિડ એન્ટિજન ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ કામગીરી અંતર્ગત બુધવારે કતારગામની શ્રી શારદા વિદ્યાલય ખાતે 15 અને ૧૬ વર્ષીય બે વિદ્યાર્થિનીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે અનુસંધાને શાળામાં કુલ ૪૭૬ વિદ્યાર્થીની ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તથા શાળાને ૭ દિવસ માટે બંધ રાખવા સંચાલકોને તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત બંને વિદ્યાર્થિનીઓના પરિવારજનોને પણ ટેસ્ટ કરાયા હતા. આ બંનેમાંથી કોઇ ઘણા દિવસોથી બહારગામ પણ ગયા નથી. તેથી લોકલ સંક્રમણ હોવાનું જણાઇ રહ્યું છે.

સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ અને જિલ્લામાં એકપણ દર્દી નહીં
સુરત : શહેરમાં કોરોનાકાળના દોઢ વર્ષ બાદ સોમવારે પ્રથમ વખત માત્ર એક દર્દી નોંધાતાં શહેરમાંથી કોરાની વિદાય થઇ રહી હોવાની પ્રતીતિ થઇ હતી. જો ,કે મંગળવારે ફરી ત્રણ કેસ નોંધાયા બાદ બુધવારે વધુ બે કેસ નોંધાયા હતા. રાંદેર અને કતારગામ ઝોનમાં એક-એક દર્દી નોંધાતાં શહેરમાં કોરોનાનો કુલ આંક 111406 થઇ ચૂક્યો છે. જો કે, શહેરમાં કોરોનાનો રિકવરી રેટ 98.50 ટકા પર છે. દરમિયાન જિલ્લામાં સતત બીજા દિવસે એક પણ કેસ નોંધાયો ન હતો.

Most Popular

To Top