National

એલોન મસ્કે ટ્વિટર બોર્ડના તમામ ડિરેક્ટરોને હટાવ્યા, કંપનીની કમાન પોતાના હાથમાં લીધી

નવી દિલ્હી: ટ્વિટરની (Twitter) કમાન સંભાળ્યા બાદ ઈલોન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના (Company) તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે. હવે ઈલોન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે. મળતી માહિતી મુજબ જે નિર્દેશકોને હટાવવામાં આવ્યા છે તેમાં માર્થા લેન ફોક્સ, ઓમિદ કોર્ડેસ્તાની, ડેવિડ રોસેનબ્લાટ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફેઈ-ફેઈ લી અને મીમી અલેમેયેહુનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈલોન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા પછી જ તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મૂક્યા. આટલું જ નહીં, મસ્કે તેને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર પણ કાઢી મૂકયા હતો.

મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી હતી. 8 જુલાઈના રોજ, મસ્કે સોદો તોડવાનું નક્કી કર્યું હતું. જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં, મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા. દરમિયાન, ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.

મળતી માહિતી મુજબ મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે અને ટ્વિટર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ઈલોન મસ્કનો ટ્વિટર સાથેનો સોદો પૂર્ણ થયો ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેઓને ઓફિસની બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે આ અંગે ટ્વિટર, એલોન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Most Popular

To Top