World

તુર્કીયે-સિરીયામાં 50 કલાક કરતા વધુ સમયથી હજારો લોકો કાટમાળ નીચે ફસાયા છે, 8000 લાશ મળી

નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા ભયાનક ભૂકંપના (earthquake) કારણે અત્યાર સુધીમાં 8000 લોકોના મોત (Death) થયા છે. તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 34,810 લોકો ઘાયલ (Injured) થયા છે. આ સાથે જ વિદ્રોહી-નિયંત્રિત સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું હતું. બે દિવસથી સતત રેસક્યુ ઓપરશેન કરવામાં આવી રહ્યું છે. હજી પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા છે.

તુર્કીમાં ઐતિહાસિક ઇમારતોનો નાશ
ભૂકંપમાં તુર્કીની ઐતિહાસિક મસ્જિદ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તુર્કીના માલત્યા શહેરમાં સ્થિત આ ઐતિહાસિક યેની કામી મસ્જિદ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. આ મસ્જિદ 100 વર્ષથી વધુ જૂની હતી પરંતુ ભૂકંપના કારણે તે નષ્ટ થઈ ગઈ છે. તેની સાથે 100 વર્ષનો ઇતિહાસ જોડાયેલો છે, જે હવે કાટમાળમાં દટાયેલો છે.

મેક્સિકો ડોગ્સ રેસ્ક્યુ કરવામાં મદદ કરી રહ્યા છે
મેક્સિકોના પ્રખ્યાત રેસ્ક્યુ ડોગ્સ તુર્કીમાં કાટમાળમાં માણસોને શોધવામાં મદદ કરી રહ્યા છે. મેક્સિકો તેના ટ્રેન્ડી અને વિશિષ્ટ સ્નિફર ડોગ્સ માટે જાણીતું છે. ઉત્તર અમેરિકા ટેકટોનિક પ્લેટની ધાર પર છે, તેથી અહીં પણ ભૂકંપ આવતા રહે છે. મેક્સિકોમાં બચાવ કામગીરીમાં ઘણીવાર ડોગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. મેક્સિકોથી બચાવ માટે 16 સર્ચ ડોગ્સની ટીમ તુર્કી પહોંચી છે.

હિમવર્ષા અને ખરાબ હવામાન બચાવ પડકાર
તુર્કીમાં પણ હિમવર્ષા ચાલુ છે. આવી સ્થિતિમાં અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું લેન્ડિંગ પણ થઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં રોડ-રસ્તા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદ પહોંચી રહી છે. ભૂકંપથી તુર્કી-સીરિયા કોરિડોર પણ ધ્વસ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં સડક માર્ગે સીરિયા સુધી મદદ પહોંચી શકતી નથી.

20 હજારથી વધુ લોકોની મોતની આશંકા – WHO
WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સીરિયામાં 20 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે બંને દેશોના 23 મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.

તુર્કી સરકારી ઇમારતોને શેલ્ટર હોમમાં ફેરવે
તુર્કીમાં 3 મહિના માટે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અહીં તમામ શાળાઓ 13 ફેબ્રુઆરી સુધી બંધ હતી. એટલું જ નહીં તમામ સરકારી ઈમારતોને શેલ્ટર હોમ બનાવી દેવામાં આવી છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને કહ્યું કે અત્યાર સુધીમાં 70 દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. તેમણે કહ્યું કે આ માત્ર તુર્કી માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મોટી આફત છે. તુર્કીમાં 10000 કન્ટેનરને આશ્રયસ્થાન બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.

સોમવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
તુર્કીમાં સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીમાં 100 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ બાદ 77 આફ્ટરશોક્સ આવ્યા હતા. આમાંથી એક આંચકો 7.5ની તીવ્રતાનો હતો. જ્યારે ત્રણ આંચકાની તીવ્રતા 6.0થી વધુ હતી.

Most Popular

To Top