પ્રવાસ હોય કે રાજકારણ: ગોવામાં જ મજા

લોકતાંત્રિક બહુલતામાં સંખ્યાનું જ મહત્ત્વ છે. કોઇ પણ રાજકીય પક્ષ કેટલી બેઠક પર સ્પર્ધા કરવા માંગે છે ત્યાંથી શરૂ કરી તે આખરે જેટલી બેઠક જીતે છે અને તે સરકાર રચવા માટે બહુમતીની સંખ્યાએ પહોંચે છે કે નહીં ત્યાં સુધી. લોકસભા અને વિધાનસભા બંનેમાં આ વાત મહત્ત્વની છે. આમ છતાં કોઇ પણ ગૃહની બેઠક સંખ્યા કુલ કેટલી છે તેણે મહત્ત્વમાં ઉમેરો કર્યો છે. લોકસભાની બેઠક વધુ હોય ત્યાં આ મહત્ત્વ વધે છે. જેમકે ઉત્તર પ્રદેશની લોકસભાની કુલ બેઠક ૮૦ છે, મધ્યપ્રદેશની ૨૯ છે, મહારાષ્ટ્રની ૪૮ છે, બિહારની ૪૦ છે, તામિલનાડની ૩૯ છે.

જો કોઇ રાજયની લોકસભાની બેઠક વધુ હોય તેમ કેન્દ્રમાં કોઇ પણ પક્ષ વધુ હિસ્સો ધરાવતો થઇ જાય અને આથી જ લોકસભાની ૮૦ બેઠકો ધરાવતા અને વિધાનસભામાં ૪૦૦ બેઠક ધરાવતું ઉત્તરપ્રદેશ લોકસભામાં અને રાજયસભામાં ગણનાપાત્ર સભ્ય મોકલવા માટે મહત્ત્વનું રાજય છે. આ આંકડા એકેડેમિક રસનું પ્રતિબિંબ પાડે પણ આંકડાનો સિધ્ધાંત ઉલટો થઇ જાય તો? અર્થાત્‌ લોકસભાની વધુ બેઠકો ધરાવતું રાજય લઘુતમ બેઠક ધરાવતાં રાજયો સામે હારી જાય તો? ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણીઓ સાથે આ ઘટના શરૂ થઇ હતી અને ૨૦૨૨ ના ચૂંટણીના હપ્તામાં તે વધુ બુલંદ બનશે. સ્પર્ધા લોકસભાની સૌથી વધુ ૮૦ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશ અને કિનારાના નાનકડા અને સુંદર તેમ જ લોકસભાની માત્ર બે બેઠક ધરાવતા રાજય ગોવા વચ્ચે છે.

સંખ્યાના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું મહત્ત્વ સમજી શકાય છે કારણ કે તે સત્તાની સાઠમારીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ ગોવાનું શું મહત્ત્વ છે? વિધાનસભાની માત્ર ૪૦ બેઠક ધરાવતું ગોવા કેમ પ્રિય બનતું જાય છે? ખાસ કરીને પ્રાદેશિક રાજકીય પક્ષો કે તેમના નેતાઓ પોતાની વગ વધારવા નવી ભૂમિકા શોધવા માટે ગોવા કેમ પસંદ કરે છે? કોઇ પણ નેતાને નજીકના ઉપલા સ્થાને પહોંચાડવા માટે વિધાનસભાની ૪૦ બેઠકો અને લોકસભાની માત્ર બે બેઠકો ધરાવતું નાનકડું રાજય શું ભૂમિકા ભજવી શકે? ગોવા જ કેમ? સૌ પ્રથમ તો એ નવજાત આમ આદમી – આપ પક્ષ હતો, જે અન્ના હઝારેથી ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ પર સવાર થઇ દિલ્હીમાં સત્તા પર આવી શકયો હતો અને ૨૦૧7 માં ગોવા પર નજર નાંખી પણ ઊંધે મોંએ પછાડાયો.

આપના વડા અને દિલ્હીના વધુ પડતા મહત્ત્વાકાંક્ષી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલાં અને વડા પ્રધાનની ખુરશીનાં સ્વપ્ન દિલ્હીની બહાર પાંખો પ્રસારવા માંડી પણ તેઓ ભૂલી ગયા હતા કે તેઓ ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી સામે હારી ગયા હતા – એ જુદી વાત છે કે તેમણે ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં ભાગ નહોતો લીધો. આમ ગોવા તેમને માટે કદાચ એક લેબોરેટરી સમાન હતું, પણ પંજાબ દિલ્હીની નજીકના સમજી શકાય તેટલા અંતરે હતું અને કેજરીવાલના વતન રાજય હરિયાણાની પાસે જ હતું. તો ૨૦૨૨ માં ફરી ગોવા કેમ?

ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, કેજરીવાલ અને તેમનો પક્ષ આપ અગાઉ ખાતું નહીં ખોલ્યું હોવા છતાં ગોવામાં રાજય સરકાર બનાવવા માંગે છે. બંગાળમાં ભારતીય જનતા પક્ષ એટલે કે મોદી-શાહની જોડીને પછાડી સત્તા જાળવી રાખનાર તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ પણ ગોવાના દરિયાકિનારે પગ મૂકયો છે. ગોવાના મંચ પર તેઓ પહેલી વાર ઊતરી રહ્યાં છે. કેજરીવાલે એકથી વધુ વાર પછડાટ ખાધી છે તો તૃણમૂલ કોંગ્રેસને તો હજી મંચ પર આવતાં પહેલાં મતદારોની ઉષ્મા અનુભવાઇ રહી છે. બેનરજીએ શરૂઆતમાં આદરેલા કોંગ્રેસ સામેના જંગ પછી હવે એમનો પક્ષ ભારતીય જનતા પક્ષને હરાવવાના નામે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માંગે છે.

આમ, તૃણમૂલ કોંગ્રેસ, નજીકના મહારાષ્ટ્રના શિવ સેના અને નેશનાલિસ્ટ પક્ષ જેવા પ્રાદેશિક પક્ષોનું રહેઠાણ બની રહેવા ઉપરાંત ગોવામાં મહત્ત્વની એક ઘટના એ બની રહી લાગે છે કે પોતાનું રાજકીય વિસ્તરણ કરવા ઇચ્છતા આ પક્ષો કોંગ્રેસને કોરાણે મૂકી તેનું વિપક્ષી એકતાની ધરી બનતાં અટકાવવા માંગે છે. આ બધું ૨૦૨૪ માં મોદીને હરાવવા વિરોધ પક્ષની એકતાના નામે થઇ રહ્યું છે. ભારતીય જનતા પક્ષ કરતાં કોંગ્રેસને ભીડવવાનો તેમનો વ્યૂહ લાગે છે. અન્ય પક્ષોને વિપક્ષી એકતાની પડી નથી લાગતી. કેજરીવાલ કોંગ્રેસનો પાલવ પકડે તેમ નથી લાગતું. મમતા અને શરદ પવાર જોડી બનાવી શકે. જો કે તેમને પણ ભાણામાં સાથે રાખવાની કોશિશ મમતા કરે છે. વિપક્ષી એકતા માટે હજી મોકો ગયો નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top