World

અમેરિકાના મિસિસીપીમાં ગોલ્ફના દડાના કદના કરા પડ્યા, વંટોળિયો ફૂંકાયો અને…

રોલિંગ ફોર્ક: અમેરિકાના મિસિસીપી રાજયમાં વંટોળિયાઓ ફૂંકાતા ૨૩ જણા માર્યા ગયા હતા તથા અન્ય ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે રાત્રે થયેલા આ તોફાનમાં કેટલીક ઇમારતોને ભારે નુકસાન થયું હતું કે નાશ પામી હતી અને વિજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો.

  • કેટલીક ઇમારતોને ભારે નુકસાન, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ચાર જણા લાપતા
  • તોફાની પવનની સાથે ગોલ્ડના દડાના કદના કરાં પણ પડ્યાં

મિસિસીપીના ઇમરજન્સી અધિકારીઓએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ૨૩ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. સ્થાનિક સમય પ્રમાણે શનિવારે સવારે ૬.૨૦ કલાકે આ આંકડો હતો. ડઝનબંધ લોકો ઇજા પામ્યા હોવાનું તથા રાજ્યમાં કુલ ૪ જણા લાપતા હોવાનું પણ જણાવાયું છે. અહીં ટોર્નેડો તરીકે ઓળખાતા વંટોળિયાના આ તોફાનમાં તોફાની પવનની સાથે કરા પણ પડ્યા હતા.

ગોલ્ફના દડાના કદના કરાઓ પડ્યા હોવાના અહેવાલ છે જ્યારે કે દક્ષિણના અનેક રાજ્યોમાં સખત હવામાનની સ્થિતિના પણ અહેવાલ છે. મિસિસીપી ઇમરજન્સી એજન્સીએ એક ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે અનેક શોધખોળ અને બચાવ ટુકડીઓને અસરગ્રસ્ત લોકોની મદદ માટે તૈનાત કરવામાં આવી છે.

જેકસનના 96 કિલોમીટર ઉત્તર પૂર્વમાં ફૂંકાયેલા ટોર્નેડોએ ભારે નુકસાન કર્યું
નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે જેકસનના ૯૬ કિલોમીટર ઉત્તરપૂર્વમાં ફૂંકાયેલા ટોર્નેડોએ નુકસાન સર્જયું હતું જ્યારે એક ટોર્નેડોથી સિલ્વર સિટી અને રોલિંગ ફોર્ક ટાઉનોમાં વિનાશના પણ અહેવાલ છે. નેશનલ વેધર સર્વિસે એલર્ટ જારી કરતા લોકોને ચેતવણી આપી હતી કે તમારા જીવનના રક્ષણ માટે સલામત સ્થળે આશરો લઇ લો. તમે જીવનને જોખમમાં મૂકે તેવી સ્થિતિમાં છો એમ તેણે જણાવ્યું હતું. રોલિંગ ફોર્કની પશ્ચિમ બાજુએ આવેલી એક હોસ્પિટલને પણ આ તોફાનથી નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ટાઉનમાં ગેસ લીકની ઘટનાઓ બની હોવાના તથા કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાના પણ અહેવાલ છે.

Most Popular

To Top