SURAT

દારૂના નશામાં સુરતનો યુવક રેલવે ફાટક નજીક ઝાડ પર ચઢી ગયો, પછી થયું આવું…

સુરત : સુરતમાં એક વિચિત્ર હાસ્યાસ્પદ કિસ્સો બન્યો હતો. અહીં દારૂના નશામાં ભાન ભૂલી એક યુવક રેલવે ફાટક નજીક ઝાડ પર ચઢી ગયો હતો. ચઢતા તો ચઢી ગયો પરંતુ પછી યુવકને નીચે ઉતરવાનું ભારે પડી ગયું હતું. આખરે ફાયર બ્રિગેડે તેની મદદે દોડવું પડ્યું હતું.

  • સુરતના ભેસ્તાન રેલવે ફાટક નજીકની ઘટના
  • નશામાં ઝાડ પર ચઢ્યા બાદ યુવક ફસાઈ ગયો
  • લગભગ બે ત્રણ કલાક સુધી યુવક ઝાડ પર ફસાયેલો રહ્યો
  • ફાયર બ્રિગેડે સીડીની મદદથી યુવકને નીચે ઉતાર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે શુક્રવારે રાત્રે એક યુવક ઝાડ ઉપર ચડી જતા સ્થાનિકોમાં ભારે કૌતૂહલ મચી ગયું હતું. સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા. એટલુંજ નહીં ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઝાડ ઉપર ચઢી ગયેલા યુવકને ભારે જહેમત ઉઠાવી સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક દારૂના નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઓવર બ્રિજને અડીને એક ઝાડ છે. શુક્રવારે રાત્રે એક યુવક બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બ્રિજ પરથી જ ઝાડ ઉપર ચઢી ગયો હતો પરંતુ ઝાડ ઉપર ચઢવાનું તેને એટલું ભારે પડી ગયું હતું કે તેનાથી નીચે પણ ઉતરી શક્યો નહોતો. તે ફસાઈને ઝાડ પર જ અટકી ગયો હતો. લગભગ બે- ત્રણ કલાક સુધી યુવક ઝાડ ઉપર જ ફસાયેલો રહ્યો હતો.

દરમિયાન સ્થાનિકોને ખબર પડતા લોકો ત્યાં દોડી ગયા હતા અને રાતના એક યુવકને ઝાડ ઉપર જોઈને વિચારમાં પડી ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે સીડીની મદદથી યુવકને સહીસલામત ઝાડ પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. તે દારૂના નશામાં હતો અને ઝાડ ઉપર ચઢી ગયો હતો.

Most Popular

To Top