Columns

જીવનમાં જીતવા માટે

એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, જીવનમાં દરેક ક્ષેત્રમાં જો માત્ર જીતવું જ હોય તો શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ, જીવનમાં જીતવા માટે ચારે બાજુથી તૈયાર રહેવું પડે અને હંમેશા તૈયાર રહેવું પડે.’શિષ્યે કહ્યું, ‘ગુરુજી, ચારે બાજુથી તૈયાર રહેવું એટલે શું?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ,માત્ર જીતવાની ઈચ્છા રાખવાથી જીતી ન શકાય. હા, જીત તરફ એક ડગલું માંડી શકાય. ચાર તરફની તૈયારીમાં સૌથી પહેલી અને લાંબી તૈયારી છે -જે ક્ષેત્રમાં જીતવું હોય તેનું પૂરેપૂરું અને બરાબર જ્ઞાન જોઈએ;આગળ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી ન ચાલે, તેનો રોજ અભ્યાસ જોઈએ.

જેમ યુધ્ધ જીતવું હોય તો શત્રુની જાણકારી, યુધ્ધ ક્ષેત્ર વિષે જાણકારી અને શસ્ત્ર ચલાવવાની જાણકારી જોઈએ, પણ શસ્ત્ર ચલાવવાનો અભ્યાસ રોજ કરવો પડે. આ નિયમ બધે જ લાગુ પડે છે, જ્યાં તમારે જીતવું છે. પહેલાં તેને જાણો અને સમજો.આ તૈયારી બરાબર થઈ જાય પછી જ તમે જીતવા માટે આગળ વધી શકો.વત્સ, હવે વાત કરું બીજી તૈયારી, જે કરવી બહુ અઘરી છે.જીતવા માટે કરાતી તૈયારીમાં જ આવે છે હાર સ્વીકારવાની તૈયારી.મનને પહેલેથી જ હાર પચાવવા માટે પણ તૈયાર રાખવું એટલું જ જરૂરી છે.’

ગુરુજીની હારવાની તૈયારીની વાત સાંભળીને શિષ્ય બોલ્યો, ‘પણ ગુરુજી, આપણે બધા ક્ષેત્રમાં જીતવું જ હોય તો હાર વિષે વિચારવું પણ શું કામ જોઈએ? અને તમે કહો છો કે હારવાની પણ તૈયારી રાખવી એટલે શું?’ગુરુજીએ કહ્યું, ‘વત્સ, આ જીવનનું સત્ય સમજ. અહીં બધાં જ જીતવાની તૈયારી કરે છે અને જીતવા જ આવ્યા છે, પણ એ પણ સત્ય છે કે બધા જીતી ન શકે, કોઈ જીતે તો કોઈ હારે, માટે જીતવાની તૈયારી કરતી વખતે જ હારવાની તૈયારી રાખવી જરૂરી છે. મારી વાત બરાબર સમજ. મેં જીતવાની તૈયારી કરવાનું કહ્યું છે ને હારવાની તૈયારી રાખવા કહ્યું છે એ એટલે જો કદાચ આપણી હાર થાય તો આપણે તૂટી ન જઈએ.મજબૂત મન સાથે હારને સ્વીકારીને ફરી જીતવા આગળ વધી શકીએ.’ શિષ્યે પૂછ્યું, ‘તો હવે ત્રીજી બાજુની તૈયારીમાં શું કરવાનું ગુરુજી?’ ગુરુજીએ કહ્યું, ‘ત્રીજી તૈયારી હાર પછીની છે.

જો હાર થાય તો તેને સ્વીકારી લેવી અને હતાશ અને નિરાશ થયા વિના હાર શું કામ થઈ તેનાં કારણો ઝીણવટથી તપાસવાં અને જે કારણો આપણા હાથમાં હોય તેને દૂર કરવાં.પોતાની ભૂલો અને ખામીઓ શોધવી અને સ્વીકારવી અઘરી છે. પોતાની ખામીઓ શોધી તેને દૂર કરવી.પોતાની ભૂલો સ્વીકારી તેમાંથી શીખીને આગળ વધવું અને ચોથી તૈયારી છે જીતને સ્વીકારવાની.જીવનમાં જયારે જયારે જીત થાય ત્યારે વધારે ચોક્કસ બનવું. જીતનું અભિમાન ન કરવું, જીત મેળવાયા બાદ પણ સતત અભ્યાસ ન છોડવો અને વધુ તૈયારી અને વધુ નમ્રતા રાખી આગળ વધવું.’ગુરુજીએ જીવનમાં જીતવા માટે ચારે બાજુની તૈયારી સમજાવી.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top