Madhya Gujarat

ખેડામાં જમીન પચાવી પાડવા પિતા-પુત્રએ ષડયંત્ર રચ્યું

નડિયાદ: ખેડાના સનાદરા સીમમાં આવેલી જમીનમાં બે બહેનોને હક્ક ન આપવો પડે તે માટે વારસાઇમાં ચેડાં કરી, ખોટી સહીઓ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચી, છેતરપિંડી કરનાર પિતા-પુત્ર સામે કોર્ટના આદેશ બાદ ખેડા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા તાલુકાના સનાદરા ગામની સીમમાં આવેલ બ્લોક સર્વે નં ૪૧/અ અને ૪૧/બ વાળી ખેતીલાયક જમીન અમદાવાદના શનાભાઈ મકવાણાની માલિકીની હતી. જોકે, શનાભાઈ મકવાણા અને તેમની પત્નિના અવસાન બાદ તેમના સીધી લીટીના વારસદાર પુત્ર પ્રેમસિંહ મકવાણા તેમજ બે પુત્રીઓ સુશીલાબેન અને રેવાબેન આ જમીનની સંયુક્ત માલિકી ધરાવતાં હતાં.

જોકે, આ જમીનમાંથી શનાભાઈ મકવાણાની બંને પુત્રીઓના નામ કમી થઈ ગયાં હોવાનું સુશીલાબેનના ધ્યાને આવતાં તેઓએ આ જમીનના રેવન્યુ રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં પ્રેમસિંહ મકવાણા અને તેમના પુત્ર કુલદિપસિંહે ગત તા.૩૧-૩-૨૦૧૦ ના રોજ રૂ.૧૦૦ ના સ્ટેમ્પ ઉપર સુશીલાબેન અને રેવાબેનની બનાવટી સહી તેમજ અંગુઠો કરી, બનાવટી દસ્તાવેજો ઉભા કરી, હક કમીનો બોગસ કરાર કરાવી, બંને બહેનોના નામ જમીનના રેવન્યુ રેકોર્ડમાંથી રદ કરાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ થયાં બાદ સુશીલાબેને જે તે વખતે ખેડા ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જોકે, પોલીસે આ મામલે કાયદાથી વિપરીત રીપોર્ટ કરી બહેનોની ફરીયાદ નોંધી ન હતી. જેથી તેઓએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં.

ખેડા પોલીસે ફરીયાદ ન લેતાં બહેનોએ કોર્ટનો સહારો લેવો પડ્યો
આ મામલે પોલીસ દ્વારા ફરીયાદ નોંધવામાં આવતી ન હોવાથી સુશીલાબેન અને રેવાબેન દ્વારા ખેડા કોર્ટમાં અરજી કરી આ કેસની તપાસ ખેડા ડી.વાય.એસ.પી ને સોંપવા માટે જણાવ્યું હતું. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ આ અંગે તાત્કાલિક ફરીયાદ નોંધવાનો હુકમ ખેડા ટાઉન પોલીસને કર્યો હતો. જેના આધારે પોલીસે પ્રેમસિંહ શનાભાઈ મકવાણા અને કુલદિપસિંહ પ્રેમસિંહ મકવાણા સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી, ૧૧૪ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top