Trending

શનિ-રવિની મધરાતે બ્રહ્માંડમાં થશે આતશબાજી, નિહાળવાનો લ્હાવો ચૂકતા નહીં…

આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, તેનું કદ બ્રહ્માંડમાં કદાચ એક નોટબુકના કાગળ ઉપર પેન્સિલથી દોરેલા નાનકડા બિંદુ જેટલું જ છે. આપણી પૃથ્વી જેવા હજારો ગ્રહો, ચંદ્ર જેવા લાખો ઉપગ્રહો, ઉલ્કાપિંડ અને એટલું જ નહીં, આપણા સૂર્ય જેવા પણ હજારો સૂર્ય અને સૂર્યમંડળો બ્રહ્માંડમાં મૌજુદ છે. વૈજ્ઞાનિકો હજુ તો ચંદ્ર-મંગળ સુધી પહોંચતાં જ હાંફી ગયા છે. ત્યાં આપણી સૂર્યમાળાથી બહાર જઈને બ્રહ્માંડને ઓળખવાનો કે એનો અંદાજ કાઢવાનો ખૂબ કઠિન છે. મસમોટા ટેલિસ્કોપ દ્વારા કાળા માથાનો માનવી બ્રહ્માંડની ગતિવિધિ પરથી કેટલાક સત્યોને જાણી શક્યો છે. અલબત્ત આજે જે વાત કરવાના છીએ તે ઉલ્કાવર્ષાની છે, જે આજે અને આવતીકાલે મધરાતે આકાશને સુશોભિત કરશે.

સૂર્ય જેવા કોઈ તારા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમાં બ્લાસ્ટ થતો હોય છે. તેના કણ-કણ પ્રચંડ શક્તિથી છૂટા પડે છે અને અગનગોળા સમાન આવા પ્રજ્વલિત તારાના અવશેષો બ્રહ્માંડમાં એક અંતર સુધી પહોંચ્યા બાદ તેનો વિલય થઈ જાય છે. ક્યારેક કોઈ ઉલ્કાની પણ આવી સ્થિતિ ઉદ્ભવે છે અને તેના પ્રજ્વલિત અવશેષો આકાશમાં આતશબાજી થતી હોય તે રીતે કેટલોક સમય સુધી દેખાતા રહે છે.

આજે એટલે કે તા. 21મીની મધરાત્રે તેમજ આવતીકાલે તા. 22મીની મધરાતે આવી જ એક ઉલ્કાવર્ષા થવાની છે. ગુરૂદેવ ઓબ્ઝર્વેટરી નામની એક વેધશાળાએ લોકોને આ ઉલ્કાવર્ષા જોવા માટે અપીલ કરી છે. વેધશાળાના જણાવ્યા મુજબ કોમેટ થેચર દ્વારા નીકળેની ધૂળ એટલે કે અવશેષોથી બનનારી ઉલ્કાવર્ષા આ સમયગાળા દરમિયાન નરી આંખે જોઈ શકાશે. એને વીણાની ઉલ્કાવર્ષા તરીકે ઓળખ આપવામાં આવી છે.

વેધશાળા દ્વારા જણાવાયું છે કે રાત્રે બારેક વાગ્યાથી વહેલી સવારે પાંચેક વાગ્યા સુધીમાં આ ઉલ્કાવર્ષા પૂર્વ-ઉત્તરી આકાશમાંથી મધ્ય આકાશ તરફ જતી જોઈ શકાશે. વીણા નક્ષત્રમાં આપણી પૃથ્વીથી 25 પ્રકાશવર્ષ દૂર અભિજીત તારા પાસે આ ઉલ્કાવર્ષા થશે તેવું તેમણે ઉમેર્યું હતું. ખાસ જણાવાયું છે કે હાલમાં જ અમાસ વિતી છે અને આકાશમાં ચંદ્રનો પ્રકાશ નહીંવત રહેવાથી આ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અને નરી આંખે જોઈ શકાશે. વેધશાળા દ્વારા એવું પણ કહેવાયું છે કે આ ઉલ્કાવર્ષાના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પણ વિશેષ પ્રકારે લઈ શકાશે. કારણકે અંદાજે સતત પાંચેક કલાક સુધી આ ઉલ્કાવર્ષા ચાલુ રહેશે અને સતત બીજી મધરાતે પણ આ જ પ્રકારે ઉલ્કાવર્ષા જોઈ શકાશે.

વેધશાળાના સંચાલક દ્વારા વધુમાં માહિતી અપાઈ છે કે આપણી આ વેધશાળા રેડિયો તથા દ્રશયમાન તરંગો પર સંશોધન અને શિક્ષણનું કાર્ય કરે છે. તે નાસા, ESA, ESO, SARA સહીત વિશ્વના પ્રમુખ પ્લેનેટોરીયમ (તારા મંડળો), વિજ્ઞાન મ્યુંસ્યમ્સ, વિજ્ઞાન મંડળો તથા પ્રમુખ વૈજ્ઞાનિકો સાથે સીધી સંકળાયેલી છે. અમારો ઉદ્દેશ્ય ભારતનાં બાળકોને ખગોળ વિજ્ઞાન, વિજ્ઞાન તથા તેના દ્વારા વિચારક્રાંતિ સાથે જોડવાનો છે. અમે માનીએ છે કે કોઈ પણ રીતે આનું શિક્ષણ બાળકોને હકારાત્મક, તેજસ્વી,ઓજસ્વી, વર્ચસ્વી, ઉત્સાહી અને વિશાળ મનના બનાવે છે. વિશ્વનું આ સહુથી જુનું વિજ્ઞાન અને તેનું શિક્ષણ ભારતને જગતગુરુ, વિશ્વગુરુ બનાવશે.

ભારતનાં બાળકો આવું શ્રેષ્ઠ શિક્ષણ દુર રહીને પણ મેળવી શકે એના માટે ગુરુદેવ વેધશાળાએ એક અદ્ભુત વેબસાઈટનું નિર્માણ કર્યું છે. આ સાઈટ પર આપ ખગોળ વિજ્ઞાન, ઋતુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પાણી બચાવ – શુદ્ધિકરણ, વૃક્ષારોપણ, જળશુદ્ધિ અભિયાન જેવા કેટલાયે નિતાંત જીવન ઉપયોગી વિષયોની જાણકારીઓનો ભંડાર જોઈ શકશો. સાથે જ આપ આ વિષયોની છેલ્લામાં છેલ્લી જાણકારી, આકાશી ઘટનાઓનું દરેક મહિનાનું કેલેન્ડર તથા સ્કાઈ મેપ પણ જુદા જુદા પેજ પર જોઈ શકશો. વિભીન્ન ઉપયોગી લીનક્સ પણ માણી શકશો.

અમે વિશ્વમાં પહેલી વાર વેબ સાઈટ પર જીવંત પ્રશ્નોત્તરીનું પેજ પણ મુક્યું છે. ત્યાં આપ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં ઉપરોક્ત વિષયોની જાણકારી મેળવી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો અથવા પ્રશ્નોનાં જવાબમાં પોતાનાં વિચારો પણ વ્યક્ત કરી શકો છો. આપ તેના પર પોતાની કોઈ ખાસ શોધને પણ પોતાના નામ સાથે પ્રસારિત કરી શકો છે જે થોડીક જ મીનીટો માં વિશ્વવ્યાપી બની જશે જે આપની પ્રતિભાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવશે. આપ આ પેજનાં દ્વારા વિશ્વનાં મૂર્ધન્ય વૈજ્ઞાનિકો સાથે જોડાઈ શકશો.

એના સિવાય અમે સર્વપ્રથમ વખત ખગોળ વિજ્ઞાનની સાઈટને સંપૂર્ણ ભારતીય પરિપ્રેક્ષમાં ઢાળી છે, એટલે કે તમને જાણકારી તમારી જ ભાષામાં મળી શકે તે માટે હિન્દી અને ગુજરાતી ભાષાનાં વિશેષ પેજ પણ મુક્યા છે. જેથી અંગ્રેજી નહીં જાણતા હોય તેવા બાળકો, ગૃહિણીઓ, મહિલાઓ અને સામાન્ય વ્યક્તિ પણ આ મહાન વિજ્ઞાનથી જોડાઈ શકશે.

Most Popular

To Top