National

યુવાનોને લશ્કરમાં જોડાવાનો સોનેરી અવસર: BSFમાં 247 જગ્યા માટે ધો. 10-12 પાસ અરજી કરી શકશે

નવી દિલ્હી: આજકાલ દરેક યુવાનને લશ્કરમાં જોડાઈને દેશનું રક્ષણ, સેવા કરવાની દેશદાઝ જોવા મળી રહી છે. અલબત્ત હરીનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ ઉક્તિ પેટે આર્મીની નોકરી લોઢાના ચણાં ચાવવા સમાન છે. છતાં દેશના હજારો નહીં, લાખો યુવાનો સેનામાં જોડાવા માટે યથાર્થ પ્રયત્નો કરે છે. આવા યુવાનો માટે એક સોનેરી મોકો આવ્યો છે. BSF એટલે કે સીમા સુરક્ષા દળમાં નોકરીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

બીએસએફ એટલે કે સીમા સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલના પદ માટે ભરતી અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ભરતી માટે 22 એપ્રિલથી ઓનલાઇન અરજી શરૂ થશે. સેનામાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો 12મી મે 2023 સુધી બીએસએફની આધિકારીક વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. BSFએ કુલ 247 જગ્યા માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. જે પૈકી 217 હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર્સ અને 30 હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિક્સની જગ્યાનો સમાવેશ થાય છે.

BSFમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થાન દ્વારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં કુલ 60% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ. આ પદ માટે ધોરણ 10 પાસ પણ અરજી કરી શકે છે. સાથે જ ઉમેદવારો પાસે બે વર્ષના આઈ.ટી.આઈ. કોર્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

BSFમાં ભરતી માટે જે ઉમેદવારો અરજી કરે તેમની વય 12 મે 2023ના રોજ 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારી આદેશ અનુસાર અનુ. જાતિ સહિતના વર્ગ શ્રેણીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. જે ઉમેદવારોની ભરતી પ્રક્રિયામાં પસંદગી કરવામાં આવશે તેમને સાતમા પગાર પંચ મુજબ મેટ્રિક્સ લેવલ ચારમાં રૂ. 25,500થી લઈ રૂ. 81,100 સુધીનું વેતન આપવામાં આવશે. સાથે જ સમય સમય પર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે લાભો જાહેર થાય છે તે તમામ લાભો પણ મળવાપાત્ર રહેશે.

Most Popular

To Top