Comments

યુવકો બદલાઈ રહ્યા છે, દેશ બદલાઈ રહ્યો છે, રાજકીય વિચારસરણી બદલીએ

ઓગણીસમી સદી પહેલાંના ભારતીય સમાજનું માળખું પરંપરાના પાયા ઉપર અવલંબિત હતું, જેમાં ધર્મ આખરી નિયંત્રક સત્તા હતી. પરંતુ ઔદ્યૌગિક ક્રાંતિ બાદ અંગ્રેજી શાસકોએ ભારતને બ્રિટિશ રાજ્યના સંસ્થાન તરીકે ઉમેર્યું. આથી ભારતીય સમાજજીવનમાં ક્રમિક છતાં મકકમ રીતે પરિવર્તન જોવા મળ્યું. ધર્મની જગ્યાએ વિજ્ઞાન નિયંત્રક પરિબળ બન્યું. માન્યતાઓ અને અંધશ્રદ્ધાના સ્થાને પ્રગતિ અને વિકાસની તાર્કિક અને બુદ્ધિગમ્ય વિચારસરણી પ્રચલિત બની. રૂઢિગતતાના સ્થાને વ્યક્તિગત પહેલ અને સ્વતંત્રતાના અભિગમો વિકસ્યાં. બ્રિટીશ શાસનકાળ દરમ્યાન અંગ્રેજોએ ભારતને એક સંસ્થાન તરીકે નિભાવ્યું. આથી, પશ્ચિમની સંસ્કૃતિના લાંબા ગાળાના પ્રભાવ પછી પણ ભારતીય સમાજનું પરંપરાગત માળખું સમૂળગું બદલાયું તો નહીં, પરંતુ એક નવા સમાજનું સર્જન થતું જોવા મળ્યું.

સ્વતંત્રતા પછી આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓની સાથે-સાથે વ્યાપક થતું ઔદ્યોગિકીકરણ, વિસ્તરતું જતું શહેરીકરણ, શિક્ષણ, વાહનવ્યવહારનાં સાધનોનો વિકાસ તદુપરાંત રાષ્ટ્રિય જીવનમાં ગતિશીલતા લાવતાં કેટલાંક પરિબળોના વ્યાપક પ્રભાવના કારણે શહેર અને ગ્રામ વિસ્તારોમાં અનેક પરિવર્તન આવ્યાં છે, જેમાં ભારતની ગઈ કાલ અને આજ બન્નેના સમન્વયથી જાણે ભારતનો એક નવો અવતાર થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું.

વિકસતા ભારતના સામાજિક, આર્થિક અને રાજકીય જીવનમાં જે પરિવર્તન આવ્યાં છે તેના કારણે વ્યક્તિને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી જે તાલીમ અને શિક્ષણ મળી રહેતાં તે પરંપરાગત વ્યવસ્થાના સ્થાને, ઝડપી અને વિષયલક્ષી પ્રક્રિયાની અનિવાર્યના ઉદ્દભવી છે, પરિણામે સમાજજીવનને વિસ્તરવાનો અવસર મળ્યો છે અને છેલ્લાં વર્ષોમાં તો આધુનિકીકરણના વાહક સ્વરૂપે વાચન અને દશ્ય-શ્રાવ્ય સ્વરૂપનાં માધ્યમોએ પૂર્વોત્તર સમાજને સમૂળગો પલટી નાખ્યો છે. ભારતમાં પરિવર્તનની આ વ્યાપક અને સર્વાંગી ગતિશીલતાને કારણે આપણો દેશ આધુનિક બનતો જાય છે.

જો કે એ પણ યાદ રહે કે કોઈ પણ સમાજ કયારેય પૂર્ણતઃ પરંપરાગત કે સંપૂર્ણપણે આધુનિક બની શકતો નથી. તેમાંયે ભારતમાં તો પ્રાચીન અને અર્વાચીનતાનું એક મિશ્રણ થયું છે. આમ છતાં ભારતીયોમાં પરિવર્તનનો પ્રવાહ પ્રાચીનથી આધુનિકતા તરફ જઈ રહ્યો છે ત્યારે બદલાઈ રહેલ ભારતીય સમાજમાં યુવાનોનો અભ્યાસ રસપ્રદ બને છે. વિગતે જોઇએ તો, સ્વતંત્રતાની ચળવળ અને આઝાદી પછીનાં ૭૫ વર્ષ દરમ્યાન યુવાશક્તિએ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુવાનો નવા વિચારો અને આદર્શો ઝડપથી અપનાવી રહ્યાં છે. આથી નવી પેઢી સમાજ-પરિવર્તનની સંવાહક બની છે. સવિશેષ આવી રહેલા સમયનું દર્શન નિહાળવા માટે પણ યુવાનો હેતુ બની શકતા હોઇ વિશેષ શક્તિ અને ઉત્સાહ ધરાવતા યુવકોમાં આધુનિકીકરણ અને સંચાર માધ્યમોની સ્થિતિને જોવાનું પણ રસપ્રદ બને છે.

આ ભૂમિકા સંદર્ભે ૧૭થી ૨૫ વર્ષની વય ધરાવતા ગ્રામ અને શહેરી વિસ્તારમાં વસતા ૨૦૦૦ યુવકોનાં વલણો આ લેખના લેખક દ્વારા તપાસાયાં છે. સંશોધન એકમના ૬૧ ટકા યુવકો મધ્યમ વર્ગનું અને ૨૯ ટકા યુવકો ઊંચા સામાજિક-આર્થિક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ જૂથ પૈકીના ૩ ટકા યુવકો અશિક્ષિત હતા, જયારે ૩૦ ટકા યુવકોએ વ્યાવસાયિક તાલીમ મેળવેલ હતી. મુખ્યત્વે અભ્યાસકાર્ય સાથે જોડાયેલ યુવકોમાં ૭૯ ટકા યુવકો અપરિણીત હતાં. શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં યુવકોની મુલાકાત સંબંધે જે વલણો જણાયાં તે આ મુજબ રહ્યાં.

યુવાનોમાં સંચાર માધ્યમોનો સંપર્ક : યુવકોમાં દશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમોના સંપર્કની સ્થિતિ જોતાં જણાય છે કે ૪૮ ટકા યુવકોને વાચનમાં રસ છે, પરંતુ આ યુવકો માત્ર ગુજરાતી ભાષાની સામગ્રી વાંચે છે. ૫૦ ટકા ગ્રામયુવકો અને ૩૨ ટકા શહેરી યુવકો રેડિયો સાંભળે છે. જ્યારે ૬૨ ટકા યુવકો મહિનામાં ૧થી ૩ સિનેમા પણ જુએ છે. ૪૦ ટકા ગ્રામયુવકો અને ૯૬ ટકા શહેરી યુવકો મોબાઈલ અને ઈન્ટરનેટ વાપરે છે. આધુનિકીકરણ સાથે વિસ્તરતી રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કારણે પ્રવાસન હવે સામાન્ય ચીજ બની રહ્યાનું જોવા મળે છે.

યુવકો પોતે આધુનિકીકરણનું શું અર્થઘટન કરે છે તે અંગે પૂછતાં જાણવા મળ્યું કે ૨૮ ટકા યુવકો બૌદ્ધિક વિચારસરણી અને વૈજ્ઞાનિકીકરણને આધુનિકીકરણ તરીકે સ્વીકારે છે. જ્યારે ૨૫ ટકા યુવકો રોજિંદા જીવનમાં સાધનસુવિધા અને મનોરંજનસુવિધાની વૃદ્ધિને આધુનિકીકરણ સમજે છે. ગ્રામ અને શહેર એકમ સ્થિત ૨૨ ટકા યુવકો યાંત્રિકીકરણને આર્થિક સમૃદ્ધિકરણ સમજે છે. જ્યારે આઝાદીનાં ૭૫ વર્ષ વીત્યાં છતાંયે રાષ્ટ્ર હજુ પછાત છે તેવું માનતા યુવકોની સંખ્યા શહેરમાં ૧૩ ટકા અને ગામડામાં ૪ ટકા છે.

ગુજરાતમાં ૪ ટકા યુવકો એવું માને છે કે વ્યક્તિના સામાજિક સ્થાન માટે જ્ઞાતિ નહીં પણ વૈયક્તિક વિકાસ અગત્યનો છે. કુટુંબમાં નિર્ણય લેવાની આખરી સત્તા વડીલો માટે અબાધિત હોય છે, તેવો મત ૬૭ ટકા ગ્રામયુવકો અને ૪૧ ટકા શહેરી યુવકો ધરાવે છે. જ્યારે લગ્નના ખ્યાલો પરત્વે ગ્રામયુવકોમાં આજે પણ મહદંશે રૂઢિચુસ્તતા પ્રવર્તે છે. માત્ર શહેરી યુવકો જ જીવનસાથીની પસંદગીના ધોરણ તરીકે સામા પાત્રના પ્રેમને પોતાની પ્રથમ પસંદગી આપે છે.

સ્ત્રી અને પુરુષને રથનાં પૈડાં જાણી સમરૂપ સામાજિક દરજ્જાની હિમાયત કરતાં યુવકોનું પ્રમાણ ૩૬ ટકા છે. ૨૧મી સદીના પ્રારંભે પણ ૨૩ ટકા યુવકો પુરુષને સ્ત્રીજાતિના માલિક અને રક્ષક ગણે છે. જ્યારે ૨૮ ટકા યુવકોના મતે વ્યક્તિવિકાસમાં સંયુક્ત કુટુંબ જ ફાળો આપી શકે છે. આઝાદીના માહોલમાં પણ આજે યુવકો કુટુંબના મોટા કદ પરત્વે પારંપરિક ખ્યાલ ધરાવે છે, જે ધ્યાન ખેંચતી બાબત છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top