Business

વિશ્વમાં મંદી ડોકાઇ રહી છે, જ્યારે ભારતનું અર્થતંત્ર રફતાર પકડી રહ્યું છે!

કોરોના કાળમાંથી બહાર નીકળ્યા બાદ વિશ્વભરમાં આર્થિક મંદીના દેકારા વાગી રહ્યા છે, પરંતુ ભારતીય અર્થતંત્રએ સમયાંતર વિવિધ પોલીસીઓની ઘોષણા કરી હતી અને તેના પગલે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી છે. સરકાર દ્વારા મેન્યુફેકચરીંગ સેકટરને મજબૂત કરવા માટે એક પછી એક પીએલઆઇ સ્કીમની જાહેરાતો કરી છે અને તેના લીધે ઉત્પાદનમાં વધારો થયો છે, તેમજ ઘરેલું ઉત્પાદન વધવાના કારણે આયાતી ચીજવસ્તુઓ ઉપર નિર્ભરતા ઘટતી જોવા મળી રહી છે. એટલું જ નહિં, ઘરેલું ઉત્પાદનની માગ રહેતા નિકાસમાં વૃદ્ધિ થવા પામી છે.

જેના પરિણામે ભારતીય અર્થતંત્રની સતત નિકાસ વૃદ્ધિ થવાના કારણે ભારતીય અર્થતંત્રએ રફતાર પકડી રહી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. વૈશ્વિક મંદીની વચ્ચે ભારતીય અર્થતંત્રના સિતારા ગગનચૂંબી રહ્યા છે, તે એક આશ્ચર્યજનક બાબત છે. સરકારની નીતિઓ તેમજ ડિજીટલાઇઝેશન ઉપરનું ફોકસ સહિતના પગલાંઓથી ભારતીય અર્થતંત્રને બુસ્ટ મળ્યું છે. ભારતીય અર્થતંત્રને બુસ્ટ મળતા તેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળશે. ભલે, વૈશ્વિક બજારો મંદીના ભયથી થર થર કાપી રહ્યા છે, પરંતુ ભારતીય બજારોને તેની નહિંવત અસર જોવા મળશે.

માત્ર વૈશ્વિક અસરના લીધે કોઇક વાર ભારતીય બજારો ગોથા ખાતા જોવા મળી શકે છે. આ સિવાય એકંદરે ભારતીય અર્થતંત્રની મજબૂતાઇને જોતાં ભારતીય શેરબજારમાં તેજીનો દોર જળવાઇ રહે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
એટલું જ નહિં, કેટલાક નિષ્ણાંતો દિવાળી સુધીમાં શેરબજારમાં તેજી જળવાઇ રહે તેવું માની રહ્યા છે અને નિફ્ટી ફરી એકવાર નવી ઉંચાઇ હાંસલ કરશે નવી તેજી રફતાર પકડશે. આમ, મજબૂત અર્થતંત્રથી મજબૂત બજાર રહેશે.


ભારતીય અર્થતંત્ર એ રફતાર પકડી હોવાનો સ્પષ્ટ નિર્દેશ આઇએમએફના વડાએ આપ્યો છે. આઇએમએફ એ કહ્યું કે, વૈશ્વિક મંદી વચ્ચે ભારતની ઝડપી આર્થિક પ્રગતિના કારણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પણ પ્રશંસા કરવાની ફરજ પડી છે. આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટે કહ્યું કે ભારત 5 નહિં પણ 10 ટ્રિલિયન ડૉલરના લક્ષ્યને પણ સ્પર્શી શકે છે, તેને માત્ર કેટલાક ખાસ કામ કરવા પડશે. હાલમાં ભારતની અર્થવ્યવસ્થા હાલ ત્રણ ટ્રિલિયન ડોલર એટલે કે ભણ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ જે સ્પીડે ભારતીય અર્થતંત્ર દોડી રહ્યું છે તેને જોતાં આવનારા સમયમાં ભારત 10 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની જાય તો નવાઇ નહિં અને વિશ્વમાં એક ઉદાહરણ સ્થાપિત કરશે.

આઇએમએફના ચીફ ઇકોનોમીસ્ટ પિયર ઓલીવરે કહ્યું છે કે, વિશ્વ મંદીના આરે બેઠું છે, ત્યારે ભારત એક તેજસ્વી પ્રકાશ તરીકે ઉભરી આવ્યું છે. ભારતે ઘણા પગલાં લીધા છે, જેણે આ કટોકટીના સમયમાં પણ ભારતીય અર્થતંત્રને પાંખી આપી છે.
આંકડાકીય માહિતી જોઇએ તો ભારતની કુલ નિકાસ ચીજવસ્તુઓ સેવાઓમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં 382.31 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે અને તે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 21.03 ટકા વધ્યો છે. તે જ સમયે, કુલ આયાત ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં 37.77 ટકા વધીને 469.47 અબજ ડોલર થઈ શકે છે.

જોકે, એપ્રિલ-સપ્ટેમ્બર 2022ની વચ્ચે વેપાર ખાધ ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 94.69 ટકા વધીને 148.46 અબજ ડોલર થવાનો અંદાજ છે, જે એપ્રિલ-સપ્ટેમ્બર 2021ની વચ્ચે 76.25 અબજ ડોલર હતો, એમ સરકારી આંકડા દર્શાવે છે.
વિશ્વમાં મંદી વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની ગતિ તેજ રહે છે. સરકારે જાહેર કરેલા જીડીપીના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રમાં 13.50 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. આરબીઆઈના તાજા અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી સાત ટકાના દરે વધી શકે છે.

Most Popular

To Top