Columns

વિશ્વ ઝડપથી બદલાઇ રહ્યું છે

સમગ્ર વિશ્વની સરેરાશ એકંદર ઘરેલુ પેદાશ વાર્ષિક ૧૨,૨૦૦ અમેરિકન ડોલર છે. અર્થાત્ આ વ્યકિત દીઠ વર્ષે લગભગ રૂા. ૯.૬ લાખ અથવા મહિને રૂા. ૮૦,૦૦૦ થાય. સમગ્ર વિશ્વની તમામ માલ અને સેવાઓની એકંદર ઘરેલુ પેદાશનો વિશ્વની વસ્તીની સંખ્યા વડે ભાગાકાર કરો તો આ આંકડો આવે. ૨૦૧૩ માં બાંગ્લા દેશની એકંદર ઘરેલુ પેદાશ ૯૮૧ અમેરિકન ડોલર હતી અને ભારતની ૧૪૪૯ અમેરિકન ડોલર હતી. આ સરસાઇ હંમેશા રહી છે અને ભારત બાંગ્લા દેશથી આગળ રહ્યું છે.

૧૯૭૧ ના યુદ્ધ પછી બાંગ્લા દેશનો જન્મ થયો ત્યારે ઘણાને તે અવ્યવહારુ દેશ લાગ્યો હતો. તેમને હતું કે આ દેશ પોતાને ટકાવી રાખવા જેટલો આર્થિક રીતે ઉત્પાદક નહીં બની શકે. અમેરિકાના વિખ્યાત વિદેશ મંત્રી હેન્રી કિસીંજરે બાંગ્લા દેશને ‘બાસ્કેટ કેસ’ ગણાવ્યો હોવાનું કહેવાય છે. ૨૦૧૪ પછી બાંગ્લા દેશે ભારતની હરોળમાં આવવાની શરૂઆત કરી દીધી હતી. ૨૦૧૬ માં એકંદર ઘરેલુ પેદાશના આંકડા લગભગ સરખા થઇ ગયા હતા. બાંગ્લા દેશનો આંકડો ૧૬૭૯ અમેરિકન ડોલર હતો જયારે ભારતનો ૧૭૩૨ અમેરિકન ડોલર. પછી તો બાંગ્લા દેશ આપણી બરોબરી કરતો થઇ ગયો અને આગળ નીકળી ગયો.

વિશ્વબેંકની માહિતી મુજબ ૨૦૨૧ માં બાંગ્લા દેશની એકંદર ઘરેલુ પેદાશ ૨૫૦૩ અમેરિકી ડોલર હતી જયારે ભારતની ૨૨૭૭ અમેરિકન ડોલર. આજે બાંગ્લા દેશમાં સરેરાશ માણસ વર્ષે રૂા. બે લાખ એટલે કે મહિને રૂા. ૧૬૦૦૦ કમાય છે. જયારે સરેરાશ ભારતીય દર વર્ષે રૂા. ૧.૮ લાખ કમાય છે. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોશ કહે છે કે નજીકના ભવિષ્યમાં બાંગ્લા દેશ ભારતથી આગળ રહેશે. આપણે સૌ એ આપણા દેશની કામગીરી પ્રત્યે નિરાશા બતાવવી જોઇએ અને બાંગ્લા દેશની સિધ્ધિને બિરદાવવી જોઇએ. કપડાંની વૈશ્વિક નિકાસમાં મોખરે રહેવાનું આ કામ સહેલું નથી પણ તેણે તે સિધ્ધ કર્યું છે.

આપણે કયાં ભૂલ કરી? ભારત સ્વીકારતું જ નથી કે તેણે નબળી કામગીરી કરી છે. વડા પ્રધાનનું પ્રવચન હોય કે પ્રસાર માધ્યમોનું રટણ હોય, આપણે જે આંકડા ઉપર જોયા તેનું કયાંય પ્રતિબિંબ જ નથી પડતું. ભારત ‘સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું મોટું અર્થતંત્ર છે’ અને ત્યાં વાત પૂરી થઇ જાય છે! આપણને કોઇ સમસ્યા જ નથી, પછી સુધારો કરવાની જરૂર જ કયાં છે? શેમાં સુધારો કરવાનો છે? બાંગ્લા દેશ ભારતને વળોટી ગયો છે એ હકીકતની આપણે વાત જ નહીં કરીએ તો સમસ્યા રહેતી જ નથી અને છતાં સમસ્યા તો છે જ.

હજી થોડા સમય પહેલાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચર્સે માર્ચ ૨૦૨૦ સુધીનાં પાંચ વર્ષમાં પોતાનાં ઉત્પાદન ભારતમાં કેટલાં વેચાયાં તેના આંકડા જાહેર કર્યા હતા અને તારણ કાઢયું હતું કે ઓટોમોબાઇલ ક્ષેત્ર લાંબા સમયની ઘેરી મંદીમાં સરકી રહ્યું છે અને શું ચાલી રહ્યું છે તે શોધી કાઢવા વધુ સંશોધનની જરૂર છે. કોણ કરશે? એ કહેવાયું નથી પણ આપણે ધારી લઇએ કે તેમનો ઇશારો સરકાર કે તેના વિચાર ભંડાર નીતિ આયોગ તરફ હશે. ઓટોમોબાઇલ ક્ષેત્ર ભારતના સંપૂર્ણ ઉત્પાદન ક્ષેત્રનું અડધોઅડધ ઉત્પાદન કરે છે. ૨૦૧૪ માં ઉત્પાદન ક્ષેત્રનો ફાળો એકંદર ઘરેલુ પેદાશને ૧૬% હતો.

મતલબ કે ઓટોમોબાઇલ ક્ષેત્રે ૮% ફાળો આપ્યો હતો અને ૨૦૨૧ માં તે મંદીને કારણે મોટાં વાહનોનું વેચાણ ઘટીને ૧૩% થઇ ગયું અને આજે તે વધુ નીચું હશે. ઉત્પાદન ક્ષેત્ર એવું ક્ષેત્ર છે જયાં મોટા ભાગના વિકાસગામી દેશો નોકરી માટે સ્પર્ધા કરે છે. ભારતની તેના લોકોને અર્થપૂર્ણ નોકરીઓ આપવાની અસમર્થતાને તેની ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની અસમર્થતા દ્વારા સમજી શકાય તેમ છે. ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની વાત તો બાજુ પર રહી જે ક્ષમતા હાંસલ કરી હતી તે પણ જાળવી રાખી શકતા. આપણે આપણી જાતને વિશ્વગુરુ કહીએ છીએ. આપણે વિશ્વને ઘણું શીખવવાનું છે તેમ વિશ્વ પાસેથી શીખવાનું પણ ઘણું છે. આમ છતાં સરેરાશ ભારત વિશ્વના સરેરાશ નાગરિક જે ઉત્પાદન કરે છે તેનાથી પાંચમા ભાગનું ઉત્પાદન કરે છે.

ચીન ૧૨૫૫૬ અમેરિકન ડોલરના ઉત્પાદન સાથે સમગ્ર વિશ્વ સાથે સરેરાશમાં બરોબરી કરી રહ્યું છે. એનો અર્થ એ થયો કે ભારત પાસે ચીન પાસે છે એના કરતાં પાંચમા ભાગની આર્થિક શકિત છે. ૧૯૯૧ માં આપણે આર્થિક સુધારા દાખલ કર્યા હતા ત્યારે ચીન અને ભારત સરખા હતા. બંનેનું ઉત્પાદન તે વખતે વ્યકિત દીઠ ૩૦૦ અમેરિકન ડોલર હતું. વિશ્વના બજારમાં ચીન આજે અમેરિકા માટે જોખમ બની રહ્યું છે. એકંદર ઘરેલુ પેદાશમાં તે આગામી થોડાં વર્ષોમાં અમેરિકાની બરોબરી કરી શકશે. લશ્કરી તાકાતમાં તો તેણે આ સિધ્ધિ લગભગ હાંસલ કરી લીધી છે. ભારતે વિશ્વ પર વર્ચસ્વ જમાવવા ઘણું બધું કરવાનું છે. લોકોને ગરીબીમાંથી કાઢી સમૃધ્ધ બનાવવા ઘણું બધું કરવાનું છે. ખુશામત અને દમનના રાજમાં આ થઇ શકશે! જવાબ મેળવવા આપણે ઝાઝી રાહ નહીં જોવી પડે. વિશ્વ તેના ઇતિહાસમાં વધુ ઝડપથી બદલાતું જાય છે. વર્તમાન દાયકો પૂરો થાય તે પહેલાં આપણું ભવિષ્ય દેખાઇ આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top