Business

વાણી છે બડી શાણી

વાણી કપૂર હમણાં થોડી બેચેન રહે છે. ના,  ના પ્રેમભંગ થયા જેવું યા તેનો પ્રેમી કોઈ બીજીને પરણી ગયો હોય એવું તો કાંઈ નથી. તેને કોઈ ફિલ્મમાંથી પડતી મુકવામાં આવી હોય એવું પણ નથી. કોરોના થવાને કારણે હમણાં શૂટિંગ પર ન જઈ શકતી હોય એવું ય નથી અને છતાં તે બેચેન છે. તેનું કારણ કિયારા અડવાણીની ફિલ્મ હમણાં ફરીવાર સફળ ગઈ તે છે. સ્ટારડમમાં નવા નવા કદમ મુક્યા હોય ત્યારે બીજી કોઈ પર નહી, સફળતા તો પોતાની પર જ ચડવી જોઈએ એવું દરેકને થતું હોય છે. વાણીને પણ થાય છે. બાકી તાપસી પન્નુથી માંડી અનન્યા પાંડે, કૃતિ સેનન પણ સ્પર્ધામાં છે.

વાણી જાણે છે કે એક પછી બીજી અને પછી ત્રીજી સફળતા મળે પછી  નિર્માતાઓ હીરોઈનની પાછળ પડતા હોય છે. ક્યિારા પાસે ઓલરેડી પાંચ ફિલ્મો છે તે વાણી પાસે બે જ ફિલ્મો છે. હમણાં અક્ષયકુમાર સાથેની ‘બેલ બોટમ’ રજૂ થઈ ને બોક્સ ઓફિસ પર પણ તે સારી રહી છે પણ એ ફિલ્મની સફળતા પછી કિયારાની ફિલ્મ પણ સફળ ગઈ એટલે વાણીને સફળતાનો સ્વાદ લેવાનો વધારે મોકો નથી મળ્યો. વાણીએ ‘શુધ્ધ દેસી રોમાન્સ’થી શરૂઆત કરેલી અને ત્યાર પછી હિન્દીમાં તો તેની બે જ ફિલ્મ રજૂ થઈ છે એ બંને ફિલ્મો હીરો પર જ સફળ રહી હતી એટલે વાણીને એ સફળતાનો સ્વાદ જરાક ખાટો લાગે છે. હવે તે ઋતિક, અક્ષયકુમાર પછી આયુષ્યમાન ખુરાનાની હીરોઈન થઈ ‘ચંડીગઢ કરે આશિકી’માં આવી રહી છે અને તે પછી રણબીર કપૂર સાથેની ‘શેરશાહ’ છે.

‘શમશેરા’ તો આદિત્ય ચોપરા નિર્મીત ફિલ્મ છે એટલે તેને ઘણી આશા છે. પણ હા, સંજય દત્ત, રણબીર કપૂર જેવા સ્ટાર વચ્ચે તે કામ કરી રહી છે. અત્યારે મોટી ફિલ્મ મળે તો નકારી ન શકાય પણ તે ઈચ્છે છે કે હવે ફિલ્મો સ્વીકારવા બાબતે થોડો અભિગમ બદલે. તેને એ સ્થિતિ ય અકડાવે છે કે ફિલ્મ જલ્દી પૂરી નથી થતી. ‘શમશેરા’નું શૂટિંગ 2018ના અંતમાં શરૂ થયેલું પણ 33 મહીના પછી પણ ઠેકાણા નથી પડ્યા. મોટા બેનરની મહત્વાકાંક્ષી ફિલ્મમાં કામ કરવા દિપીકા પાદુકોણ જેવું ધૈર્ય જોઈએ. દિલ્હીની વાણી આમ તો બિંદાસ મિજાજની  છે અને ભલે ઓછી ફિલ્મ કરવા મળી હોય પણ મોટા સ્ટાર્સને મોટા બેનરના સધિયારી તે વટથી ચાલે છે. ‘બેલબોટમ’ થિયેટરમાં રજૂ થઈ તે રિસ્કી મામલો હતો પણ કમાણી કર્યા પછી હવે રિસ્ક સાથે તેને ઈશ્ક થઈ ગયો છે. અત્યારે તેની પાસે બે જ ફિલ્મ છે પણ ફરહાન અખ્તર તેને ‘ડોન-4’માં લેવા તત્પર છે. જો તેવું થશે તો તે વધારે ખુશ થશે. હમણાં 23 ઓગસ્ટે જ વાણીની બર્થ ડે ગઈ અને તે ઈચ્છે છે કે આવતી બર્થ ડે પહેલાં તેની રણબીર સાથેની ‘શમશેરા’ અને આયુષ્યમાન સાથેની ફિલ્મો તો રજૂ થઈ જ જશે અને તે મોટી સફળતાની આશા રાખી શકે એ રીતે બંને પર કામ થયું છે. ‘શમશેરા’ને તો તે હુકમનો એક્કો માને છે. કિયારા સામે કે અન્ય કોઈ સામે તે સીધી સ્પર્ધામાં નથી છતાં ફિલ્મજગતમાં સફળતા જ અગત્યની છે. આદિત્ય ચોપરા હંમેશા તેનો આગ્રહ રાખે છે એટલે ઘણા માને છે કે આદિત્ય સાથે તેને લફડુ છે પણ એવી ચર્ચા તો ફેશન ડિઝાઈનર નિખીલ થમ્પી સાથેના લફડાની ય છે. ફિલ્મલાઈનમાં હો તો લફડાઓ ચર્ચાવા જ લાગે અને તે તો સ્પષ્ટ કહે પણ છે કે મારા ફેવરીટ દિગ્દર્શકોમાં એક રાજકુમાર હીરાની તો બીજા આદિત્ય ચોપરા છે. તે તો કહે છે કે મારા લફડાની નહીં,  ફિલ્મોની ચર્ચા કરજો.

Most Popular

To Top