Comments

ગુજરાતના રાજકારણમાં ત્રીજી પાર્ટી બીજી પાર્ટી બની જશે!

ગુજરાતના વરસાદી વાતાવરણમાં વરસાદની સાથે વચનોની ‘હેલી’ શરૂ થઇ છે. વર્ષ 2017 માં ચૂંટણી જીતતાં જીતતાં હારી જનારી કોંગ્રેસ પાર્ટીને હજી હમણાં સુધી એવું હતું કે ગુજરાતમાં બે પાર્ટી પોલીટીકસ જ ચાલે છે અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી કદી ચાલી નથી. વાત સાચી છે, પણ કેટલાક નિશ્ચિત પરિપ્રેક્ષ્યમાં જ, જેમ કે ગુજરાતમાં અત્યાર સુધી ત્રીજી પાર્ટી ચાલી નથી તેનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં એક રાજકીય વિકલ્પ તરીકે સ્વતંત્ર રીતે ત્રીજી પાર્ટી સ્થપાઇ જ નથી. મોટે ભાગે પક્ષના જ અસંતોષને લીધે પક્ષના જ લોકોએ બીજી પાર્ટી રચી હોય તો આ ‘અસંતુષ્ટ જૂથ’ને પ્રજાએ પક્ષ બનવા દીધું નથી. વળી કોંગ્રેસમાંથી નીકળીને જનતા દળ અને પછી જનતા દળ ગુજરાત બનાવનાર ચીમનભાઇ પટેલ અને તેમની પાર્ટી ટેકનીકલી તો ચાલ્યા જ હતા અને સત્તા પણ મેળવી હતી. એટલે ગુજરાતમાં ભાજપમાંથી છૂટા પડીને પાર્ટી બનાવનારા નથી ચાલ્યા, પણ કોંગ્રેસમાંથી છૂટા પડી પાર્ટી બનાવનારા ચાલ્યા છે! એમ માની શકાય!

જો કે અત્યાર સુધી નથી બન્યું તે હવે નહીં બને તેમ માનવું પણ ભૂલભરેલું છે. ‘આમ આદમી પાર્ટી’ અને તેના આગેવાન નેતાઓ જે રીતે ગુજરાતના ગામે – ગામ ફરી રહ્યા છે તે જોતાં તે સત્તામાં આવે કે ન આવે પણ ચર્ચામાં જરૂર આવી ગયા છે. મફત વીજળી, મફત પાણીની ચર્ચા તરફેણ કરનારા અને વિરોધ કરનારા બન્ને કરવા માંડયા છે અને વડાપ્રધાનશ્રીના ‘રેવડી’ મુદ્દા પછી તો કોર્ટ સુધી વાત ચર્ચાવા લાગી છે. ત્રીસ વર્ષથી ગુજરાતમાં સત્તા બહાર રહેનારી કોંગ્રેસ જો ખરેખર આત્મચિંતન કરે તો એણે વિચારવું જોઇએ કે તે કેમ આવી એક ચર્ચા પણ ઊભી ન કરી શકી? કેજરીવાલ જે વચનો આપે છે તે પૂરાં કરશે કે કેમ તે ખબર નથી, પણ વર્તમાન ભાજપ સરકારના કાને તે પોલીસ ગ્રે પેડ, ડ્રાઈવર-કંડકટરના પગાર, ખાલી પડેલ શિક્ષકોની ભરતી જેવા અનેક મુદ્દા મૂકી ચૂકયા છે તે સ્વીકારવું પડશે!

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગત શાસક પક્ષ કોંગ્રેસ જ જીતવાની શકયતા હતી. પણ આપની એન્ટ્રીથી જીતી ગઇ ભાજપ. ભાજપ વિરુધ્ધના મત વહેંચાઇ ગયા. ઘણા જાણકારોને ગુજરાત વિધાન સભામાં પણ આવું જ થવાનાં એંધાણ છે. આપ અને કોંગ્રેસમાં મત વહેંચાશે તો ભાજપ 150 થી વધુ બેઠક મેળવશે! પણ જો શહેરી મતદાતાઓમાં આપ ગાબડું પાડે તો ભાજપને નુકસાન થાય. કેટલાંક લોકો રાજકારણની ચર્ચામાં માત્ર જીત કેટલી સીટ પર મેળવી તે જ જુએ છે, પણ ખરેખર મતદાન ટકાવારી પણ જોવાય. એક સાવ નવી પાર્ટીને 19% વોટ મળે તે નાની વાત નથી. ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનવા ઊભી થયેલી તમામ પાર્ટીઓ ચૂંટણી પત્યા બાદ અદૃશ્ય થઇ ગઇ છે જયારે ‘આપ’ પાર્ટીમાં આવું થવાનું નથી. સુરત અને ગાંધીનગર બાદ હવે તેઓ આખા ગુજરાતમાં સતત કામ કરતા રહેવાનાં એંધાણ છે. ચૂંટણી લડવા માટે ફંડ જોઇએ અને મીડીયા કવરેજ માટે પણ રૂપિયા જોઇએ. ‘આપ’ આ ફંડ પણ હેન્ડર કરી રહ્યું તેમ લાગે છે અને પ્રજાના અગત્યના પ્રશ્નો વિષે રોજ નિવેદન આપવાનાં શરૂ કર્યાં છે.

આપને એક પાર્ટી તરીકે હજુ 182 ઉમેદવાર મેળવવાના છે. ગુજરાતના ચૂંટણી બુથનું મેનેજમેન્ટ ગોઠવવાનું છે. રસ્તો લાંબો છે, દિવસો ટૂંકા છે. હાલના તબકકે તે ભાજપને હરાવવા કરતાં કોંગ્રેસને હરાવવામાં ફાળો આપે તેવું લાગે છે. પણ આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં ત્રીજો પક્ષ સફળ થશે કે નહીં તેની. પણ ખરી વાત તો એ છે કે ગુજરાતમાં ઘણા સમયથી બીજો પક્ષ જ નથી, તો ત્રીજો ગણવાની વાત જ કયાં? એટલે ‘આપ’ ત્રીજો પક્ષ બનશે કે નહીં તે કરતાં બીજો પક્ષ બની જશે તે મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટી રાજનીતિના વાતાવરણને જે ઝડપે સમજે છે તે ઝડપે કોંગ્રેસ સમજતી નથી. વળી ગુજરાતમાં ચૂંટણીને માંડ બે – ત્રણ મહિના આડા છે. પણ ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કયાંય દેખાયા નથી. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલાઇ જ જાય છે તે ન્યાયે ભાજપના બદલે કોંગ્રેસ આવી હતી. હવે આ વખતે રાજસ્થાનમાં જો કોંગ્રેસ ફરી જીતે તો ઇતિહાસ બને અને તો શ્રી અશોક ગેહલોતની બાજીગીરી માની શકાય પણ એ તો ગુજરાત સાથે જ ખબર પડવાની છે તો અશોક ગહેલોતના આધારે ગુજરાત જીતવાની વાત કોંગ્રેસ કઇ રીતે વિચારે છે તે જ રાજકીય સમજની બહાર છે.

ટૂંકમાં ગુજરાતમાં ત્રીજી નહીં, બીજી પાર્ટીની જ જરૂર છે. એક સાતત્યપૂર્ણ વિપક્ષ જોઇએ જ તેવું હવે પ્રજા ગુજરાતમાં પણ માનવા લાગી છે. વળી આપની જાહેરાતો સૌ ને શિક્ષણ ફી, આરોગ્ય સુવિધાઓ, રોજગારી માટે સરકારી ભરતીની ચર્ચા કરતા કરી દેશે તેમાં બેમત નથી. કદાચ આ વખતે ચૂંટણી પ્રચારમાં વર્ષો પહેલાંનાં કોમી હુલ્લડો, કરફયુની વાતો થવાના બદલે તલાટીની ભરતી, કોન્ટ્રાકટ પ્રથાની નાબૂદી, વીજળી બીલ ઘટાડાની ચર્ચાઓ થશે તે નકકી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top