Comments

ઝારખંડ રાજ્યમાં ૨૩ વર્ષમાં ૧૧ વખત મુખ્ય મંત્રીઓ બદલાયા છે

ઝારખંડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. લાંબી પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની ધરપકડ કરી છે. તે જ સમયે તમામ અટકળો વચ્ચે વિધાનસભા પક્ષે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે ચંપાઈ સોરેનના નામને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં આ સવાલ વારંવાર ઊઠી રહ્યો છે કે ચંપાઈ સોરેન કોણ છે, જે ઝારખંડના નવા મુખ્ય મંત્રી બનશે? ચંપાઈ સોરેન હાલમાં હેમંત સોરેન સરકારમાં કેબિનેટ મંત્રી છે અને સોરેન પરિવારની નજીક છે.

તેમની પાસે પરિવહન અને આદિજાતિ કલ્યાણ જેવાં મંત્રાલયોની જવાબદારીઓ છે. ચંપાઈ સોરેન ઉચ્ચ કક્ષાના ઈમાનદાર નેતા તરીકે ઓળખાય છે. ઝારખંડના ભૂતપૂર્વ આંદોલનકારી ચંપાઈ સોરેને રાજ્યના આંદોલનમાં મોટું યોગદાન આપ્યું છે. વિભાજન છતાં તેઓ શિબુ સોરેનની પડખે ઊભા રહ્યા હતા. ૧૯૯૧માં સ્વતંત્ર ધારાસભ્ય બન્યા બાદ તેમણે ઝારખંડ મુક્તિ મોરચા સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ ૨૦૦૫ થી સતત ચૂંટણીઓ જીતી રહ્યા છે.

ચંપાઈ સોરેન ભાજપ અને જેએમએમ સંગઠનમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમણે ૨૦૧૯ની ચૂંટણીમાં કોલ્હાન ક્ષેત્રમાં ઝારખંડ મુક્તિ મોરચાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચંપાઈ સોરેને કોરોના મહામારી દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે ઝારખંડનાં ફસાયેલાં મજૂરોને સોશ્યલ મિડિયા દ્વારા મદદ કરી હતી, જેની વ્યાપક ચર્ચા થઈ હતી. આ પછી પણ ઝારખંડનાં લોકો પોતાની ફરિયાદો માટે ચંપાઈ સોરેન પાસે મદદ માગતા રહ્યા હતા.

હેમંત સોરેનની કેબિનેટમાં મુશ્કેલીનિવારક તરીકે જાણીતા ચંપાઈ સોરેન સંથાલ આદિવાસી છે. ઝારખંડની રાજનીતિમાં સંથાલ ક્ષેત્રને ઉપેક્ષિત માનવામાં આવતું હતું, પરંતુ જેએમએમએ ચંપાઈ સોરેનને મુખ્ય મંત્રીનું પદ આપીને આ માન્યતાને તોડવાનો નિર્ણય કર્યો છે. ૨૩ વર્ષમાં ઝારખંડમાં ૧૧ વખત મુખ્ય મંત્રીઓ બદલાયા છે. ૧૧ વખતમાં માત્ર ૬ લોકોને જ મુખ્યમંત્રી બનવાની તક મળી છે. અર્જુન મુંડા અને શિબુ સોરેન ત્રણ-ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

હેમંત સોરેન સામે બે અલગ અલગ કેસો ચાલી રહ્યા છે. પહેલો મામલો ગેરકાયદેસર માઇનિંગ લીઝ સાથે સંબંધિત છે, જ્યારે બીજો ગેરકાયદે જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. હેમંત સોરેન વિરુદ્ધ સત્તાવાર પદના દુરુપયોગનો કેસ પણ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે આ સંબંધિત રિપોર્ટ રાજ્યપાલને સોંપી દીધો છે. જમીન કૌભાંડ કેસની તપાસ સર્કલ ઓફિસર પાસેથી શરૂ કરવામાં આવી હતી. આ પછી તપાસ આગળ વધી અને એશ્યોરન્સ રજિસ્ટ્રાર ઓફિસ સુધી પહોંચી હતી, જેમાં નકલી દસ્તાવેજો દ્વારા સેંકડો એકર જમીનના બનાવટી સોદા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે અને તેમાં નાની મોટી ઓફિસના અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે.

આ બધાનો તાર આખરે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન સુધી જોડાઈ રહ્યો હતો. આ મામલો ભારતીય સેનાની જમીનના સોદા સાથે જોડાયેલો છે. બનાવટી નામ અને સરનામાના આધારે સેનાની જમીનની ખરીદી અને વેચાણ થતું હતું. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. ઇડીએ એ જ એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં હેમંત સોરેનને વારંવાર સમન્સ જારી કરવામાં આવી રહ્યા હતા. જમીન કૌભાંડ કેસમાં ભારતીય વહીવટી સેવાના અધિકારી છવી રંજન અને બે ઉદ્યોગપતિઓ સહિત ૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

છવી રંજન તે સમયે ઝારખંડના સમાજ કલ્યાણ વિભાગના નિયામક અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જમીન કૌભાંડ ઉપરાંત, તપાસ એજન્સી ગેરકાયદેસર ખાણકામમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ અંતર્ગત એજન્સીએ હેમંત સોરેનના મિડિયા સલાહકાર, સાહિબગંજ જિલ્લાના અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યના પરિસરમાં દરોડા પાડ્યા હતા. ઇડીએ સાહિબગંજ જિલ્લામાં કુલ ૨૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા તેના હાથમાં આવ્યા છે.

એજન્સીએ સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાના ઘરેથી ૫.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા અને કહ્યું હતું કે તેમનાં ૨૭ બેંક ખાતાંઓમાં ૧૧ કરોડ રૂપિયા જમા છે. આ પછી ઇડીએ પંકજ મિશ્રાને પણ સમન્સ જારી કર્યા અને પછી ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેમની ધરપકડ કરી હતી. આ પછી એજન્સીએ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં જેએમએમના પૂર્વ કોષાધ્યક્ષ રવિ કેજરીવાલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. હેમંત સોરેને મિશ્રલ સંથાલ પરગણામાં પથ્થર અને રેતીના ખનનમાંથી આવતાં નાણાં સીધા પ્રેમ પ્રકાશને સોંપવા કહ્યું હતું. ઇડીએ એ જ વર્ષે ૨૫ ઓગસ્ટે પ્રેમ પ્રકાશની ધરપકડ કરી હતી.

હેમંત સોરેનના રાજીનામા બાદ તેમનું નામ પણ એવાં લોકોની યાદીમાં સામેલ થઈ ગયું છે, જેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. ઝારખંડ રાજ્યની રચના નવેમ્બર ૨૦૦૦માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર એક જ મુખ્યમંત્રી રહ્યા છે, જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. ઝારખંડ રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ભાજપના બાબુલાલ મરાંડી હતા, જેમણે ૧૫ નવેમ્બર ૨૦૦૦ના રોજ મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ પક્ષમાં વિરોધાભાસને કારણે ૨ વર્ષ, ૪ મહિના અને ૩ દિવસ પછી તેમણે મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી અર્જુન મુંડાને સુકાન સોંપવામાં આવ્યું હતું. તેઓ ૧૮ માર્ચ ૨૦૦૩ થી ૨ માર્ચ ૨૦૦૫ સુધી રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા હતા. આ પછી શિબુ સોરેન મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેઓ માત્ર ૧૦ દિવસ જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. શિબુ સોરેન પછી અર્જુન મુંડા ફરી એક વાર મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા અને તેમણે ૧૨ માર્ચ ૨૦૦૫ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી રાજ કર્યું હતું.

આ પછી રાજ્યના અપક્ષ ધારાસભ્ય મધુ કોડા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ૧૮ સપ્ટેમ્બર ૨૦૦૬ થી ૨૮ ઓગસ્ટ ૨૦૦૮ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. મધુ કોડા બાદ શિબુ સોરેનને ફરી એક વાર રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે તેઓ ૨૮ ઓગસ્ટ ૨૦૦૮ થી ૧૮ જાન્યુઆરી ૨૦૦૯ સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા અને ત્યાર બાદ ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ થી ૨૯ ડિસેમ્બર ૨૦૦૯ સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ પછી શિબુ સોરેને ફરી એક વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ વખતે તેઓ ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ થી ૩૧ મે ૨૦૧૦ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ઝારખંડમાં અનેક વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ૧ જૂન, ૨૦૧૦ના રોજ ઝારખંડ રાજ્યમાં ફરી એક વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રપતિ શાસન ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦ સુધી ચાલ્યું હતું.

આ પછી અર્જુન મુંડા ફરી એક વાર મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. તેઓ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ થી ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ સુધી મુખ્યમંત્રી હતા. આ પછી ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ થી ૧૩ જુલાઈ ૨૦૧૩ સુધી રાજ્યમાં ફરી એક વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા પછી હેમંત સોરેન ૧૩ જુલાઈ ૨૦૧૩ થી ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. આ પછી વર્ષ ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી હતી. ઝારખંડને રઘુવર દાસના રૂપમાં પ્રથમ મુખ્યમંત્રી મળ્યા હતા, જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ઝારખંડ રાજ્યમાં હેમંત સોરેન ઉપરાંત તેમના પિતા શિબુ સોરેન અને ભૂતપૂર્વ અપક્ષ મુખ્યમંત્રી મધુ કોડા પણ જેલની હવા ખાઈ
ચૂક્યા છે.

Most Popular

To Top