Editorial

રિલાયન્સમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે

દેશના અગ્રણી ઉદ્યોગજૂથ રિલાયન્સમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે એ સોમવારે આ ગ્રુપની મળેલી ૪૫મી વાર્ષિક સાધારણ સભામાં સ્પષ્ટ થઇ ગયું. ગ્રુપના વડા મુકેશ અંબાણીએ કંપનીના શેર હોલ્ડરોની આ સભામાં આ કંપની  જૂથના કેટલાક ધંધાઓનું સુકાન પોતાના સંતાનોને સોંપવાની જાહેરાત કરી અને આ સાથે હવે આ અગ્રણી ઉદ્યોગ જૂથનું સુકાન હવે ધીમે ધીમે ત્રીજી પેઢી પાસે જઇ રહ્યું છે. રિલાયન્સની સ્થાપના ધીરૂભાઇ અંબાણીએ કરી હતી. શૂન્યમાંથી  સર્જન જેવું તેમનું કામ હતું તે બાબતો તો જાણીતી છે.

ધીરૂભાઇ અંબાણીએ પોતાના બંને પુત્રો મુકેશ અને અનિલને બાપના ધંધા પર સીધે સીધા બેસાડી દેવાને બદલે તેમને ઉચ્ચ શિક્ષીત કર્યા અને પછી તેમને ધંધાનું સુકાન સોંપ્યું. જો કે  કમનસીબે ધીરૂભાઇના અવસાન પછી બંને ભાઇઓમાં ધીમે ધીમે ખટરાગ શરૂ થયો અને રિલાયન્સ સામ્રાજ્યના બે ફાડચા થયા. આમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે મુકેશ અંબાણીનું કંપની જૂથ છે તે આજે દેશનું મૂલ્યની દષ્ટિએ સૌથી  મોટું કંપની જૂથ છે અને નાના અનિલ અંબાણીના અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપની કેવી દુર્દશા થઇ છે તે પણ જાણીતી બાબત છે. હવે મુકેશના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ છે.

મુકેશ અંબાણી હવે ૬પ વર્ષના થયા છે. તેઓ ભલે યુવાન દેખાતા હોય પણ વધતી વય વિશે તેઓ સમજદારી ધરાવતા હોય જ અને તે મુજબ જ તેમણે ધીમે ધીમે ધંધાઓનું સુકાન સંતાનોને સોંપવાનું શરૂ કર્યું છે. ૬પ વર્ષીય અંબાણીએ  પોતાના ત્રણ સંતાનો કયા ધંધાઓનું સુકાન સંભાળશે તેની પણ જાહેરાત એજીએમમાં કરી હતી જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભારતની આ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીનો વહીવટ વારસદારોને સોંપવાનું શરૂ થઇ રહ્યું છે. રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ)ની સોમવારે મળેલી ૪૫મી વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીએ પોતાના વારસા સોંપણી આયોજનની જાહેરાત કરી હતી જે મુજબ જોડીયા ભાઇ-બહેન આકાશ અને ઇશા ટેલિકોમ અને રિટેલ બિઝનેસની  ધુરા સંભાળશે અને સૌથી નાનો પુત્ર અનંત નવા એનર્જી યુનિટનું સુકાન સંભાળશે.

મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઇશાને પોતાના મહાકાય ધંધાકીય જૂથના રિટેલ બિઝનેસના વડા તરીકે જાહેર કરી હતી જયારે તેમણે દેશની સૌથી મૂલ્યવાન  કંપનીના વારસાઇ આયોજનની વિગતો આ સભામાં આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી આ પહેલા જ પોતાના ગ્રુપની ટેલિકોમ શાખા રિલાયન્સ જીઓના અધ્યક્ષ તરીક પુત્ર આકાશનું નામ જાહેર કરી ચુક્યા છે. કંપનીના શેર હોલ્ડરોની  ૪૫મી વાર્ષિક સભામાં અંબાણીએ પોતાની પુત્રીને રિટેલ બિઝનેસને વૉટ્સએપ સાથે સાંકળવા બાબતે બોલવાનું આમંત્રણ આપ્યું હતું.

૩૦ વર્ષીય ઇશાએ ઓનલાઇન કરિયાણુ મંગાવવા માટે વૉટ્સએપનો ઉપયોગ કરીને ઓર્ડરો મૂકવા અને  પેમેન્ટ કરવા અંગેની વ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. મુકેશ અંબાણીને ત્રણ સંતાનો – જોડીયા આકાશ અને ઇશા તથા નાનો પુત્ર અનંત છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રુપના અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા  છે. નાના પુત્ર ૨૬ વર્ષીય અનંતને ઓટુસી અને નવા એનર્જી બિઝનેસનું સુકાન મળી શકે છે. મુકેશ અંબાણીએ અલબત્ત, ભારપૂર્વક જણાવ્યું હતું કે પોતે નિવૃત્ત થઇ રહ્યા નથી અને ગ્રુપને અગાઉની જેમ જ દોરવણી આપતા રહેશે.

તેમણે  જણાવ્યું હતું કે મજબૂત માળખુ ઉભુ કરવામાં આવીર રહ્યું છે જે એ સુનિશ્ચિત કરશે કે રિલાયન્સ એક એકતાપૂર્ણ, સુસંકલિત અને સલામત સંસ્થા બની રહે અને ૨૦૨૭માં જ્યારે કંપનીનો સુવર્ણ દાયકો આવે ત્યારે તેનું મૂલ્ય બમણા કરતા વધારે  હોય. આશા રાખીએ કે મુકેશના સંતાનોમાં કોઇ વિખવાદો થાય નહીં અને આ કંપની જૂથ એક મજબૂત બિઝનેસ ગ્રુપ તરીકે આગળ વધતું રહે અને દેશને લાભ પહોંચાડતું રહે. તેમણે પોતાના નવા હરિફ અદાણી સામે પણ ટક્કર લેવાની છે અને  આ બધા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝમાં એકતા જળવાઇ રહે અને કોઇ વિખવાદ થાય નહીં તે જરૂરી છે.

આમ તો ભારતમાં બિરલા અને ટાટા ઉદ્યોગ જૂથો ઘણા જૂના છે. અન્ય પણ ઉદ્યોગ જૂથો અને ઉદ્યોગપતિ કુટુંબો છે. અનેક ઔદ્યોગિક જૂથોમાં કંકાસ થયો છે. અઢળક ધન સંપત્તિ અને તેની વહેંચણીની બાબત વિખવાદો કરાવે છે. ટાટા જૂથમાં  તો સીધી લીટીના વારસદારોના અભાવે વિચિત્ર પ્રકારની સ્થિતિ વચ્ચે આ જૂથ પર કાબૂ માટે કેવો વિખવાદ થયો તે જાણીતી બાબત છે. ધીરૂભાઇ અંબાણીએ ઉભા કરેલા રિલાયન્સ સામ્રાજ્યના બે ફાડચા એક વખત તો થઇ ચુક્યા છે. હવે  આમાંથી મુકેશ અંબાણીના ગ્રુપનો પ્રભાવ ઘણો જ વધારે છે અને આ જૂથમાં હવે વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે એવી આશા રાખવી અસ્થાને નથી કે આ જૂથના હવે ફાડચા થાય નહીં. કોઇ પણ મોટા ઔદ્યોગિક જૂથને કારણે હવે  તો લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળતી હોય છે અને આવા જૂથોમાં મોટી હલચલ ઘણા બધા લોકોને અસર કરતી હોય છે.

Most Popular

To Top