Dakshin Gujarat

મારા પર હુમલાનું કાવતરૂ પૂર્વ આયોજિત : અનંત પટેલ

વાંસદા(Vansda) : ધારાસભ્ય(MLA) અનંત પટેલ(Anant Patel) ખેરગામ(Khergam)ની મુલાકાતે ગયા હતા એ દરમિયાન તેમના પર હુમલો(Attack) કરી અને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અદિવાસી સમાજમાં અનંત પટેલની લોકપ્રિયતા એટલા માટે છે કે, તેઓ દરેક મંચ પર આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપતા હોય છે અને અદિવાસી સમાજના આગેવાન બની જળ, જંગલ અને જમીનની જાળવણીમાં આદિવાસી સમાજની પડખે હંમેશા રહેતા હોય છે. જેના કારણે સમાજનો મોટો વર્ગ એમાં પણ ખાસ યુવાનોમાં લોકપ્રિય નેતા છે, એવા સમયમાં એમના પર થયેલા હુમલાએ વાતાવરણને તંગ બનાવી દીધું છે.

  • વાંસદાના ધારાસભ્ય પર હુમલા બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ
  • ધારાસભ્ય હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ, સુખરામ રાઠવા અને અમિત ચાવડાએ મુલાકાત લીધી

આ બાબતે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુ હતુ કે આ કાવતરૂ પૂર્વઆયોજિત એટલા માટે લાગી રહ્યું છે કે મારી મીટીંગની એમને ખબર પડી ગઈ હતી. એમણે એમના ગ્રુપમાં પણ મેસેજો નાખ્યા હતા કે આ દુકાન પાસે ભેગા થવું અને અનંત પટેલ આવે એટલે હુમલો કરવો કે જવાબ માંગવો. એવું મને પાછળથી ઘણા બધાએ સ્ક્રીન શોર્ટ મોકલાવ્યા અને બતાવ્યા છે એટલે પૂર્વયોજિત લાગી રહ્યું છે. આદિવાસી સમાજ વિશે ગાળો આપી અને જાનથી મારી નાખવાની વાત કરી તેમજ સાથે આવેલા અન્ય લોકોએ માર મારવાનું ચાલુ કરી દીધું હતું.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ચિંતા વ્યક્ત કરી
ધારાસભ્યની લોકચાહના હોવાથી નવરાત્રીમાં અનંત પટેલના નામનો ગરબો યુવાન દ્વારા ગાવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અનંત પટેલ જ ચાલે એવો વીડિયો મુકનાર યુવાનને કેટલાક શખ્સોએ ધમકી આપતા વીડિયો ડીલીટ કરી દેવાયો હતો. આ ઘટના બાદ અનંત પટેલ જ્યારે ખેરગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ઘણો આક્રોશ ફેલાયો હતો. હાલ ધારાસભ્ય અનંત પટેલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. જે દરમિયાન સુખરામ રાઠવા અને અમિત ચાવડાએ તેમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ ટ્વિટ કરી પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

આદિવાસી સમાજને ડરાવવાનો આ હુમલા પાછળનો આશય છે.
ધારાસભ્ય અનંત પટેલ પરનો હુમલો એ અનંત પટેલ પરના હુમલા કરતા આદિવાસી સમાજ અને આદિવાસી સમાજની અસ્મિતા પરનો હુમલો વધારે છે. આદિવાસી સમાજ પોતાના અધિકાર માટે આંદોલન કરે ત્યારે એમને દબાવવાનો, ડરાવવાનો, ધમકાવવાનો અને આંદોલન તોડવાનો આ હુમલા પાછળનો મુખ્ય આશય રહેલો છે. – અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ

ભાજપ વર્સીસ કોંગ્રેસની વિચારસરણી પર હુમલો
આદિવાસીઓના જળ, જંગલ અને જમીન માટે લડતા અમારા મિત્ર અનંત પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એ ભાજપ વર્સીસ કોંગ્રેસની વિચારસરણી પર હુમલો કરવામાં આવ્યો છે. સમસ્ત આદિવાસી સમાજ ઉપર તેમજ ગુજરાતના કોંગ્રેસી કાર્યકર્તાઓ પર એક કાવતરું છે. એના વિરુદ્ધમાં કલેક્ટર કચેરીઓ અને ટ્રાયબલ તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. – સુખરામ રાઠવા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા

Most Popular

To Top