Business

જીવનનો ક્રમ

એક ઝેન ગુરુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા.ગામલોકોએ અને નગરશેઠે તેમનું સ્વાગત કર્યું.નગરશેઠે તેમને પોતાની હવેલી પર બોલાવ્યા અને પછી વિનંતી કરી કે, ‘ગુરુજી, આ મારી નવી હવેલીમાં તમારાં પગલાં પડ્યાં એટલે બહુ શુભ થયું. હવે મારી એક વિનંતી છે કે તમે એક શુભાશિષ આપતો સંદેશ આશીર્વાદ રૂપે લખી આપો, જેને વાંચીને મારી આવનારી બધી પેઢીઓ આનંદિત રહે.સુખી રહે.’ ઝેન ગુરુએ કહ્યું, ‘સારું. લાવો કાગળ અને પેન.’શેઠે સુંદર કાગળ અને લાલ કલમ તૈયાર જ રાખ્યાં હતાં.તે ઝેન ગુરુને આપ્યાં અને ગુરુ તેની પર સંદેશ લખવા લાગ્યા.સંદેશ લખીને ઝેન ગુરુએ ધનિક નગરશેઠના હાથમાં આપ્યો.બહુ ઉત્સાહથી નગરશેઠે તે સંદેશો હાથમાં લીધો અને વાંચવા લાગ્યા. જેમ જેમ સંદેશો વાંચતા ગયા, તેમનું મુખ અને આંખ ગુસ્સાથી લાલ થઇ ગયાં.મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ઝેન ગુરુએ સંદેશમાં લખ્યું હતું કે —‘આપના કુટુંબમાં દાદા મૃત્યુ પામે …પછી પિતા મૃત્યુ પામે…પછી પુત્ર મૃત્યુ પામે …પછી પૌત્ર મૃત્યુ પામે ….બસ આમ જીવનક્રમ ચાલતો રહે.’


આવો સંદેશ વાંચીને નગરશેઠ ગુસ્સે થઇ ગયા અને તાડૂકી ઊઠ્યા કે, ‘આ શું અભદ્ર અને અશુભ લખ્યું છે.મેં તમે મારી આવનારી પેઢીઓ માટે શુભાશિષ લખીને આપવા કહ્યું, પણ તમે તો આવો મૃત્યુ વિશેનો અશુભ સંદેશ લખી આપ્યો.’ ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘શેઠ, મગજ શાંત કરો અને શાંતિથી ફરી ફરી વાંચો. આ શુભ સંદેશ જ છે.આમ થશે તો જ તમારો પરિવાર અને આવનારી પેઢીઓ આનંદિત અને સુખી રહી શકશે .’શેઠજી બોલ્યા, ‘આ સંદેશમાં વળી શુભ શું છે?’
ઝેન ગુરુએ શેઠની પાસે જઈને તેમને ખભા પકડીને બેસાડ્યા પછી કહ્યું, ‘શેઠ,આ જીવનનો ક્રમ છે.મૃત્યુ તો જીવનનું સત્ય છે. દરેક જન્મ પામનારનું મૃત્યુ તો નિશ્ચિત જ છે.

પણ જો તે મૃત્યુ મેં લખ્યું છે તે પ્રમાણે ક્રમ મુજબ ન આવે તો તમે જીવતા હો અને તમારો પુત્ર કે પૌત્ર તમારી નજર સામે મૃત્યુ પામે તો શું થાય? શું પરિવારમાં કોઈ આનંદ રહેશે ખરો ..કોઈ સુખી થઈ શકશે ખરું? તમારી પેઢી જીવનના ક્રમ પ્રમાણે જીવે અને ક્રમ મુજબ મૃત્યુ પામે તે બધા માટે સુખમય અને આનંદ આપનારું રહેશે.’શેઠ હવે સંદેશમાં છુપાયેલો શુભાશિષ સમજ્યા અને ઝેન ગુરુની માફી માંગી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top