Editorial

જુનું સંસદ ભવન હવે ઇતિહાસ બને છે

દેશની સંસદ હવે નવા ભવન ખાતે મળી રહી છે. મંગળવારથી નવા સંસદ ભવનમાં તેની બેઠકો શરૂ થઈ ગઈ છે અને આ સાથે જ જુનું સંસદ ભવન હવે ઇતિહાસનો એક ભાગ બની ગયું છે. નવી દિલ્હીમાં ઓલ્ડ પાર્લામેન્ટ હાઉસ એ 18 જાન્યુઆરી 1927 અને 15 ઓગસ્ટ 1947 વચ્ચે શાહી વિધાન પરિષદની, 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950 વચ્ચે ભારતની બંધારણ સભા અને ભારતની સંસદની બેઠક હતી. 26 જાન્યુઆરી 1950 અને 18 સપ્ટેમ્બર 2023 ની વચ્ચે 73 વર્ષ સુધી, તે ભારતની દ્વિગૃહ સંસદમાં અનુક્રમે નીચલા અને ઉપલા ગૃહો લોકસભા અને રાજ્યસભાની બેઠક રહ્યુ.

તેની ઇમારત બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તેનું નિર્માણ 1921 અને 1927 ની વચ્ચે કરવામાં આવ્યું હતું. તે જાન્યુઆરી 1927 માં ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલની બેઠક તરીકે ખોલવામાં આવ્યું હતું. ભારતમાંથી અંગ્રેજોની પીછેહઠ બાદ, ભારતની બંધારણ સભા દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો, અને પછી ભારતીય સંસદ તરીકે ૭૩ વર્ષ તરીકે સંસદ ભવન તરીકે રહ્યું. હાલની સરકારે અંગ્રેજોએ બનાવેલ આ ભવનમાંથી સંસદ બીજી જગ્યાએ ખસેડવાનો નિર્ણય કર્યો અને નવા સંસદ ભવનનું નિર્માણ શરૂ કરાવ્યું.

2020 થી 2023 દરમિયાન ત્રિકોણાકાર પ્લોટ પર આ જ ઇમારતની નજીક બાંધવામાં આવેલ નવા સંસદ ગૃહનું 28 મે 2023 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે ભારત સરકારના સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગ રૂપે બનાવવામાં આવ્યું છે. નવી ઇમારતમાં સંસદીય પ્રક્રિયાઓને સ્થાનાંતરિત કરવા પર, વડા પ્રધાન મોદીએ તેને એક એવી ક્ષણ ગણાવી જે ‘ભૂતકાળને ભવિષ્ય સાથે જોડે છે.’ તેમણે કહ્યું કે સાંસદો ‘નવી આશા અને વિશ્વાસ સાથે નવા બિલ્ડિંગમાં પ્રવેશ કરશે.

મોદીએ કહ્યું, “આજે આપણી પાસે ભૂતકાળ સાથે જોડાવવાની તક છે. અમે ભવિષ્યની આશા સાથે આ ઇમારતને છોડી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે નવા સંસદ ભવનમાં પ્રવેશતા જ અમે નવી આશા અને આત્મવિશ્વાસ સાથે ત્યાં જઈશું.” વડા પ્રધાને સોમવારે તેમનો “હેરિટેજ બિલ્ડિંગનો છેલ્લો દિવસ” “આઝાદી પછીથી આ બિલ્ડિંગમાં સેવા આપનારા 7,500 થી વધુ સંસદસભ્યોને” સમર્પિત કર્યો. “આપણે ભલે નવી ઇમારતમાં જઈએ, પરંતુ જૂની ઇમારત આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપશે.

આ ભારતની યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રકરણ છે,” એમ મોદીએ કહ્યું. તેમણે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ત્યારપછીના નેતાઓ, જેમાં લાલ બહાદુર શાસ્ત્રી, પીવી નરસિમ્હા રાવ અને અટલ બિહારી વાજપેયીનો સમાવેશ થાય છે, તેમના વિઝનની પણ પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું કે સંસદમાં જવાહરલાલ નેહરુના ‘મધ્યરાત્રીના સ્ટ્રોક’ના પડઘા અમને સતત પ્રેરણા આપતા રહેશે. સંસદ જેમને સાંભળવા તત્પર રહેતી તે વાજપેયીને પણ તેમણે સ્વાભાવિક રીતે યાદ કર્યા. નહેરુનું સ્મરણ કર્યું તે ઘણું સારું કર્યું. હવે જૂનાં સંસદ ભવનનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ સરકારી સૂત્રો કહે છે કે ઇમારતને તોડી પાડવામાં આવશે નહીં. તેને સાચવી રખાશે, તેના એક ભાગમાં કદાચ મ્યુઝિયમ પણ બનાવાય. દેશને હવે જ્યારે નવું સંસદ ભવન મળી ગયું છે ત્યારે તેમાં તમામ સંસદીય કાર્યવાહી સુચારુ ઢબે થાય એવી અપેક્ષા રાખવી અસ્થાને નહીં હોય.

Most Popular

To Top