Business

ક્રિપ્ટો કરન્સીની આંટીઘૂંટી

આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં આવેલી તેજીને કારણે હાલમાં શીબા ઇનુ દુનિયાની સાતમી સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બની ચૂકી છે. ક્રિપ્ટો કરન્સી શબ્દ આપણે માટે હવે નવો નથી પણ આપણને એના વિશે એટલું બધું પણ નથી ખબર કે એક્સપર્ટની માફક પાનના ગલ્લે કે ચાની લારી પર સલાહ આપી શકીએ.  છતાંય તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં ૧૫ જેટલા હોમગ્રોન એટલે કે લોકલી શરૂ થયેલા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ્સ છે. માળું તમને થશે કે આપણે તો કશું રોકાણ કર્યું નથી, બિટ કોઇન અને એવું બધું સાંભળ્યું છે.

વળી સુરતમાં જ ક્રિપ્ટો કરન્સીને લગતા કેસીઝ થયા છે પણ છતાં ય આપણા દેશમાં ક્રિપ્ટો કરન્સીનું આટલું ચલણ છે એ ચોક્કસ નવાઇ પમાડે તેવું છે. ૧૫ લોકલ પ્લેટફોર્મ્સ તો ખરાં પણ તેમાં ટ્રેડિંગ અને સેલિંગ કરનારાનો આંકડો ય નાનોસૂનો નથી. દેશમાં ક્રિપ્ટો કરન્સીમાં ‘ડીલ’ કરનારા ઓછામાં ઓછા દોઢ કરોડ યુઝર્સ છે. આખી દુનિયામાં સૌથી વધારે ક્રિપ્ટો માલિકોની સંખ્યા પણ આપણે ત્યાં ભારતમાં જ છે તેવું બ્રોકર ચૂઝર નામના એક પ્લેટફોર્મના રિપોર્ટમાં બહાર આવ્યું છે. ભારત પછી આ યાદીમાં USA અને રશિયાનું નામ આવે છે પણ આ સમીકરણ વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો ભારત ક્રિપ્ટો માલિકોની યાદીમાં પાંચમા સ્થળે છે.

આ વર્ષે મે મહિનામાં રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ ક્રિપ્ટો કરન્સી અંગે ચોખવટ કરીને તેમાં ટ્રેડિંગ કરનારા ગ્રાહકોને રેગ્યુલેટેડ બેંક્સે તેની વિરુદ્ધ ચેતવવા અહીંના ૨૦૧૮ના જૂના હુકમનું દબાણ દૂર કર્યું. આ ત્રણ વર્ષ જૂનો રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનો હુકમ નેવે મુકાયો કારણ કે સુપ્રીમ કોર્ટમાં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (IAMAI) અને ક્રિપ્ટો એક્સચેન્જિઝે પિટિશન ફાઇલ કર્યું હતું.  અત્યારે એવી સ્થિતિ છે કે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને લઇને કોઇ નિયમો નથી, કોઇ અધિકૃત સત્તા નથી જે તેમાં થતી ખોટ કે છેતરપિંડી પર નજર રાખતી હોય એટલે જે રોકાણ કરે તેણે જ બધું ભોગવવાનું આવે.

જો નફો મળે તો તેની પર કેપિટલ ગેઇન્સ પર લગાડાતો ૩૦%નો ટેક્સ લાગુ થશે. આ ક્રિપ્ટો કરન્સી આખરે છે શું? ડિજીટલ કરન્સી અને ક્રિપ્ટો કોઇન્સમાં ઝંપલાવનારા સાહસીઓની સંખ્યા મોટી છે પણ તેની ઇકો સિસ્ટમ, તેનું તંત્ર કેવી રીતે કામ કરે છે સમજવું જરૂરી છે. ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરવા માટે જરૂરી છે ક્રિપ્ટો વૉલેટ અને તે કોઇ પણ ડિજીટલ વૉલેટને મળતી આવતી ચીજ છે જેમાં તમે ક્રિપ્ટો કરન્સીને સંગ્રહી શકો અને તેમાં જ તમે ડિજીટલ કરન્સી રિસીવ કરી શકો છો. તેના થકી તમે કરન્સી મોકલી પણ શકો છો.

આ એક એવો સોફ્ટવેર પ્રોગ્રામ છે જેમાં જાહેર અને ખાનગી કીઝ હોય છે  જે તે વૉલેટની માલિકી ધરાવનારાને માટે યુનિક હોય છે અને આ વૉલેટ્સથી તમે બ્લોક ચેન સાથે ઇન્ટરેક્ટ કરી શકો અને ખાતામાં કેટલું બેલેન્સ છે તે ચેક કરીને તમે બધા ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકો. પ્રાઇવેટ કીઝ એટલે કે ખાનગી કીઝ પાસવર્ડનું કામ કરે છે. યુઝર બીજા કોઇને ક્રિપ્ટો કરન્સી મોકલે એટલે તે મેળવનારાએ પ્રાઇવેટ કીને પબ્લિક કી સાથે મેચ કરવી પડે અને પછી તે ફંડ અનલૉક કરીને કોઇન્સનો ઉપયોગ કરી શકે. 

આમ દેખીતી રીતે કોઇ કોઇન્સની આપ-લે થાય પણ ક્રિપ્ટો કરન્સી વૉલેટના બેલેન્સમાં જે ઉમેરો કે ઘટાડો થાય તે યુઝર જોઇ શકે. જેમ ડૉલર, રૂપિયા કે યુરોમાં કોઇ સેન્ટ્રલ ઑથોરિટી હોય છે તેવી કોઇ સત્તા ક્રિપ્ટો કરન્સી પર કાબૂ રાખવા માટે નથી હોતી. સૌથી પહેલી ક્રિપ્ટો કરન્સી બિટકોઇન હતી અને તે માર્કેટમાં આવી ત્યારે તેને એવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ ગણાવાઇ હતી જેનો આધાર વિશ્વાસ નહીં પણ ક્રિપ્ટોગ્રાફિક પુરાવો હતો. આ પુરાવો એટલે બ્લોક ચેન પ્રોગ્રામમાં નોંધાયેલી લેવડ-દેવડ.  બ્લોક ચેન એક પ્રકારનું લેજર છે જે કોડિંગમાં લેવડ-દેવડની નોંધ કરે છે.

સાદી ભાષામાં તે એક એવી ચેકબુક છે જે વિશ્વ આખાના અનેક કમ્પ્યુટર્સમાં વહેંચાયેલી છે અને તેમાં જે લેવડ-દેવડ નોંધાય તેને બ્લોક્સ કહેવાય અને તે એ કડીમાં જોડાયેલા છે જેમાં પહેલાંની બધી આપ-લેની વિગતો છે. રોજેરોજ થતો ખર્ચો, આપ-લે તમે કોઇ ચોપડીમાં નોંધતા હો, તેનું દરેક પાનું એક બ્લોક છે અને આખી ચોપડી બ્લોક ચેન છે. દરેક આપ-લેને ડબલ ચેક કરવામાં આવે છે જેમાં પ્રૂફ ઑફ વર્ક અને પ્રૂફ ઑફ સ્ટેકની મદદ લેવાય છે. પ્રૂફ ઑફ વર્કમાં લેવડ-દેવડની ચકાસણી અલગોરિધમથી થાય છે જેમાં કોઇ ગણૈતિક પ્રશ્નને ઉકેલવા માટે કમ્પ્યુટર્સ હોડ લગાડે છે અને જે કમ્પ્યુટર એ પહેલાં કરી દે છે તેને થોડી ક્રિપ્ટો કરન્સી અપાય છે. આ માટે કમ્પ્યુટરનું મજબૂત તંત્ર જોઇએ.

પ્રૂફ ઑફ સ્ટેકનો આધાર કોન્સેસસ મિકેનિઝમનો આધાર લેવાય છે જેમાં દરેક યુઝર ટ્રાન્ઝેક્શન આગવી રીતે વેરિફાય કરે છે અને તેને સંમતિ આપવાનું કામ બહુમતી લેજર હોલ્ડર્સ કરે છે. ક્રિપ્ટો કરન્સીના યુનિટ્સ માઇનિંગ દ્વારા રિલીઝ કરાય છે અને તે કોઇ પણ લેવડ-દેવડને માન્યતા મળે તેને આધારે કરાય છે.   વળી ટ્રાન્ઝેક્શન જેમ વધે તેમ તે વધારે જટિલ બને. ખાસ કરીને પ્રૂફ ઑફ વર્ક ક્રિપ્ટો કરન્સીને રિલીઝ કરાવવા માટે તોતિંગ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય છે કારણ કે તેના આધારે જ બિટકોઇન ફાર્મ્સને પાવર કરી એક્ટિવ કરી શકાય. 

પ્રૂફ ઑફ સ્ટેક મોડલમાં લેવડ-દેવડમાં તેની સરખામણીએ ઓછી ઊર્જાની જરૂર પડે છે પણ તેમાં ખેલવું હોય તો તમારી પાસે ક્રિપ્ટો હોય તે જરૂરી છે નહીંતર દાવ પર શું લગાડશો? અત્યારે ભારતમાં ૩૫થી ઓછી વયના રોકાણકારોને ક્રિપ્ટો કરન્સીમાં બહુ રસ પડ્યો છે. જાણીતા એક્સચેન્જિઝમાં કોઇનસ્વિચ કુબેર, ઝેબપે, વઝીરએક્સ, યુનોકોઇન, કોઇન DCX જેવા અનેકનો સમાવેશ થાય છે.  બ્લોક ચેન ટેક્નોલોજીઝને પૉપ્યુલર કરવામાં સોશ્યલ મીડિયાનો પણ ફાળો છે. બિટકોઇન ઉપરાંત ઇથેરિયમ, કારડાનો, બિનાન્સ કોઇન, ટિથર, XRP, સોલાના, લિટકોઇન અને ડોજકોઇન જેવી અનેક ક્રિપ્ટો કરન્સી છે.

Most Popular

To Top