Columns

પાપનું કર્મફળ

આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો.શિષ્ય નવો હતો એટલે ગુરુજી તેની પર વિશેષ ધ્યાન આપતા અને ગુરુજીએ નોંધ્યું કે શિષ્ય કોઈક વાતે મૂંઝાય છે પણ કઈ બોલી શકતો નથી.એક દિવસ ગુરુજીએ તે શિષ્યને પોતાની કુટીર સાફ કરવાનું કામ સોંપ્યું અને તે કુટીર સાફ કરી રહ્યો હતો ત્યારે ગુરુજીએ તેને કહ્યું, ‘વત્સ, કુટીર હોય ,વાસણ હોય ,કપડાં હોય કે મન બધાને સતત સાફ કરતાં રહેવું જોઈએ તે યાદ રાખજે.’શિષ્ય કંઈ બોલ્યો નહિ, માત્ર હકારમાં ડોકું હલાવ્યું અને કામ કરવા લાગ્યો.

ગુરુજીએ તેને પોતાની પાસે બેસાડ્યો અને પૂછ્યું, ‘વત્સ, હું જોઈ રહ્યો છું તું કોઈક વાતે મૂંઝાય છે, શું વાત છે મને કહે તો હું તને રસ્તો બતાવું.’ શિષ્યે ગુરુજીના પગ પકડી લીધા અને બોલ્યો, ‘ગુરુજી, મને ચોરી કરવાની અને ખોટું બોલવાની ટેવ છે અને મેં અત્યાર સુધી ઘણાં પાપ કર્યાં છે.આ મારાં પાપ કર્મોને લીધે મારું મન ધ્યાન કરી શકતું નથી.જેવો ધ્યાન કરવાની કોશિશ કરું છું, બધાં પાપ યાદ આવવા લાગે છે.હું સત્સંગમાં પણ પૂરા મનથી જોડાઈ શકતો નથી.મને પ્રાર્થના કે ધ્યાન કે સત્સંગ કરવાનું મન જ થતું નથી.’

ગુરુજી બોલ્યા, ‘જો વત્સ, હું તને બે વાત સમજાવીશ. પહેલી કે તને તારા પાપ વિષે સભાનતા છે.તારાં કર્મોમાં ભૂલ છે, ખોટ છે, તે તું જાણી ગયો છે.તને સમજાય છે કે આ પાપનું ફળ મારે ભોગવું જ પડશે.આ બહુ સારી વસ્તુ છે અને બીજી વાત તને આ પાપના ફળમાંથી મુક્તિ ધ્યાન, સત્સંગ કે પ્રાર્થના જ અપાવી શકશે.એ તારે સમજવું પડશે અને હું પણ તને ખાસ કહું છું કે તારા ભૂતકાળમાં કરેલાં પાપનાં કર્મફળને કારણે જ તારું મન પ્રાર્થના કે ધ્યાન કે સત્સંગમાં લાગતું નથી.’

શિષ્ય રડી પડ્યો, બોલ્યો, ‘ગુરુજી તો હું શું કરું?’
ગુરુજીએ કહ્યું, ‘જો પાપનું જ કર્મફળ છે કે સારા કામમાં મન ન લાગવું,પણ તારે સમજીને મનને મજબૂત કરવું પડશે…સતત પુરુષાર્થ કરી …મહેનતથી મનને પ્રાર્થના ,ધ્યાન અને સત્સંગમાં લગાવવું પડશે.થોડું અઘરું પડશે, પણ પ્રયત્નો છોડતો નહિ.જો તને ખબર છે, તેં શું ખોટું કર્યું છે…તને એ પણ ખબર છે કે તેં ખોટાં કર્મોના ફળની અસર શું થઇ રહી છે અને  તને એ પણ ખબર છે કે તેમાંથી બહાર આવવાનો રસ્તો શું છે એટલે તું હોશિયાર છે ,જાણકાર છે અને નસીબદાર છે કે જીવનમાં કઈ દિશામાં જવું જોઈએ તે સમજે છે.જરૂર છે મન મજબૂત કરીને પૂરા પ્રયત્નો કરવાની….પૂરા મનથી ધ્યાન કર …તૂટે તો ફરી ફરી કર …નિયમ પ્રમાણે પ્રાર્થના કર અને જાત પર તપાસ રાખ કે નિયમ ન તૂટે અને સત્સંગમાં ગમે કે ન ગમે, અચૂક હાજરી આપ.ધીરે ધીરે મન શાંત થશે અને મન લાગશે, પણ મહેનત છોડતો નહિ.’ગુરુજીએ શિષ્યની મૂંઝવણ દૂર કરી રસ્તો બતાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top