Gujarat

ખાંભાના લાપાળા ડુંગર પરની આગ બેકાબુ: 300 વીઘાનો વિસ્તાર આગની ઝપટમાં

અમરેલી: અમરેલી જિલ્લામાં ડુંગર પર વિકરાળ આગ લાગી હતી. ઘટનાના પગલે બેદરકારી દાખવતા ૧૮ કલાક વીતી ગયા બાદ પણ હજુ બેકાબુ છે. આ આગ ગત બપોરે લાગી હતી. અને રાતનાં 9 વાગ્યા સુધી આ ઘટનાની કોઈ વિભાગ દ્વારા ગંભીરતા નહોતી લેવાઈ. અહીં બાજુમાં મિતિયાળા ગીર જંગલની બોર્ડર પણ આવેલી છે. આ વિસ્તારને સિંહો અને દીપડાનું ઘર માનવામાં આવે છે.મધરાતે અતિ વિકરાળ બની હતી, જેના કારણે વધુ પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આશરે 300 વીઘા કરતા વધુ વિસ્તારમાં આગ લાગી હતી.

  • ખાંભાના લાપાળા ડુંગર પર લાગેલી આગ 18 કલાક બાદ પણ યથાવત
  • 300 વીઘાનો વિસ્તાર આગની ઝપટમાં
  • 7 કરતા વધુ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કરાયા
  • વન્ય પ્રાણીઓને થયેલું નુકશાન જાણવા સ્કેનિંગ શરૂ, 300 કર્મચારીઓની મદદ લેવાઈ

જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે આવતા વન વિભાગની ઊંઘ ઉડી
ઘટનાની જાણકારી મળતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઘટના સ્થળે પહોચી ગયા હતા. તેઓની સાથે ધારી નાયબ કલેક્ટર તેમજ 4થી વધુ મામલતદારની ટીમો પણ દોડી હતી. કલેકટર ઘટના સ્થળે આવતા મોડે મોડે વનવિભાગ એલર્ટ થયું હતું અને ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા, પાલીતાણા શેત્રુંજી ડિવિઝન અમરેલી આમ અલગ અલગ 3 ડિવિઝનની મદદ લેવી પડી હતી. આ આગ મિતિયાળા અભ્યારણ નજીક લાગી હતી, હેઠી ઘટનામાં વનવિભાગના 300 જેટલા અધિકારી તેમજ કર્મચારીઓની મદદ લેવાઈ રહી છે. તેમજ આ ઘટનાના પગલે વન્યપ્રાણીઓને કોઈ નુકસાન પહોંચ્યું છે કે કેમ તે માટે સ્કેનિંગ શરૂ કરાયું છે. આગને પગલે વન્યજીવો તેમજ પશુ પક્ષીને નુકસાન થયું હોવાની આશંકા પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે મોડી રાત સુધી આસપાસના ગામડાના લોકો પણ મદદ માટે દોડ્યા હતા.

મોટાભાગે આગ કાબુમાં : અમરેલી જીલ્લા કલેકટર
ખાંભા વિસ્તારની આગની ઘટનાને લઈ અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું કે આગ મોટાભાગે કંટ્રોલ કરી દેવાઈ છે. હજુ થોડી અમુક વિસ્તારમાં છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા બુજાવાઈ રહી છે. હજુ 2 દિવસ સુધી ધુમાડા દેખાશે, હાલ કોઈ નુકસાન નથી, પરંતુ 2 દિવસ પછી કહી શકાય. હાલ વનવિભાગ પણ સ્કેનિંગ કરી રહ્યું છે.

અલગ અલગ ડિવિઝનનો 300 લોકોનો સ્ટાફ હાજર : ધારી ગીર પૂર્વ ડીસીએફ
ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ખાંભાના રેવન્યુ વિસ્તાર અને માલિકી વાળા ડુંગરામાં આગ છે. બાજુમાં મિતિયાળા અભ્યારણ પણ આવેલું છે. જેથી અલગ અલગ ડિવિઝનનો 300 લોકોનો સ્ટાફ ત્યાં હાજર છે. તેમજ આગ જંગલમાં ન પહોંચે તે માટે તકેદારીના ભાગરૂપે આગ બુઝાવવા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. હાલ વનવિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ છે, પણ સિંહોને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી.

સ્થાનિક લોકોમાં વન વિભાગની કામગીરી સામે રોષ
ગત બપોરે લાગેલી આગ આજ બપોર સુધીમાં પણ કાબુમાં આવી નથી. જો કે જિલ્લા કલેક્ટરે ઘટના અંગે ગંભીરતા દાખવતા વનવિભાગ દોડતું થઇ ગયું હતી. વન વિભાગની બેદરકારીનાં પગલે આગ વધુ પ્રસરી ગઈ છે અને હાલ તેને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ હારવામાં આવી રહ્યા છે. જો આ આગનાં પગલે વન્યપ્રાણીને નુકસાન થશે તો તે માટે જવાબદાર કોણ? જેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો ગઈકાલે આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરાયા હોત તો અત્યારે આગ કંટ્રોલમાં આવી ગઈ હોત.ઉલ્લેખનીય છે કે ગામડાના લોકો અને સરપંચોએ ખૂબ રજૂઆતો કરી હતી પણ વન વિભાગના પેટનું પાણી ન હલ્યું હોવાના આક્ષેપો પણ થયા છે.

નોંધનીય છે કે રાજુલાના વાવડી ગામ નજીક ડુંગરામાં પણ આગ લાગી હતી. જો કે અહીં પણ રેવન્યુ વિસ્તાર હતો, પરંતુ સિંહોનો વસવાટ હોવાને કારણે રાજુલા વન વિભાગે આ વાતની ગંભીરતા દાખવી હતી. તેમજ રાતે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આમ 24 કલાક દરમિયાન આગની 2 ઘટનાએ વનવિભાગમાં દોડધામ મચાવી દીધી છે.

Most Popular

To Top