Columns

આ આર્થિક વંટોળમાં ક્યાં કયાં પુસ્તક દીવાદાંડી બની શકે?

આ છેલ્લાં પખવાડિયાનાં છાપાંઓની હેડલાઈન્સ વાંચો કે પછી ‘બ્રેકિંગ ન્યૂઝ’ના નામે થતો TV ઍન્કરોનો કકળાટ સાંભળો… મોટા ભાગના મીડિયાવાળા જાણે રુદાલી થઈ ગયા છે. પોકે પોકે રડે છે. એમનો વિષય અને વિલાપ એકસરખો છે, જેમ કે …‘મોંઘવારીના વિસ્ફોટથી આમઆદમી બેહાલ..મોંઘવારીએ માઝા મૂકી.. …ફુગાવાએ છેલ્લાં 30 વર્ષનો વિક્રમ વેરવિખેર કરી નાખ્યો…!’ વાત સાચી પણ છે. ફુગાવાને પગલે મોંઘવારી બેફામ વધી છે. આર્થિક સિનારિયો ડરામણો થઈ રહ્યો છે. આ બધી અફડાતફડી વચ્ચે શેરબજાર પણ બહુ બૂરી રીતે સપડાઈ ગયું છે.

હકીકતમાં અહીં શેરમાર્કેટ માટે ‘સપડાઈ’કરતાં ‘સંડોવાઈ ’ગયું છે એ શબ્દ વધુ બંધબેસતો છે. એની સંડોવણીને કારણે લાખો ઈન્વેસ્ટરો- નિવેશકોની કરોડોની રકમનું ધોવાણ થઈ ગયું છે. એક અહેવાલ મુજબ આ એકલા મે મહિનામાં રોકાણકારોએ એમની આશરે 26 લાખ કરોડની મિલકત ગુમાવી હતી…! આનાં અનેકવિધ વૈશ્વિક કારણ છે. એમાં આપણે બહુ ઊંડા ન ઊતરીએ તો પણ એક વાત તો સ્વીકારવી જોઈએ કે આજના ડિજિટલ યુગને લીધે યુવાન રોકાણકારોની પેઢી શેરબજારમાં પ્રવેશી ગઈ છે. અમુક અપવાદને બાદ કરતાં ઘણા ખરા ત્વારાથી કરેલી કમાણીને બરાબર સાચવી શકતા નથી અને શેરબજારમાં બરબાદ થાય છે-થતાં રહે છે.

બીજી તરફ, સદભાગ્યે, એક વર્ગ -ખાસ કરીને – યુવા વર્ગ એવો છે, જે શેરબજાર સિવાય પણ અન્ય ધંધા-વ્યવસાયમાં કરેલી કમાણીને સાચવી રાખવા ઉપરાંત એનું યથાર્થ રોકાણ કરીને સંપત્તિ સર્જન કરી આર્થિક ઉન્નતિ કરે છે. અન્ય ફિલ્ડની જેમ હવે આર્થિક ક્ષેત્રે પણ બચત-રોકાણ માટે જાગૃતિની સાથોસાથ માર્ગદર્શનની પણ તાતી જરૂર છે. આ દિશામાં હવે આપણે ત્યાં પણ ફાઈનેન્શલ એક્સપર્ટ સાથે વન- ટુ- વન કન્સલટેશન ઉપરાંત એને લગતા સેમિનાર – ટૉક શો નિયમિત યોજાઈ રહ્યા છે.

આ વિષયને લઈને અંગ્રેજી ભાષામાં તો દૈનિક-સામાયિકોમાં નિયમિત કૉલમ્સ લખાય છે- TV શોઝ થાય છે અને હવે આપણી માતૃભાષામાં પણ ગંભીર આર્થિક વિષયોને લઈને સરળ ભાષામાં સમજાવતાં-માર્ગદર્શન આપતાં પુસ્તકો પણ પ્રાપ્ત થવાં લાગ્યાં છે. અહીં શેરમાર્કેટમાં ફટાફટ કમાણી કેમ કરવી એના જાદુઈ ઈલ્મ શીખવાડવાને બદલે સમજી-વિચારીને સ્માર્ટલી કઈ રીતે રોકાણ કરવું-આવાં રોકાણના ભયસ્થાનને આગોતરા સમજીને કઈ રીતે નિવારવા અને જે પણ આવક થઈ એની જાણવણી શી રીતે કરીને એમાં વૃધ્ધિ કરવી એની સરળ સમજ આપવામાં આવે છે. આ દિશામાં માર્ગદર્શક એવા આપણી પાસે પ્રથમ પંક્તિના ચાર આર્થિક નિષ્ણાત એવા લેખક – પત્રકાર છે. આવો,આપણે એમને મળીને મેળવીએ એમનાં સલાહ – સૂચન…-

‘પૈસા રળવા સરળ છે,પરંતુ એને ખરી રીતે મેનેજ કરવા-એનું સચોટ આયોજન કરવું વધુ મુશ્કેલ છે.’ આવું કહે છે મુંબઈના પ્રસિધ્દ્દ ફાઈનેન્શલ પ્લાનર ગૌરવ મશરૂવાળા. આર્થિક આયોજન માટે એક આગવી જ દ્રષ્ટિ ધરાવતા ગૌરવભાઈની આર્થિક લેખનની શરૂઆત એક અંગ્રેજી સામાયિકથી શરૂ થઈ હતી. એમની કૉલમ્સની લોકપ્રિયતા જોઈને એક ઈંગ્લિશ TV ચેનલમાં નિયમિત ટૉક શોની ઓફર આવી. આ દરમિયાન, એમનું પ્રથમ પુસ્તક રિટાયરમેન્ટ -નિવૃત્તિકાળ માટે કેવું નાણાંકીય આયોજન કરવું એ વિશે હતું.

ત્યાર બાદ, એમનું ‘યોગિક વેલ્થ’ પુસ્તક વાચકો માટે ખરા અર્થમાં પથદર્શક બન્યું કારણ કે અહીં પૈસા-ધન-સંપત્તિને એના સ્થૂળ અર્થમાં લેવાને બદલે એમણે મા લક્ષ્મી સાથે સાંકળી લીધા છે. આપણાં ઋગ્વેદ જેવાં પ્રાચીન શાસ્ત્રો અને પતંજલિ- યોગસૂત્ર તથા ગીતાના અભ્યાસના આધારે લખાયેલું આ પુસ્તક અંગ્રેજી-હિન્દી-ગુજરાતીમાં પ્રગટ થયું છે, જે ઘણું લોકપ્રિય પણ નીવડ્યું છે. આ જ રીતે, આજે આપણા રોજિંદા જીવનમાં અનેક આર્થિક શબ્દો બહુ જ સરળતાથી સંકળાઈ ગયા છે, જેમ કે GDP-GST-IIP-EMI ઈત્યાદિ શબ્દોના નવા અર્થઘટન સમજાવતું એક પુસ્તક પણ લખ્યું છે. નામ છે એનું MRI અર્થાત ‘માય રેલેવન્ટ ઈન્ટરપ્રિટેશન ઓફ ઈકોનોમિક ટર્મ્સ’. અનેક પરિસંવાદોમાં ભાગ લેતા ગૌરવ મશરૂવાળા વધુ જાણીતા થયા છે એમના યોગિક વેલ્થ સિધ્ધાંત દ્વારા સંપત્તિ સર્જનના માર્ગદર્શન માટે.…

આ જ હરોળના અન્ય એક મ્યુચ્યુઅલ ફંડ એકસપર્ટ અને ફાઈનાનશ્યલ કોચ એવા અમિત ત્રિવેદી સેમિનાર્સ અને ટૉક-શો માટે જાણીતા છે. અમિતભાઈ આ ક્ષેત્રના નવોદિતોને સરળ છતાં સઘન તાલીમ આપે છે. આ રીતના પ્રોફેશન દરમિયાન એમણે અત્યાર સુધી ચાર પુસ્તક લખ્યાં છે. ‘સબસે બડા રૂપૈયા’– ‘રાઈડ ઓફ રોલર કોસ્ટલ’– ‘ફાઈનેન્શલ લેસન ફ્રોમ ICU’ અને એક નિષ્ણાત મિત્ર કિરણ તેલંગના સથવારે ખાસ મહિલાઓને ધ્યાનમાં રાખીને લખેલું પુસ્તક ‘વુમની’ પણ તાજેતરમાં પ્રગટ થયું છે.

અહીં વિશેષ ઉમેરવાનું કે‘સબસે બડા રૂપૈયા’ પુસ્તકમાં અમિત ત્રિવેદીએ હીટ નીવડેલી આપણી કેટલીક હિન્દી ફિલ્મનાં જાણીતાં દૃશ્ય- સંવાદ- ગીતને વણી લઈને ગંભીર લાગતાં નાણાંકીય પ્રશ્નોના ઉકેલ હસતાં -રમતાં બખૂબી પેશ કર્યા છે. એમના આ સુપરહીટ પુસ્તક પછી અમિત ત્રિવેદીએ જગતભરનાં વગોવાઈ ગયેલાં આર્થિક કૌભાંડો વિશે ‘રાઈડ ઓફ રોલર કોસ્ટલ’નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં માત્ર આવાં કૌભાંડોની યાદી નથી પણ આ પ્રકારની ફસામણીમાંથી કઈ રીતે ઉગરી શકાય એની સરળ ભાષામાં સમજણ પણ છે.

એ જ રીતે, અમિતભાઈનું અન્ય એક પુસ્તક : ‘ફાઈનેન્શલ લેસન ફ્રોમ ICU’તો ખરેખર એમની બીમારીના અનુભવો પરથી લખાયું છે. ખુદને ઈન્ટેસીવ કેર યુનિટમાં દાખલ થવું પડ્યું પછી અમિતભાઈ કહે છે તેમ પોતે તબિયતમાં શું શું બેદરકારી કરી, જેથી એ આવી તકલીફમાં મુકાયા એના પરથી મને વિચાર આવ્યો કે નાણાંકીય બાબતમાં પણ આપણે કેવી કેવી ભૂલો કરીને આર્થિક ક્ટોકટી ઊભી કરીએ છીએ. આવી ભૂલોના નિવારણની વાત એમણે આ પુસ્તકમાં વણી લીધી છે….

વાર્તા-કહાણી એક એવી જણસ છે કે જો એને અચ્છી રીતે પેશ કરવામાં આવે તો આબાલવૃદ્ધને એકસરખા તલ્લીન કરી શકે. બસ, આવી જ વાર્તાકળાનો અસરદાર ઉપયોગ કર્યો છે અન્ય એક આર્થિક નિષ્ણાતે…. મુંબઈના કલ્પેશ આશર વ્યવસાયે સર્ટિફાઈડ ફાઈનેન્શલ પ્લાનર તથા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર છે. ‘યોર્સ ફાઈનેન્શલી…’ પુસ્તકમાં રોહન અને શ્વેતા નામનાં બે જુવાન હૈયાંની સાથે અન્ય પાત્રોની વાત લઈને આવ્યા છે કલ્પેશભાઈ…. પોતાની જિંદગી લીલીછમ બનાવવાના અતિ ઉત્સાહમાં – થનગનતી યુવાનીમાં આ પ્રેમી યુગલ પોતાની અણ-આવડતને લીધે કેટલીક આર્થિક ભૂલ કરી બેસે છે.

પછી એમાંથી કઈ રીતે માર્ગ નીકળે છે એની વાત વાચક જાણે કોઈ ફિલ્મ નિહાળતો હોય એવી સરળ છતાં સચોટ રીતે રજૂ થઈ છે. અંગ્રેજી-ગુજરાતીમાં પ્રકાશિત આ પુસ્તકને ફિલ્મી ટચ દેવા માટે કલ્પેશભાઈએ ખાસ સ્ક્રિપ્ટ રાઈટિંગનો કોર્ષ પણ કર્યો છે. નવી પેઢીને એમની જ ભાષામાં આર્થિક આંટીઘૂંટી સમજાવવા નિયમિત ચેટ-શોમાં ભાગ લેવા ઉપરાંત એ સોશ્યલ મીડિયામાં પણ એટલા જ સક્રિય છે. કલ્પેશ આશર કહે છે કે જેમ કોઈનું જીવન પરિપૂર્ણ નથી હોતું . એવું જ બધાના ફાઈનેન્શલ પોર્ટફોલિયોનું છે. આમ છતાં, વ્યાવસાયિક સમજણ-અનુભવને કામે લગાડીને મારાં પાત્રોનાં સપનાંને અહીં સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે….

સામાન્ય રીતે આપણે એવું માનીએ-વાંચીએ કે વડીલો પાસેથી એવું સાંભળીએ છીએ કે શેરબજારમાં પૈસા લગાડવા બહુ રિસ્કી કામ છે ત્યારે કોઈ કહે કે શેરમાર્કેટમાં પૈસા ન લગાડવા એ સૌથી વધુ જોખમી છે… તો? આ સાંભળીને આપણા કાન ચમકી ઊઠે.… વેલ, આવું તેજાબી એલાન કરે છે જયેશ ચિતલિયા. …અનેક ગુજરાતી દૈનિક – સામાયિકોમાં કૉલમ્સ લખતાં અને અનેક ટોક-શો તથા આર્થિક સેમિનારમાં વક્તા ઉપરાંત સંચાલક તરીકે યશસ્વી કામગીરી બજાવતા જ્યેશભાઈ યુવા વાચકો -શ્રોતાઓમાં ખાસ્સા લોકપ્રિય છે.

અમિતજીના ‘કોન બનેગા કરોડપતિ?’થી લઈને ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના જેઠાલાલ જેવાં પાત્રના દ્રષ્ટાંત સાથે પોતાની વાત સહજતાથી સમજાવતા જયેશભાઈને આવા જાહેર કાર્યક્રમમાં સાંભળવા એક લહાવો છે. નાણાંકીય જગતની અટપટી વાત ઘીથી લથપથ શીરાની જેમ ગળે ઉતારી દેવાની ખૂબી ધરાવતા જયેશભાઈની 12 જેટલી પરિચય પુસ્તિકા તથા ‘શેરબજારના સબક’ નામનું એક પુસ્તક ગુજરાતીમાં પ્રગટ થયું છે.

 આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર તરીકે જયેશ ચિતલિયા કહે છે કે મોટાભાગના રોકાણકારો શેરમાર્કેટમાં નિષ્ફળ નીવડે છે કારણ કે આ બજારના મૂળ સિદ્ધાંતોનો ઉલાળ્યો કરી ઝટપટ શ્રીમંત બનવા ‘વન-ટુ કા ફોર’કરવામાં પડી જાય છે. પોતાના પુસ્તક ‘શેરબજારના સબક’માં એ કહે છે: ‘શેરબજારને સમજવું કઠીન છે એમ સમજાવવું પણ વધુ કઠીન છે, પણ પારખી શકો એવી દ્રષ્ટિ કેળવી લઈએ તો એના ઉકેલ આપણી રોજ્બરોજની જિંદગીમાંથી અચૂક મળી આવે.’

Most Popular

To Top