Columns

કાશ્મીરની 102 વર્ષ જૂની દુકાન હજી પણ કોશુર ગુલાબ સાથે પરંપરાગત રીતે ગુલાબજળ બનાવી રહી છે!

શ્રીનગર શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં એક સદી કરતાં વધારે જૂની આ ગુલાબજળની દુકાન છે.  સ્થાનિક જુબાનમાં અરક-એ-ગુલાબ વાન તરીકે ઓળખાય છે. તે કાશ્મીર ખીણમાં એકમાત્ર સક્રિય ગુલાબજળ ડિસ્ટિલરી છે જે પ્રખ્યાત ખાનકાહ-એ-મૌલાથી થોડા અંતરે છે. ગુલાબની સુગંધ ફતેહ કદલ વિસ્તારના પવનમાં ફેલાય છે કારણ કે દુકાનના માલિક અબ્દુલ અઝીઝ કોઝગર લેબલ વગરના કન્ટેનરમાં દરરોજ લિટરના ધોરણે ગુલાબજળ વેચે છે, જે પહેલાંથી ભરેલાં નથી હોતાં.

કોઝગરનું ગુલાબજળ પરંપરાગત રીતે મસ્જિદો, મંદિરો, ગુરુદ્વારા અને લગ્નની ઉજવણી દરમિયાન છાંટવામાં આવે છે. ગુલાબજળ છાંટી વાતાવરણ સુગંધિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ અસંખ્ય વાનગીઓમાં સુગંધ ભેળવવા માટે થાય છે અને શરબતમાં તાજગી માટે ઉમેરાય છે. તેમ જ ઉનાળાના આકરા દિવસોમાં રૂમાલ પર છાંટવામાં આવે છે, જે રાહત આપે છે. ત્વચા સંભાળ અને ભારતીય મીઠાઈઓમાં ભેળવવા ગુલાબજળ બનાવવામાં આવે છે. પરંપરાગત તેનો ઉપયોગ વિવિધ ઉપચાર જેમ કે ગળાના દુખાવાને શાંત કરવા માટે કાહવામાં  ઉમેરવામાં આવે  છે.

    રાખોડી દાઢીવાળા અબ્દુલ અઝીઝ કોઝગર વધારે વાતો કરતા નથી અને મોટાભાગે તેમના ગ્રાહકો સાથે વ્યસ્ત રહે છે. પરંપરાગત રીતે બનાવેલ ગુલાબજળ 45 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે. ગુલાબજળ યુવાન અને વૃદ્ધ ગ્રાહકોને આકર્ષે છે. કાશ્મીરનો 500 વર્ષનો વારસો ધરાવતી આ ઐતિહાસિક દુકાનની મુલાકાત માટે સ્થાનિકો ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ સારી સંખ્યામાં આવે છે. લાકડાં અને ઈંટોની દુકાનની અંદર દીવાલો પર સુફી સંતોનાં ચિત્રો ચોંટાડેલાં છે. છાજલીઓમાં ઘેરા રંગની કાચની બોટલો અને વિવિધ કદના એન્ટિક બરણીઓ/બાટલા ભરેલા છે. તેમના પર હસ્તલિખિત ઉર્દૂ અને ફારસી કાપલી ચોંટાડેલી  છે. કાશ્મીરી ભાષામાં કોઝગર કહે છે, ‘’હું નાનપણથી જ ગુલાબજળ બનાવીને વેચું છું.’’ દુકાનની કેટલીક બોટલોમાં ધૂળ ભેગી થઈ છે પરંતુ તેથી અબ્દુલ અઝીઝ કોઝગરને રંજ નથી. તે પરદાદા, દાદા અને પિતાની યાદમાં તેને સાચવવા માંગે છે.

કોઝગર કહે છે કે ‘ગુલાબજળનો ઉપયોગ ત્વચાની સંભાળમાં અને વધુ સુગંધ મેળવવા માટે તેને કાશ્મીરી કાહવામાં પણ ઉમેરી શકાય છે.’ ગુલાબજળ એ દક્ષિણ એશિયાની મીઠાઈઓમાં પણ એક સામાન્ય ઘટક છે. લાડુ, ગુલાબજાંબુ અને અન્ય ડેરી ઉત્પાદિત મિષ્ટાન્નમાં ઉમેરાય છે. ગુલાબનું પાણી કાશ્મીરના વિવિધ ભાગોમાંથી મેળવવામાં આવતા કોશુર ગુલાબ(કાશ્મીરી ગુલાબ)માંથી નિસ્યંદિત કરવામાં આવે છે. કોઝગર કોઈ મશીનનો ઉપયોગ કરતા નથી. ગુલાબજળ હાથે જ બનાવવામાં આવે છે. તે ગુલાબજળ બનાવવા માટે જે કુશળતા અને તકનીકોનો ઉપયોગ થાય છે તે જાહેર કરવામાં આવતી નથી. આ પણ પરંપરાગત ચીલો છે!

કાશ્મીરમાં ગુલાબજળના નિસ્યંદનથી પરિચિત લોકો કહે છે કે ગુલાબની પાંખડીઓ અને અન્ય વનસ્પતિઓને તાંબાની કઢાઈમાં ઉકાળવામાં આવે છે અને કોઇલના સમૂહમાંથી પસાર થતી વરાળને ઘટ્ટ અને નિસ્યંદિત કરવામાં આવે છે. જો કે પરંપરાગત નિસ્યંદન દ્વારા ગુલાબજળ બનાવવાની પ્રક્રિયા ધીમી છે જે લગભગ 3 થી 4 કલાકનો પરિશ્રમ માંગે છે. કુદરતી ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક અને બળતરા શમન ગુણધર્મો હોવાનું કહેવાય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ત્વચાના કોષોને નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. ગુલાબજળનો ઉપયોગ પરંપરાગત રીતે ગળાના દુખાવાને શાંત કરવા માટે પણ કરવામાં આવે છે. તે શીતળતા બક્ષે છે. ગુલાબજળનો ઉપયોગ સામાન્ય રીતે એરોમાથેરાપીમાં થાય છે, જે માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. 

તે કરચલીઓ ઘટાડવા માટેના સૌંદર્ય ઉત્પાદનોમાં પણ જોવા મળે છે અને લોકચિકિત્સામાં ગુલાબજળનો ઉપયોગ પાચનમાં મદદ કરવા અને પાચનની અસ્વસ્થતાને ઘટાડવા માટે કરવામાં આવે છે. કોઝગરની દુકાન 1820ની આસપાસ તેમના દાદા હબીબુલ્લા કોઝગર હસ્તે ખોલવામાં આવી હતી, જ્યારે તેમણે શ્રીનગરમાં વ્યવસાય ખોલવા માટે ફ્રાન્સ અને UKમાંથી જાર, ડીકેન્ટર અને અન્ય વસ્તુઓની આયાત કરી હતી.  હજી પણ ગુલાબજળ બનાવવાની પરંપરાગત પધ્ધતિ સાચવી રાખવામાં આવી છે. યાદોમાં ડૂબેલાં કોઝગર ગદગદ થઈ તેનું વર્ણન કરે છે. સફેદ ટોપી પહેરીને કોઝગર સદીઓ પહેલાં તુર્કીથી શ્રીનગરમાં આવી વસેલા તેના પૂર્વજો પાસેથી મેળવેલી કુશળતાને યાદ કરે છે.

ગુલાબજળની હસ્તકલા હવે ભૂલાતી પરંપરા છે. ત્રણ સંતાનો છે પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબના વંશમાં તે છેલ્લા સભ્ય છે!    ગુલાબજળ કોઝગરના વ્યવસાયના અપૂર્વ વેચાણ સમીકરણો હોવા છતાં તેઓ વિવિધ બીમારીઓ માટે પરંપરાગત પર્સો-અરબી દવાઓ આપવા ઉપરાંત પેટ અને કિડની માટે અત્તર, હર્બલ સીરપ પણ વેચે છે! કદાચ આજે કુદરતી ગુલાબજળની સમૃદ્ધ સુગંધની કદર નથી. લોકોને જૂના ઉપાયોની જરૂર નથી પણ શ્રીનગરની જૂની શેરીઓ કાશ્મીરના કોઝગર અને એક અવિસ્મરણીય કોશુર ગુલાબની સુગંધને ક્યારેય નહીં ભૂલે!

Most Popular

To Top