Dakshin Gujarat

ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા આ બ્રીજનાં લીધે ઝઘડિયાથી વડોદરાનું અંતર ઘટશે

ભરૂચ: ભરૂચ(Bharuch) જિલ્લાના પૂર્વ ભાગમાં ઝઘડિયા(Zaghdaiya) તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના અસા(Asaa) ગામથી વડોદરા(Vadodara)ના શિનોર(Shinor)ના માલસર ગામ વચ્ચે નર્મદા નદી(Narmada River) પર નિર્માણ થઇ રહેલા પુલ(Bridge)ની સગવડથી તાલુકાને ડભોઈ(Dabhoi) વડોદરા તરફ જવા માટે એક નવો રૂટ આકાર લેશે.

  • ઝઘડિયાના અસાથી માલસર વચ્ચે નર્મદા નદી પરના પુલથી વડોદરાનું અંતર ઘટશે
  • પુલની કામગીરી પૂર્ણ થવાને આરે, ઝઘડિયા-નેત્રંગ પંથકનાં વાહનો માટે નવો રૂટ ઉપલબ્ધ થશે

હાલમા ઝઘડિયાના વાહનચાલકોએ ડભોઈ વડોદરા તરફ જવા માટે રાજપીપળા સેગવા થઇને જવુ પડતું હોય છે. અશા માલસર વચ્ચેનો પુલ ચાલુ થતાં આ પંથકમાંથી ડભોઇ વડોદરા તરફ જવાના અંતરમાં ૨૦ કિલોમીટર જેટલો ઘટાડો થશે. તેને લઇને નર્મદા નદી પરના આ નવા પુલથી જનતાનાં નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઇ શકશે. વર્ષોથી આ પંથકની જનતાની આ સ્થળે પુલ બનાવવાની જે માંગ હતી. એ પુલની કામગીરી સંપન્ન થતાં પૂર્ણ થવાના આરે છે. ઝઘડિયાના ઉમલ્લાના અશા પાણેથા ઇન્દોર વેલુગામ વિસ્તારનાં ગામોની જનતાને પણ પુલની સુવિધા મળતા રાહત મળશે.

પુલનાં નિર્માણની કામગીરી હાલ ચાલુ
અત્રે ઉલ્લેખનીય છે કે, જે-તે સ્થળના સર્વાંગી વિકાસ માટે રસ્તાઓની સુવિધા મહત્ત્વપૂર્ણ મનાતી હોય છે. ત્યારે આ પંથકના નર્મદા કાંઠા વિસ્તારનાં અંતરિયાળ ગામોના યોગ્ય વિકાસની ક્ષિતિજો પણ આ પુલની સવલત મળતાં વિસ્તૃત બનશે. મળતી વિગતો મુજબ પુલના નિર્માણની કામગીરી હાલ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં લગભગ પૂર્ણ થશે. આ પુલ કાર્યરત થશે ત્યારે ઝઘડિયાથી ડભોઇ વડોદરા તરફ જવાની બસ સેવા પણ આ રૂટ પર ઉપલબ્ધ બનાવવા એસટી તંત્ર દ્વારા યોગ્ય આયોજનો કરાય તેવી પણ લાગણી આ પંથકની જનતામાં દેખાઈ રહી છે. ત્યારે અશા માલસર વચ્ચે પુલની સવલત પ્રાપ્ત થતાં ઝઘડિયા ઉપરાંત શિનોર તાલુકાનો બાકી રહેલો વિકાસ શક્ય બનશે.

Most Popular

To Top