Charchapatra

 ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રની અસર થાય છે

મારું ચર્ચાપત્ર 1 ફેબ્રુઆરી 2024ના રોજ વિકલ્પ શોધી શકાય’ એ મથાળા હેઠળ વિષય હતો. વસ્તાદેવડી રોડ શ્રી ચંદ્રશેખર આઝાદ પુલ પર લગભગ 20 બમ્પર આવે છે. તેમાં પાછા એક બમ્પરમાં 6 સેકશન હોય છે એટલે ટૂંકમાં 20 x 6 = 120 બમ્પર આવે છે. ગમે તે ગાડીમાં જાવ આંચકા લાગ્યા વગર રહેતા નથી. હવે સંજોગોવશાત્ તે જ દિવસે સાંજે 5 વાગે તે જ પુલ પરથી મિટિંગમાં જવાનું હોવાથી પસાર થવાનુ થયું તો શરૂઆતના 2 બમ્પર અને છેવાડાના 2 બમ્પર રાખ્યા અને બાકીના બધા બમ્પર કાઢી નાંખ્યા. 

હવે મૂળ વાત પર આવતો ‘ગુજરાતમિત્ર’ ચર્ચાપત્રથી અસર સરકારી દફતર પર પડે છે. તેનો જીવતો જાગતો નમૂનો છે. તેવા માટે ‘ગુજરાતમિત્ર’ના તંત્ર તથા અધિકારીશ્રીનો આભાર માનું છે. બીજું લાગતાવળગતા સરકારી તંત્રનો પણ એટલો જ આભાર માનું છું કારણ કે તાત્કાલિક અસરથી કામને પ્રાધાન્ય આપી તાબડતોબ અધિકારીશ્રીએ બમ્પર નાબૂદ કર્યા.
સુરત     – મહેશ આઈ. ડોકટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પતંજલિને સુપ્રિમની યોગ્ય ફટકાર
કોરોનાની દવા શોધવાના દાવા સાથે વિવાદમાં આવેલ બાબા રામદેવની કંપની પતંજલિને પોતાની પ્રોડક્ટ્સ પર ભ્રામક દાવાના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. એલોપથી સારવારથી પોતાની સારવારને શ્રેષ્ઠ બતાવનાર અને સંપૂર્ણ ઈલાજની જાહેરાતને તાત્કાલિક હટાવવાની કોર્ટે યથાયોગ્ય તાકીદ કરી છે. કેન્સર, અસ્થમા, ડાયાબિટીસ જેવા અનેક રોગો માટે પોતાની પ્રોડકટનો વ્યાપક પ્રચાર કરીને લોકોને છેતરવાની કોશિશ નિંદનીય છે. એક તરફ ટી.વી. ચેનલો પર ‘યોગ મટાડે સંપૂર્ણ રોગ’નો દાવો કરનાર બાબા બીજી તરફ દવાઓ સહિતની અનેક પ્રોડક્ટ વેચીને કરોડોના ટર્ન ઓવર થકી નફો રળી રહ્યા છે.

સવાલ એ થાય કે જો યોગથી જ બધા રોગો મટી જતા હોય તો દવા લેવાની શી જરૂર છે? યોગના નિદર્શન દ્વારા લોકોને ખોટા દાવાઓ કરીને લાખો-કરોડોની પ્રોડક્ટ વેચવાનો કારસો કરનારને માત્ર દંડ નહીં પણ સજા પણ ફટકારવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે અને સરકાર મૌન છે. ભાજપના પ્રબળ સમર્થક તરીકે પોતાને રજૂ કરનારા બાબા રામદેવનો વાળ વાંકો થાય એ બાબત શંકાસ્પદ છે. ભલું થજો સુપ્રિમ કોર્ટના સન્માનનીય જજોનું, જેમણે ખોટા દાવાઓ સામે લગામ ખેંચી છે. સુપ્રીમ કોર્ટની ટકોર પછી સરકાર જાગશે કે આયુર્વેદના નામે પ્રજાને કંઈ પણ પધરાવનાર, ચાલ્યા કરે.. એવો મેસેજ આપશે?
સુરત   – સુનીલ શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top