Comments

કાગડા બધે જ કાળા! અમેરિકામાં પણ શિક્ષકોનું શોષણ થાય છે

અમેરિકા વિકસિત દેશ છે. ત્યાં સ્થાયી થવાની ઘેલછા ઘણાં ભારતીયોમાં જોવા મળે છે. હાલમાં 35 લાખ ભારતીયો અમેરિકામાં કાયદેસર કે ગેરકાયદેસર વસવાટ કરે છે. દર વર્ષે આશરે બે લાખ ભારતીય યુવાનો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાના વીઝા મેળવે છે. અને જગ જીત્યાની અનુભૂતિ કરે છે. તેથી અમેરિકાનું ઉચ્ચ શિક્ષણ ભારતના ઉચ્ચ શિક્ષણ કરતાં શ્રેષ્ઠ હોવાનું કારણ બને છે. હજ્જારો લોકો ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાના પ્રયત્નો કરે છે જેમાં ઘણાં નિષ્ફળ નિવડે છે, છતાં અમેરિકાનું આકર્ષણ બરકરાર છે! બીજી બાજુ, પ્રતિ વર્ષ જાહેર થતાં નોબેલ પારિતોષિકો મેળવનારાની યાદીમાં અમેરિકાના વૈજ્ઞાનિકોની પસંદગી એ વાતની પુષ્ટિ કરે છે કે અમેરિકા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અને સંશોધન ક્ષેત્રે અન્ય રાષ્ટ્રો કરતાં અવ્વલ છે અને આ વાતમાં તથ્ય પણ છે. શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકાએ સારું કાઠું કાઢયું છે તેથી એ જગત જમાદાર છે!

અમેરિકાની કોલેજો અને યુનિર્સિટીઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં જ પાર્ટ-ટાઇમ જોબની છૂટ છે તેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ફી અન્ય ખર્ચનો ભાર વેઠી શકે છે. આ લખનારે ઘણાં ભારતીય મા-બાપોને ગૌરવભેર બોલતા સાંભળ્યા છે: ‘અમારો લાલુ અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરે છે. હવે અમે તેને માટે અમેરિકામાં સ્થાયી થયેલી છોકરીની શોધમાં છીએ.’ વાતમાં દમ તો છે. ખેર! આજે આપણે વાત કરવી છે ત્યાંની શાળાનાં શિક્ષકોની દશા અને દિશાની. અમેરિકાના સૌથી મોટા રાજય, ‘ટેકસાસ’માં શિક્ષણ ક્ષેત્રે અનેક વર્ષોનો અનુભવ ધરાવતા ‘એલિસન હોલ’ અને બીજા ‘ઇન્ડિયાના’ રાજયની જુનિયર હાઇસ્કૂલના પૂર્વ કાઉન્સેલર ‘સુટરે’ સોશ્યલ મીડિયા પર જે વિગતો જાહેર કરી છે તે સાચે જ આંખો ઉઘાડનારી છે!

અમેરિકામાં ઓછા પગારને લીધે શિક્ષકો ઘણાં, વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે! નોકરી છોડી રહ્યા છે!! જેઓની શિક્ષકની નોકરી ચાલુ છે તેઓ દરરોજ દસ કલાક ડ્રાઇવર કે વેઇટરની પાર્ટ ટાઇમ જોબ કરી રહ્યા છે. ઘર ચલાવવા મજબુર બન્યા છે. ઘણી શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોના અભ્યાસ પર વિપરીત અસર થઇ છે. કેટલાંક શિક્ષકોની જોબ ચાલુ છે તેમને પાર્ટ-ટાઇમ જોબ કરવાની છૂટ મળી હોવાથી તેઓ ભણાવવાની સાથોસાથ આઇસ્ક્રીમ શોપ, ગ્રોસરી, ડિલીવરી, કેબ ડ્રાઇવર અને વેઇટર જેવી પાર્ટ ટાઇમ જોબ કરે છે.

આ પ્રકારની જોબ તેમણે દસ કલાકના હિસાબે કરવી પડે છે! એક સંવાદદાતાના મતે અમેરિકામાં એક દાયકાની ભારે મંદીને કારણે શિક્ષકોના પગારમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેને કારણે શિક્ષકો નોકરી છોડી રહ્યા છે. તેથી જ શિક્ષકોની નોકરી ચાલુ છે તેમના પર કામનું ભારણ વધી ગયું છે. હાલત એવી છે કે અડધાથી વધુ શિક્ષકો આ વ્યવસાયમાંથી બહાર નીકળી ગયા છે. તેથી શાળામાં શિક્ષકોની અછત સર્જાય છે. વિદ્યાર્થીઓ શિક્ષક વગરના વર્ગોની વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ પ્રકારની સાંપ્રત નબળી શિક્ષણવ્યવસ્થા માટે સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. અસંખ્ય શાળાઓને સરકાર તરફથી જે ફંડ (ગ્રાન્ટ) મળવું જોઇએ તે મળતું નથી!

અમેરિકાની હાલની આ પ્રકારની પરિસ્થિતિ સાથે ભારતની હાલની પરિસ્થિતિની તુલના કરીએ. ભારતમાં પણ શાળાઓમાં વિદ્યા સહાયકોની નિમણૂક પાંચ વર્ષ સુધી ઓછા, બાંધ્યા પગારે કરે છે અને પાંચ વર્ષ બાદ પૂરા સ્કીલ પર મૂકે છે એ આપણે સૌ જાણીએ છીએ. મોંઘવારી અને મંદીનો માહોલ ભારતમાં પણ છે છતાં કોઇ શિક્ષકે શાળા છોડી દીધી હોય એવા સમાચાર નથી! અથવા શાળાના શિક્ષકોના પગારમાં કાપ મૂકયો નથી!! હા, જૂની પેન્શન યોજના અને પગારવધારા બાબતે શિક્ષકોએ ધરણાં કર્યાં છે ખરા પરંતુ હાલમાં અમેરિકાના શિક્ષકોની જે દશા છે તેવી તો નથી જ. આપણા માટે આ મોટામાં મોટું આશ્વાસન છે. અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રમાં શિક્ષણની આ સ્થિતિ છે. વ્યાપાર ક્ષેત્રે જાયન્ટ ગણાતી ફેસ બૂક, ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓએ ઘણાં કર્મચારીઓને છૂટા કરી દીધા છે. ભારતની કોઇ કંપનીએ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યાના સમાચાર નથી.

ભારતમાં પેન્શનરોનું પેન્શન દર મહિાનની પહેલી તારીખે જમા થાય છે. કર્મચારીઓના પગાર કોઇ પણ કાપકૂપ વગર નિયમિત જમા થાય છે. વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની તુલનામાં મોંઘવારી દર નિયમનમાં છે. તેથી હાલના ચૂંટણીલક્ષી માહોલમાં મોંઘવારીની બૂમો પાડવી કેટલી તર્કસંગત છે? શિક્ષક કોઇ પણ રાષ્ટ્રનો હોય, એ રાષ્ટ્રનો ઘડવૈયો છે. તેનું શોષણ કે ઘરવાપસી આપણને કઠે એ સ્વાભાવિક છે. અમેરિકાના શિક્ષકોની હાલની આ દશાથી આપણે ખુશ થવા જેવું નથી પરંતુ આપણા દેશના શિક્ષકોની હાલની પરિસ્થિતિ માટે આશ્વાસન લેવા જેવું છે.
વિનોદ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top