Charchapatra

તોફાનીઓની હિંમત  વધતી જાય છે

મારું બાળપણ અને કિશોરાવસ્થા રેલવેના સહારે વીતી.ત્યારે નિયમિતતા અને સલામત મુસાફરી ઉપર એટલો ભાર મૂકવામાં આવતો કે જો દસ મિનિટથી વધારે ટ્રેન મોડી પડે તો કર્મચારીને મેમો આપી તે સ્ટેશનના અધિકારીનો પણ જવાબ માગવામાં આવતો.  આ માટે કેટલાંક સૂત્રો અને બેનર પણ બનાવવામાં આવતાં. આમાંનું એક સૂત્ર હતું, “ નસીબ કે ચમત્કારસે કુછ દુર્ઘટના રોકી જાતી હૈ,લેકિન સતર્કતાસે સભી પ્રકારકે અકસ્માત કા સામના હો સકતા હૈ “.આ વાત એક જુદા સંદર્ભમાં અહીં એટલે યાદ આવી ગઇ કે ઉમરગામ સ્ટેશન પાસે કેટલાંક તોફાની તત્ત્વો દ્વારા રેલવે લાઇન પર લોખંડની પ્લેટો મૂકી એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો હિચકારો પ્રયાસ ગત પખવાડિયે થયો.

આમાં ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન ડ્રાઈવરે ના રોકી હોત તો મોટી દુર્ઘટના અને જાનહાનિ થઇ હોત એમાં બેમત નથી. સરકાર અને રેલવે તંત્રને માટે આ બનાવ આંખ ઉઘાડનારો બની રહેવો જોઈએ .એટલું જ નહિ, ગુનો કરનારા પકડાવા પણ જોઇએ.’ કેટલાક શકમંદોની પૂછપરછ થઇ છે.’ રેલવેના સેફટી કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા.’વધુ તપાસ આ મામલે ચાલુ છે ‘ એવી રાબેતા મુજબની કાર્યવાહી અહીં હવે ન ચાલવી જોઈએ. કારણ કે છેલ્લાં અઢી વર્ષમાં આ લાઇન પર આ ત્રીજો બનાવ બન્યો છે એની યાદ સત્તાવાળાઓને અપાવવાની જરૂર ખરી?
સુરત     – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top