Business

ગાડી બુલા રહી હૈ.. સીટી બજા રહી હૈ!

આપણે એટલે કે આખી માનવજાત સંસ્કૃતિની ઉન્નતિ-પ્રગતિ કે આજકાલ વધુ પડતો વખોડાઈ ગયેલો શબ્દ ‘વિકાસ’ વાપરીએ તો એનું શ્રેય ઈતિહાસકારો અનુસાર પૈંડાંની શોધને અને એના સતત અવનવા વપરાશને આપવું પડે. પૈંડાંની શોધ ક્યા દેશ- પરદેશમાં, ક્યા કાળમાં થઈ, કઈ રીતે થઈ એના ઈતિહાસમાં અટવાયા વગર એટલું તો કહેવું પડે કે બળદગાડાનાં પૈંડાંથી લઈને સુપર જેટ પ્લેનનાં વ્હીલ્સ સુધીની એની શોધકથા અજાયબ છે. એ વર્તુળાકાર આવિષ્કારને લીધે આજના યુગનાં વિવિધ અને વિભિન્ન વાહનોનો બહોળો ઉપયોગ્ય શક્ય બન્યો છે. સાઈકલ હોય કે બાઈક કે ચાર પૈંડાંની મોટર કે પછી ફોર્મ્યૂલા-વન રેસકાર .. એણે આપણી જિંદગી સરળ- ઝડપી ને ઉત્તેજનામય બનાવી છે અને આવાં ઉપયોગી વાહન આપણી કળા-સંસ્કૃતિમાં સહજતાથી ગોઠવાઈ જતાં હોય છે. ખાસ કરીને ફિલ્મના માધ્યમમાં. વિદેશની વાત જવા દઈએ તો આપણી હિન્દી ફિલ્મોમાં બળદગાડું-બાઈસિકલ- બાઈક-કાર-છૂકછૂક ગાડી એટલે કે કાળાધબ્બ ધુમાડા ઓકતી ટ્રેન, વગેરે અવનવાં પ્રતીક બની ગયાં છે. અનેક પ્રેમકથા-વિપ્લવકથા- અપરાધકથા આ પૈંડાંયુકત વાહનોની આસપાસ જ રચાયેલી – વણાયેલી છે.

# જૂના જમાનાની ફિલ્મોમાં બળદગાડાની બહુમતી હોય એ સમજી શકાય ,પણ પછી ગાડાની સમાંતરે દોડતી ધુમાડા કાઢતી ટ્રેન એવું કાઠું કાઢી ગઈ કે આજે પણ એ અણનમ છે. આપણી ઘણી ફિલ્મોમાં ટ્રેન તો અગત્યનું પાત્ર સુધ્ધાં બની ગયું છે.

# જરા ઝડપથી આમાંની કેટલીક લોકપ્રિય ફિલ્મો અને એમાં પેશ થયેલાં યાદગાર ટ્રેન-ગીતોનાં નામ જોઈ જઈએ તો  દેવ આનંદ-વહિદા રહેમાનની ફિલ્મ: ‘સોલવા સાલ’નું ‘હે અપના દિલ તો આવારા’ તમને અચૂક યાદ આવી જશે..એ જ રીતે, જેમાં આગમાં સપડાયેલી ટ્રેન જ હીરો કે વિલન છે એ મલ્ટિકાસ્ટ ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’ ને પણ તમે ભૂલી ન શકો. રાજેશ ખન્ના- નંદાની ‘ ધ ટ્રેન’ અને રાજેશ ખન્ના- શર્મિલા ટાગોરની ફિલ્મ : ‘આરાધના’નું સદાબહાર ગીત : ‘મેરે સપનો કી રાની કબ આયેગી તુ..’ .અહીં ટ્રેનની સમાંતરે દોડતી જીપ અને ગુંજતું ગીત અને એવા જ સિનારિયો વચ્ચે વર્ષો પહેલાં શૂટ થયેલું દેવસાબ- આશા પારેખની ફિલ્મ : ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ નું સુપર હિટ સોંગ : ‘જિયા હો જિયા હો..કુછ બોલ દો..’ યાદ આવે છે ને ?

# આવી તો અનેક ફિલ્મો છે, જેની કથા કે ગીત ટ્રેન સાથે સંકળાયેલાં છે, જેમ કે ધર્મેન્દ્રની ‘બહારે ફિર ભી આયેગી’ – કરિનાની ‘જબ વી મેટ’- શાહરુખની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’- રિશી કપૂરની ‘બડે દિલવાલા’ – અમિતાભની ‘કુલી’ – સલમાનની ‘બજરંગી ભાઈજાન’ અને તાજેતરમાં રજૂ થયેલી પરિણિતા ચોપરાની ‘ગર્લ ઓન ધ ટ્રેન્’ ..અને આ બધા વચ્ચે ‘ ટ્રેન ટુ પાકિસ્તાન’ પણ ન ભૂલવી જોઈએ… ગામડાની પશ્ચાદભૂમાં હાલતું-ડોલતું ગાડું હોય અને એમાંથી એકાદ ગીત હવામાં ગૂંજતુ હોય એ દ્રશ્યથી આપણા શહેરવાળા પણ ચિરપરિચિત છે. એવા માહોલમાં આપણને એક ગીત સૌથી પહેલાં યાદ આવે .એ છે કવિ શૈલેન્દ્ર-રાજકપૂર-વહિદા રહેમાનનું સદાબહાર ગીત :

‘સજન રે જૂઠ મત બોલો..ખુદા કે પાસ જાના હૈ..’

# આવાં બીજાં ઘણાં બળદગાડાં ગીત  છે, પણ ‘તિસરી કસમ’ નું આ અનેક ભાવાર્થવાળું ગીત બહુ જ સહજતાથી દર્શકોને સ્પર્શી જાય છે એમાં કોઈ બે-મત નથી. એ જ રીતે , ફટફટિયા -સ્કૂટર કે બાઈકનાં પરાકાષ્ઠાનાં ઘણાં દ્રશ્યો અને રોમેન્ટિક ગીતો પણ આપણા દર્શકોને આકર્ષે છે. રીતિક રોશનની ‘ધૂમ’ ફિલ્મમાં શ્વાસ અધ્ધર કરી મૂકે એવાં ખતરનાક બાઈકનાં દ્રશ્યો અને ફિલ્મ ‘અંદાઝ’માં રાજેશ ખન્ના-હેમા માલિનીનું બાઈક પર પેલું રૉમેન્ટિક સોંગ : ‘જિંદગી એક સફર હૈ સુહાના…’ પણ કેમ ભૂલાય ?!

# એ જ રીતે , બ્રિટિશકાળના જમાનાના એક અગત્યના વાહનને પણ તમે સ્મૃતિમાંથી કેમ કાઢી શકો ? એ વાહન એટલે ટ્રામ.. સમાંતર પાટા પર આસ્તે આસ્તે સરકતી ટ્રામ એ વખતે હૈદરાબાદ- મુંબઈ અને કોલકાતામાં ખાસ જનપ્રિય હતી. એમાંય, એ સમયમાં કોલકાતા તો ગોરી બ્રિટિશ સલ્તનતનું પાટનગર એટલે ટ્રામનો અહીં ઠસ્સો ઘણો. કાળક્રમે હૈદરાબાદ- મુંબઈમાંથી ટ્રામે વિદાય લીધી, પણ બાબુમૉશાયના મહાનગર કોલકાતામાં આજની તારીખે પણ ગોકળગતિ ટ્રામ એક અગત્ત્યનું વાહનવ્યવહારનું સાધન બની ગયું છે. આથી સહેજે છે કે બંગાળી ફિલ્મોમાં એની હાજરી સહજ છે. એટલું જ નહીં, મુંબઈની ફિલ્મોમાં પણ અવારનવાર ટ્રામ ડોકિયું કરી જાય છે. બહુ જૂના ઉદાહરણોને ન વાગોળીએ તો તાજેતરના ભૂતકાળમાં તમને પણ યાદ જ હશે કે ‘પીકુ’ ફિલ્મનો ભાસ્કર અર્થાત આપણા ‘બાબુમૉશાય’ અમિતાભ આ શહેરની પોતાની જૂની યાદોને તાજી કરવા સાઈકલ સવારી કરી કોલકાતાની  ટ્રામની આસપાસ કેવા ફરતા રહે છે.. ?! એ જ રીતે, વિદ્યા સિન્હા પણ એની બહુચર્ચિત ફિલ્મ ‘કહાની’ માં ટ્રામ-પ્રવાસ કરે છે. અમિતાભ-વિદ્યાનાં દ્રશ્યોમાં માત્ર ટ્રામ જ નજરે ચઢી,પણ સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘બુલેટ રાજા’નું ખાસ્સું શૂટિંગ મમતા દીદીનાં મહાનગરમાં થયું ત્યારે કોલકોતાનાં વિશેષ તરી આવે એવાં કેટલાંક વાહનો,જેમકે ઘોડાગાડી- હાથરીક્ષા અને ટ્રામ સુધ્ધાંમાં હીરો-હીરોઈનને ફરતાં દર્શાવ્યાં છે ! અહીં એક આડ,પણ મજાની વાત જાણી લઈએ કે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં ટ્રામનાં શૂટિંગ અહીં ચોરંગી વિસ્તારના ધર્મતલ્લા- ખિદરપુરના ટ્રામ રુટ થર્ટી સિક્સ (૩૬) પર જ થાય છે, કારણ કે ત્યાંનાં લીલાછમ્મ મેદાન પાસેથી ધીમી ગતિએ પસાર થતી બે ડબ્બાની ટ્રામ એક આહલાદક દ્રશ્ય સર્જે છે..’બાંગ્લા ટુરિઝમ’ના પ્રચાર માટેની ફિલ્મના બ્રાંડ ઍમ્બૅસડર તરીકે શાહરૂખ ખાને પણ આ ફેમસ ટ્રામ રુટ -૩૬ પર જ એનાં પરાકાષ્ઠાનાં દ્રશ્યો શૂટ કરાવ્યાં હતાં !

– આ તબક્કે જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે એવાં વિશ્વવિખ્યાત ફિલ્મસર્જક સત્યજિત રેને પણ જરા યાદ કરી લઈએ.. એમની અનેક ફિલ્મોમાં કોલકાતાના હાથરિક્ષા અને ટ્રામની આવન-જાવન સહજ રહેતી પણ એમનો વિશેષ લગાવ ટ્રેન સાથે પણ રહ્યો છે. એમની ‘અપ્પુ’ શૃંખલાની ત્રણ ફિલ્મ: ‘પાથેર પાંચાલી’- ‘અપરાજિતા’- ‘અપુર સંસાર’ ને સાંકળી લેતી એક દોડતી જતી ટ્રેન છે. આ ટ્રેનના પ્રતીકને  સત્યજિતબાબુએ બખૂબી વાપરીને કમાલ સર્જી છે.આવો જ ટ્રેનનો ઉપયોગ એમણે ‘સોનાર કિલ્લા’ તથા અદભુત અદાકાર ઉત્તમ કુમાર-શર્મિલા ટાગોરની બહુ વખણાયેલી ફિલ્મ : ‘નાયક’ માં પણ કર્યો છે. દિગ્દર્શિત સત્યજિત રેની આવી ‘ટ્રેન કળા’ વિશે તો એક અલગ લેખ કરવો પડે !

Most Popular

To Top