Comments

એ પહેલ આવકાર્ય છે, પણ પર્યાપ્ત નથી

ટેક્નોલોજી આપણા જીવનમાં ગમે એટલા ભૌતિક ફેરફાર લાવે, માનસિકતાને એ ભાગ્યે જ બદલી શકે છે. ઘણી વાર તો એમ લાગે કે માણસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની માનસિકતાનો વિકાસ કરવાને બદલે તેને વધુ ને વધુ સંકુચિત કરી રહ્યો છે. જૂની, પરંપરાગત ગેરમાન્યતાઓ તે ઝટ છોડી શકતો નથી. કેરળના મુખ્ય પ્રધાન પી.વિજયન દ્વારા ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ઘોષણા કરવામાં આવી કે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની વિદ્યાર્થીનીઓને માસિકધર્મના દિવસો દરમિયાન રજા આપવામાં આવશે. આ અગાઉ કોચીન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને આ રજા આપવાનું જાહેર કરાયું હતું. અલબત્ત, એ માટે વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજયને આ સરકારી ઘોષણાને ‘સ્ત્રી-પુરુષ સમાનતાયુક્ત સમાજ રચવાની પ્રતિબદ્ધતા’હોવાનું ગણાવ્યું હતું.

આ ઘોષણા આવકારદાયક છે, કેમ કે, હજી ભારતીય સમાજમાં માસિકધર્મના મુદ્દે જાઈએ એટલી ચર્ચા થતી નથી. ટી.વી. કે અખબાર જેવાં માધ્યમો પર દર્શાવાતી સેનીટરી નેપકીનની જાહેરખબરોમાં મહિલાને ‘આઝાદી’અપાવવાનો દાવો કરવામાં આવે છે, પણ એ આઝાદી મુખ્યત્વે માસિક સમયની ‘ઝંઝટ’થી હોય છે. મહિલાઓની મૂળભૂત જરૂરિયાત કહી શકાય એવી આ સુવિધા સહજપણે સુલભ હોવી જાઈએ. તેને બદલે એને આવી ભવ્યતા બક્ષવામાં આવે એ દર્શાવે છે કે આ બાબત હજી એટલી સહજસ્વીકૃત નથી બની! ‘સ્વીગી’, ‘ઝોમેટો’કે અમુક ગણીગાંઠી કંપનીઓ પોતાની મહિલા કર્મચારીઓ માટે માસિકધર્મ માટેની રજા જાહેર કરે એ હજી સમાચારનો વિષય બને છે.

સ્ત્રી-પુરુષની સમાનતાવાળા સમાજની રચના કરવા તરફનું આ પગલું હોય તો હજી અનેક મુદ્દા ચર્ચવાના ઊભા રહે છે. આવી ઘોષણા અને તેનો અમલ સ્ત્રી-પુરુષ અસમાનતાની ખાઈને વધુ પહોળી કરે એવી શક્યતા નકારી શકાય નહીં. આ શક્યતા પાયાવિહોણી નથી, કેમ કે, દક્ષિણ કોરિયા અને જાપાનમાં આવી રજા આપતો કાયદો અમલમાં છે. આમ છતાં, સર્વેક્ષણ સૂચવે છે કે આ દેશોમાં આવી રજાઓ ભોગવતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કારણ? માસિકસ્રાવ સાથે સંકળાયેલી સૂગ. મહિલાઓને આવી રજાઓ ફરજિયાત આપવાની થાય એવા સંજાગોમાં રજાઓ સાથે સંકળાયેલું આર્થિક તેમજ ઉત્પાદકતાનું પાસું પણ ગણનામાં લેવાનું આવે.

તેને કારણે કાર્યસ્થળે મહિલાઓની પસંદગીમાં તેમને પ્રાધાન્ય ઓછું મળે એ શક્યતા નકારી શકાય એમ નથી. મહિલાઓની નિયમીત દેહધાર્મિક પ્રક્રિયા એવા માસિકધર્મ માટે ખાસ રજાની શ્રેણી ઉભી કરવાથી એ તબીબી મુદ્દો બને, અને તે ‘રોગ’કે ‘બિમારી’ગણાય. આથી ઘણી મહિલાઓ એવી ગેરમાન્યતાનો શિકાર બની શકે કે આ સમયગાળો ‘મુશ્કેલ અને દર્દનાક’બની રહે કે જેમાં પોતે કામ નહીં કરી શકે. આવી ગેરમાન્યતાનો પ્રસાર કરવામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓની ભૂમિકા મહત્ત્વની બની રહે. અમુકતમુક પ્રકારના ‘ખાસ’સેનીટરી નેપકીન યા અન્ય પૂરક ઘટકો ધરાવતાં ઔષધોનું આખું બજાર તેઓ ઊભું કરી શકે.

એ હકીકત છે કે પ્રત્યેક મહિલાનું માસિકધર્મનું ચક્ર આગવું હોય છે. એમ બની શકે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન તેને સતત અસુખ ન પણ અનુભવાય અને અમુક સમયગાળા પૂરતું દર્દ થાય કે અસુખ અનુભવાય. આવા અસુખ કે તેનાથી પેદા થતી અસુવિધાને અવગણી શકાય નહીં. રજાનું પગલું આવકાર્ય છે, આવશ્યક છે, પણ પર્યા નથી. મહિલાઓ માટે કાર્યસ્થળની સ્થિતિમાં સુધારો થાય એ જરૂરી છે. આપણા દેશમાં હજી આ બાબત શુદ્ધતા, પવિત્રતા અને ધર્મ સાથે સંકળાયેલી છે. આ ગેરમાન્યતા એટલી હદે વ્યાપક છે કે ખુદ સ્ત્રીઓ પણ એમ માનતી થઈ જાય છે. સાથોસાથ એ અતિશય અંગત બાબત છે. આવા સંજાગોમાં મહિલા માસિકધર્મમાં હોવાની જાણ થાય તો એની સાથે સૂક્ષ્મ ભેદભાવ આચરવામાં આવે એ શક્યતા રહે છે.

પ્રમાણમાં પછાત ગણાતા બિહાર રાજ્યમાં છેક ૧૯૯૨માં મહિલાઓ માટે માસિકધર્મની રજાનો કાયદો અમલી છે એ જાણીને નવાઈ લાગે. અલબત્ત, એ મેળવવા માટે તત્કાલીન મહિલા સરકારી કર્મચારીઓએ બે-ત્રણ મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ આના વિરોધમાં હતા. એ વખતે દેખાવ કરનાર મહિલાઓને તેમના પતિઓ દ્વારા કહેવામાં આવતું કે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર નથી, અને તેમના વતી પુરુષો દેખાવ કરશે, જેથી મહિલાઓ ઘર સંભાળી શકે. આમ છતાં, પોતાનું યુદ્ધ પોતે જ લડવું પડશે એવી શ્રદ્ધા ધરાવતી મહિલાઓ મોરચે અડીખમ રહી અને હકારાત્મક પરિણામ મેળવી શકી. જા કે, ત્રણ દિવસની રજાઓની તેમની માગણીના બદલામાં તેમને બે દિવસની રજા જ મળી શકી.

આખી ચર્ચાનો સાર એટલો કે માસિકધર્મ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની જાહેર અને સ્વસ્થ ચર્ચા થવી જાઈએ. આ ગાળા દરમિયાન થતી તકલીફો વિશે ખૂલીને વાત થાય અને વધુ ને વધુ લોકો તેના વિશે જાણે એ મહત્ત્વનું છે. તેની સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ આ રીતે જ કાળક્રમે દૂર થઈ શકશે. કાર્યસ્થળની સુવિધાઓમાં અને સ્થિતિમાં સુધારણા કાયદાથી આવે એને બદલે સમજણથી આવે એ વધુ ઈચ્છનીય ગણાય. આ બાબતે સરકારી કાર્યાલય કે એકમોમાં પહેલ થાય એ સૌથી આવકાર્ય ગણાય. એમ થાય તો સરકાર ખાનગી એકમોને પણ ફરજ પાડી શકે. શાળા કક્ષાએથી આ અંગે જાગૃતિ લાવવાનું કામ કરવા જેવું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ માસિકધર્મ અંગેની અને બીજી અનેક આવી ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવે તો એ એનો સાચો ઉપયોગ ગણાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top