Business

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતાં કોલસાની કિંમત કરતા આયાતી કોલસાની કિંમત લગભગ બમણી થઈ ગઈ

સુરત : સુરતનાં (Surat) ટેક્સટાઈલ ક્લસ્ટરની (Textile cluster) મિલોને અપાતાં ટન દીઠ કોલસાની (Coal) કિંમતમાં સીધો 1500 થી 2000 રૂપિયાનો વધારો થતાં પ્રોસેસર્સ મૂંઝાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ઇન્ડોનેશિયાથી આયાત થતો કોલસો 8000 થી 10,000 થઈ જતા સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશને ગુજરાત સરકાર હસ્તકની સરકારી કોલસાની ખાણનો કોલસાનો ભાવ ઘટાડી મિલોનો ક્વોટા વધારવા માંગ કરી છે.

ભારતમાં ઠંડીને લીધે ડોમેસ્ટિક માર્કેટમાં પણ કોલસાના ભાવો વધ્યાં છે. જીએમડીસી જ્યાં મિલોને મેટ્રિક ટન દીઠ 5000 થી 5500 રૂપિયાના ભાવે લિગ્નાઇટ આપી રહ્યું છે ત્યાં આયાતી કોલસો 8000 થી 10,000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યોં છે. કોલસાના ભાવ વધતાં મંદીની સમસ્યાથી પસાર થઇ રહેલા પ્રોસેસર્સ માટે નવી સમસ્યા ઉભી થઇ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતાં કોલસાની કિંમત કરતા આયાતી કોલસાની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે.

અગાઉ લિગ્નાઈટનું પ્રોડક્શન વધારી ભાવો ઓછા કરવા ખાણ ખનીજ વિભાગે ખાતરી આપી હતી. ગુજરાત સરકારની જીએમડીસી સહિતની સરકારી કંપનીઓએ સુરતની 400 જેટલી ટેક્સટાઇલ મિલને આપવામાં આવતા કોલસાના ભાવ નહીં ઘટાડતા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (એસજીટીપીએ) દ્વારા અગાઉ વીડિયો કોન્ફરન્સથી રાજ્યના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ અને જીએમડીસીના એમડી.ને લિગ્નાઈટના ભાવ અંકુશમાં લેવા અને ભાવ માર્કેટની સ્થિતિ મુજબ ઓછા કરવા માંગ કરવામાં આવી હતી.

એને પગલે અધિકારીઓએ લિગ્નાઈટનું ઉત્પાદન વધારી ભાવો ઘટાડવા અંગેની માહિતી આપી હતી. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વાખારીયાએ જીએમડીસીના એમ.ડી. રૂપવંતસિંહને આ અગાઉ પત્ર લખી લિગ્નાઇટના ભાવ ઘટાડવા માંગ કરી હતી. જીએમડીસી તરફથી 1લી સપ્ટેમ્બરથી વ્યવસાય એકમોના MSME સ્ટેટસના આધારે ગ્રાહક વિભાજનની રજૂઆત કરવામાં આવી છે. જેનો અમલ થઈ રહ્યોં છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સરકાર કોઈપણ એકમના ફાળવણીના ક્વોટાને વર્તમાન ઉપલબ્ધ ફાળવણીમાંથી એકમને ઘટાડશે નહીં. લિગ્નાઈટનો દર સતત વધીને લગભગ બમણો થઈ ગયો છે.

SGTPA નાં પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, યુદ્ધને લીધે અને યુરોપમાં ઠંડીને લીધે કોલસાની ડિમાન્ડ ખૂબ વધી છે. એને લીધે ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ થતા કોલસાની કિંમતોને લીધે મિલોનું ઓપરેશનલ બજેટ ખોરવાયું છે. માત્ર દોઢ મહિનામાં કોલસાની કિંમત 20 % વધી ગઈ છે. જે ઉદ્યોગકારોએ કિંમત વધારો થવાની સંભાવના જોતા અગાઉથી આયાતી કોલસાનો સ્ટોક કર્યો હતો તેઓને લાભ થયો છે.

મિલ માલિકોનાં બાવાના બેઉ બગડ્યા, લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટર દ્વારા પણ 42 % વધારો કરાયો
ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ની રાજપારડી-તડકેશ્વર માઇન્સમાંથી નીકળતા લિગ્નાઇટનાં જથ્થાને મિલો સુધી લાવવા ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં સીધો 42 ટકાનો વધારો કરવામાં આવતાં મિલ માલિકોનાં જાણે બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થયો છે. હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ખાસ વધ ઘટ થઈ નથી. ભાવ સ્થાયી છે તેમ છતાં લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટર દ્વારા સિન્ડિકેટ રચી સીધો 42 ટકા વધારો કરવામાં આવ્યો છે. જે મિલોની વર્તમાન હાલતથી વિપરીત છે. અગાઉ મેટ્રિક ટન લિગ્નાઈટનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ 478 હતો. જે સીધો 42 % ટકા વધારી 665 રૂપિયા કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top