Sports

આજે ટીમ ઇન્ડિયા રમશે ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપ મેચ

બ્રિસ્બેન, તા. 16 : ભારતીય ટીમ ટી-20 (T-20) વર્લ્ડ કપ 2022માં(World Cup) પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની પોતાની પ્રથમ મેચ પહેલા બે વોર્મ-અપ મેચ (Warm-UP Match) રમશે. જેમાંથી આવતીકાલે સોમવારે ટીમ ઇન્ડિયા વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. ગયા મહિને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-1થી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહને સ્થાને ટીમમાં સામેલ થયેલા પોતાના ઝડપી બોલર મહંમદ શમીને મેચ પ્રેક્ટિસ આપવા ઈચ્છે છે. ભારતીય ટીમ બીજી પ્રેક્ટીસ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ બંને મેચનો ઉપયોગ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ પહેલા પોતાના ટીમ સંયોજનને ગોઠવવા માટે કરશે.

ઓસ્ટ્રેલિયા સામે વિરાટ પોતાનું બેટ ચકાસી લેવા માંગશે
ભારતીય ટીમ તેમના પ્લેઇંગ 11ની શોધમાં પ્રેક્ટિસ મેચનો પૂરો ફાયદો ઉઠાવવા માંગશે. આ પહેલા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ બે બિન-સત્તાવાર વોર્મ-અપ મેચમાં વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો ન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે વિરાટ પોતાનું બેટ ચકાસી લેવા માંગશે. વિરાટ નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ પ્રેક્ટિસ મેચમાં તે બેટીંગ કરે તે ટીમ માટે જરૂરી છે. આ ઉપરાંત પ્રથમ પ્રેક્ટિસ મેચમાં મોંઘા સાબિત થયેલા હર્ષલ પટેલ માટે પણ આ મેચ ખૂબ મહત્વની છે. હર્ષલ પટેલ ઈજામાંથી પરત ફર્યા બાદ લયમાં હોય તેમ લાગતું નથી.

પ્રેક્ટિસ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે
આવી સ્થિતિમાં તેને પાકિસ્તાન સામેની પ્લેઈંગ 11માં સ્થાન મળશે કે કેમ તે પણ બંને પ્રેક્ટિસ મેચ બાદ જ નક્કી થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. પ્રેક્ટિસ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે. ટોસ 9 વાગ્યે થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વોર્મ-અપ મેચનું જીવંત પ્રસારણ જોઈ શકાશે.

Most Popular

To Top