SURAT

એવું શું થયું કે, સુરતનો પોલીસવાળો દોઢ લાખ રૂપિયા લઈ રસ્તા પર દોડ્યો…

સુરત (Surat) : એક સમયે સુરત શહેરમાં પીસીબીનો (PCB) ચાર્જ સંભાળી ચૂકેલા આર.આર ચૌધરીએ ગેરરિતી અને હપ્તાખોરીમાં બદનામ થયેલા ઉત્રાણ પોલીસ (Police) પર ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ કેશિયર પર જ ગોઠવાતા શહેર પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. ઉત્રાણ પોલીસમાં જેની પર ગેરરિતીના સંખ્યાબંધ આરોપો અગાઉ થઇ ચૂકયા છે તે રઈશ ગુલામ હુસેન દોઢ લાખ લઇને એસીબી પાસેથી ભાગી ગયો હતો. દોઢ લાખ રોકડા રૂપિયા લેતા જ રઇશ ગુલામ હુસેન જે ઉત્રાણને ગંધ આવતા તે ભાગ્યો હતો. આ મામલે રેતી કપચીનો વેપાર કરતા વેપારી દ્વારા એસીબીમાં (ACB) ફરિયાદ કરવામાં આવી હતી.

ગઈ તા.૨૩ નવેમ્બરના ના રોજ રઈશે રેતી ભરેલું ટ્રેકટર તાપી નદીમાંથી પકડી ઉત્રાણ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયો હતો. ત્યાં જેનું ટ્રેકટર હતું તેને બોલાવીને રેતી ભરેલું ટ્રેકટર બાબતે ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના તેમજ ટ્રેકટર છોડી દેવાના અવેજ પેટે રૂ.૨,૦૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦ નક્કી કરી ટ્રેકટરની રૂ.૫૦૦ દંડની રસીદ આપી ટ્રેકટર છોડી દીધું હતું. લાંચની રકમ થોડા દિવસ બાદ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ રઈશે ગઈ કાલે તા.૧૪/૧૨/૨૦૨૨ના રોજ રેતીમાલિકની ઓફિસ પર જઈ નક્કી થયેલી રકમ રૂ.૧,૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

રઇસે પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાની વાત, એસીબીએ અફવા કહ્યું
રઇસ પકડાયા બાદ એસીબી હોવાનું માલુમ પડતા તેની અને એસીબીના પોલીસ જવાનો વચ્ચે છુટા હાથની મારામારી થઇ હોવાની વાત વ્હેતી થઇ હતી. અલબત આ વાત વ્હેતી થયા બાદ પીઆઇ આર.આર. ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઇ ઘટના ઘટી નથી. હાલમાં રઇસ પોલીસ ચોપડે વોન્ટેડ છે. તેને ગણતરીના કલાકોમાં જ પકડી લેવાશે.

પોલીસ આલમમાં રઇસના શોખ પણ ચર્ચામાં
લાખ્ખો રૂપિયાની હપ્તાખોરીમાં રઇસ શેખનું નામ બદનામ છે. એવું કહેવાય છે કે મુંબઇના બારોમાં એક રાતમાં લાખ્ખો રૂપિયા રઇસ ઉડાવતો હતો. રઇસની આ ઐયાશીની ચર્ચા પોલીસ બેડામાં પણ હોવાની વાત છે. રઇસ પર ઉચ્ચ અધિકારીઓના ચાર હાથ હોવાની વાત છે. તેથી તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ પ્રકરણમાં આગામી દિવસોમાં ઉત્રાણ પીઆઈ પણ ભેરવાય તો નવાઈ નહી હોય.

ઉત્રાણ પીઆઇની પૂછપરછ કરાશે
એસીબીના મુખ્ય અધિકારી આર. આર. ચૌધરીએ જણઆવ્યું હતું કે, આ મામલે તેઓ દ્વારા જરૂર જણાશે તો ઉત્રાણ પીઆઇની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલમાં તપાસ પ્રાથમિક તબકકે છે. પછીથી તેઓના સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

Most Popular

To Top